કોહલી 300 મી મૅચમાં ફ્લૉપ, ફિલિપ્સનો જૉન્ટી જેવો ડાઇવિંગ કૅચ…
`પ્રૅક્ટિસ મૅચ'માં ભારતનો ધબડકો, રોહિત અને ગિલ પણ ફ્લૉપ

દુબઈઃ ભારતે અહીં આજે ન્યૂ ઝીલૅન્ડ સામે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પ્રૅક્ટિસ મૅચ જેવા મુકાબલામાં બૅટિંગ મળ્યા પછી ધબડકાથી શરૂઆત કરી હતી અને વિશેષ વાત તો એ છે કે વિરાટ કોહલીએ 300મી વન-ડેનો કીર્તિમાન નોંધાવ્યો હતો, પણ આ જ મૅચમાં તે ફ્લૉપ ગયો. તે ફક્ત 11 રનના પોતાના સ્કોર પર પેસ બોલર મૅટ હેન્રીના શૉર્ટ અને વાઇડ બૉલમાં સ્મૅશ કરવાના પ્રયાસમાં કૅચ આપી બેઠો હતો.
કોહલી સહિત કોઈએ પણ ધાર્યું નહીં હોય કે ગ્લેન ફિલિપ્સ જમણી તરફ ડાઇવ મારીને એવો અદ્દભુત કૅચ પકડશે કે જે જોઈને સાઉથ આફ્રિકાના મહાન ફીલ્ડર જૉન્ટી રહોડ્સની યાદ તાજી થઈ જશે.
ખરેખર, ફિલિપ્સના આ ડાઇવિંગ કૅચને ખુદ કોહલી પણ જોતો રહી ગયો હતો અને સ્ટેન્ડમાં બેઠેલી પત્ની અનુષ્કા પણ ચોંકી ગઈ હતી.
કોહલીએ 13 બૉલમાં બે ફોર સહિત 11 રન બનાવ્યા હતા અને 14મા બૉલમાં વિકેટ ગુમાવી બેઠો હતો.
ભારત અને ન્યૂ ઝીલૅન્ડ, બન્ને દેશ સેમિ ફાઇનલમાં સ્થાન મેળવી ચૂક્યા છે એટલે આ મૅચ તેમના માટે પ્રૅક્ટિસ જેવી હોવાથી એમાં બન્ને ટીમના તમામ ખેલાડીઓની કસોટી પણ થવાની હતી.
કોહલીની ત્રીજી વિકેટ વખતે ભારતનો સ્કોર માત્ર 30 રન હતો. શ્રેયસ ઐયર અને અક્ષર પટેલે ધબડકો રોક્યો હતો, પણ શરૂઆતમાં વાઇસ કૅપ્ટન શુભમન ગિલ (બે રન) અને કૅપ્ટન રોહિત શર્મા (15 રન)ની વિકેટનો આઘાત પણ ટીમને લાગી ચૂક્યો હતો. ગિલને હેન્રીએ એલબીડબ્લ્યૂ કર્યો હતો, જ્યારે રોહિતની વિકેટ કાઇલ જૅમિસને લીધી હતી.
એ પહેલાં, ભારતે જે પ્લેઇંગ-ઇલેવન જાહેર કરી એ મુજબ એમાં ચાર સ્પિનરનો સમાવેશ છે. રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી ભારતને જિતાડશે એવી ટીમ મૅનેજમેન્ટે આશા રાખીને તેમને ચારેયને એક ટીમમાં સમાવ્યા હતા.