IND vs ENG: કોહલી અને ઈશાન કિશન ત્રીજી ટેસ્ટમાં કમબેક કરશે? જાણો કોચનો જવાબ

નવી દિલ્હી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ભારતે 106 રનના તોતિંગ તફાવતથી જીતી લીધી હતી. બીજી મેચના પરિમાણ બાદ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ 1-1 જીત સાથે ત્રીજી ટેસ્ટ રમશે. જોકે ત્રીજી ટેસ્ટ 10 દિવસ પછી એટ્લે કે 15 ફેબ્રુઆરીએ રાજકોટમાં રમવામાં આવશે. આ ત્રીજી અને મહત્ત્વની ટેસ્ટ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં શું બદલાવ કરવામાં આવશે એ બાબતે ઇન્ડિયન ક્રિકેટ ટીમના ચાહકોના મનમાં અનેક પ્રશ્નો નિર્માણ થયા છે. ત્રીજી ટેસ્ટમાં ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં રન મશીન વિરાટ કોહલી અને વિકેટકીપર ઈશાન કિશન સામેલ થશે કે નહીં તે બાબતે વિશે ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે મોટો ખુલાસો કર્યો છે.
દ્રવિડે કોહલી અને કિશન બાબતે પૂછવામાં આવતા કહ્યું હતું કે આ સવાલ સિલેક્ટરને કરવો યોગ્ય રહેશે. સિલેક્ટર દ્વારા થોડા સમયમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે. કોહલીએ પર્સનલ કારણોને કારણે પહેલી બે ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ ખેંચ્યું હતું. જોકે થોડા સમય પહેલા વિરાટની પત્ની અનુષ્કા શર્મા પ્રેગ્નન્ટ છે એટ્લે કોહલીએ બ્રેક લીધો હોવાનો ખુલાસો દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડિવિલિયર્સે કર્યો હતો.
ઈશાન કિશનના કમબેકને અંગે દ્રવિડે કહ્યું હતું કે કિશને તે નિર્ણય લેવાનો જરૂર નથી કે તે કયા પ્રકારની ક્રિકેટ (ટેસ્ટ, ટી-20 અને ODI) ક્યારે રમશે. આ પછી જ ઈશાન કિશનની નેશનલ ટીમમાં સિલેક્ટ થવાની વાત પર વિચાર કરવામાં આવશે. ભારતીય ટીમમાં નિયમિત પણે રમનારો કિશન દક્ષિણ આફ્રિકા સાથેની સિરીઝમાં વચ્ચેથી બ્રેક લઈને ગાયબ થઈ ગયો હતો અને તે રણજી ટ્રોફીમાં ઝારખંડ તરફથી પણ મેદાનમાં ઉતાર્યો નહોતો.
ક્રિકેટ ટીમમાં કમબેક કરવા માટે કોઈ ને કોઈ માર્ગ હોય છે. ઈશાન કિશન બાબતે હું કોઈ ચર્ચા નથી કરવા માગતો. કિશને ક્રિકેટમાંથી થોડા સમયનો બ્રેક લીધો હતો અને તેને બ્રેક આપવામાં પણ આવ્યો હતો. કિશન જ્યારે કમબેક માટે રેડી થઈ જશે ત્યારે તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં થોડી મેચ રમવી પડશે. બીસીસીઆઇ દ્વારા ઈશાન કિશનને કોઈ પણ બાબતે મજબૂર કરવામાં આવી નથી એમ તેમણે જણાવ્યું હતું.