સ્પોર્ટસ

રાહુલે બ્રેક લીધો, ઑસ્ટ્રેલિયાના પ્રવાસના આ ખેલાડીઓ વિજય હઝારે ટ્રોફીમાં રમશે

નવી દિલ્હીઃ વડોદરામાં આવતી કાલ (ગુરુવાર)થી વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટનો નૉકઆઉટ રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે અને એમાં ઑસ્ટ્રેલિયા ખાતેના પ્રવાસેથી પાછા આવી રહેલા કેટલાક ખેલાડીઓ પોતાની કાબેલિયત બતાવવા તૈયાર થઈ ગયા છે. ઓપનર કે. એલ. રાહુલ થોડા દિવસનો બ્રેક લઈ રહ્યો છે અને તેણે ક્રિકેટ સત્તાધીશોને એ વિશે વિનંતી કરી છે.

ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર પણ મોટા ભાગે એકાદ-બે મૅચ નહીં રમે. જો તામિલનાડુ સેમિ ફાઇનલમાં પહોંચશે તો વૉશિંગ્ટન ઉપલબ્ધ રહેશે.

ઑસ્ટ્રેલિયા ખાતેના નિષ્ફળ પ્રવાસેથી મોટા ભાગના ખેલાડીઓ આજે ભારત પાછા આવી રહ્યા હોવાના અહેવાલ વચ્ચે એક રિપોર્ટમાં એવું જણાવાયું હતું કે તેમની સાથે બૅટર દેવદત્ત પડિક્કલ અને પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના પાછા આવી રહ્યા છે.

ઓપનર અભિમન્યુ ઈશ્વરનને બંગાળ ક્રિકેટ અસોસિયેશને એક દિવસ વહેલા ભારત પાછા આવવાની વ્યવસ્થા કરી આપી છે કે જેથી તે ગુરુવારે બેંગાલ વતી વિજય હઝારે ટ્રોફીમાં રમી શકે. બેંગાલની પ્રી-ક્વૉર્ટર ફાઇનલ હરિયાણા સામે છે.

પેસ બોલર આકાશ દીપ પીઠના દુખાવાને લીધે સિડનીની છેલ્લી ટેસ્ટમાં નહોતો રમ્યો અને હવે વિજય હઝારે ટ્રોફીની ગુરુવારની મૅચમાં નહીં રમે અને બેન્ગલૂરુ જઈને બીસીસીઆઇની ઍકેડેમીમાં સારવાર લેશે.

આપણ વાંચો: વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈ, ગુજરાત, સૌરાષ્ટ્ર, બરોડાનો વિજય…

શનિવાર, 11મી જાન્યુઆરીએ કર્ણાટકની બરોડા સામે ક્વૉર્ટર ફાઇનલ છે અને એમાં કર્ણાટક વતી રમવા માટે પડિક્કલ તથા પ્રસિદ્ધ ક્રિષ્ના વહેલાસર ભારત પાછા આવી રહ્યા છે. પડિક્કલને બે મહિના પહેલાં ઑસ્ટ્રેલિયામાં ઇન્ડિયા એ' ટીમ વતી રમવા માટે મોકલવામાં આવ્યો હતો.

બોર્ડર-ગાવસકર ટ્રોફી પહેલાંની એશૅડો ટૂર’ બાદ પડિક્કલને ઑસ્ટ્રેલિયામાં જ રહેવાનું કહેવામાં આવ્યું હતું અને રોહિત શર્મા પર્થની પ્રથમ ટેસ્ટમાં ન રમ્યો હોવાથી પડિક્કલને તેના સ્થાને રમાડવામાં આવ્યો હતો. જોકે સિરીઝમાં ત્યાર પછી પડિક્કલને નહોતું રમવા મળ્યું.

આપણ વાંચો: વિજય હઝારે ટ્રોફીઃ 13 વર્ષના વૈભવ સૂર્યવંશીએ બનાવ્યો નવો રેકોર્ડ

પ્રસિદ્ધ ક્રિષ્નાને ઑસ્ટ્રેલિયામાં માત્ર સિડનીની આખરી ટેસ્ટમાં રમવા મળ્યું હતું. છેલ્લા એક વર્ષમાં તેની એ એકમાત્ર ટેસ્ટ હતી જેમાં તેણે કુલ છ વિકેટ લીધી હતી. સ્ટીવ સ્મિથને બન્ને દાવમાં તેણે આઉટ કર્યો હતો.

વિજય હઝારે ટ્રોફીમાં ગુરુવારની બીજી પ્રી-ક્વૉર્ટર ફાઇનલ રાજસ્થાન-તામિલનાડુ વચ્ચે રમાશે. શનિવારે ક્વૉર્ટર ફાઇનલ મુકાબલા મહારાષ્ટ્ર-પંજાબ તથા કર્ણાટક-બરોડા વચ્ચે થશે. ગુજરાત તથા વિદર્ભની હરીફ ટીમ હવે પછી નક્કી થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button