કેએલ રાહુલે ચોથા કે પાંચમા નંબર પર બેટિંગ કરવી જોઈએ: શ્રીકાંત

રાંચી: સાઉથ આફ્રિકા સામે રાંચી ખાતે રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. ભારતે સાઉથ આફ્રિકાને જીતવા માટે 350 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ સાઉથ આફ્રિકા 17 રનથી મેચ હારી ગઈ હતી. વિરાટ કોહલીએ મેચમાં 52મી વન-ડે સદી ફટકારી હતી.
જોકે, ભારતના ભૂતપૂર્વ કેપ્ટન શ્રીકાંતના મતે કેએલ રાહુલની અડધી સદી અને રવિન્દ્ર જાડેજા સાથેની તેની 65 રનની ભાગીદારીએ પણ એટલી જ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તેમણે દલીલ કરી હતી કે રાહુલની ઈનિંગ કોહલીની સદી પાછળ ‘છૂપાઈ’ ગઈ હતી. પોતાની યુ-ટ્યુબ ચેનલ પર શ્રીકાંતે કહ્યું હતું કે ” જાડેજાની 20 બોલમાં 32 રનની ઇનિંગ પર કોઈનું ધ્યાન ગયુ નથી. તે ખરેખર એક અલગ સ્તર પર પણ રમ્યો. બંનેએ ભાગીદારીમાં તેમના સ્ટ્રાઇક રેટને ધ્યાનમાં રાખી હતી.
આ પણ વાંચો: વિરાટ કોહલીએ યશસ્વી જયસ્વાલની હેરસ્ટાઈલની કરી મજાક, જુઓ વાયરલ વીડિયો
ભારતના ભૂતપૂર્વ પસંદગીકારે દલીલ કરી હતી કે રાહુલે નંબર 6 પર બેટિંગ કરવી જોઈએ નહીં. પ્રથમ વન-ડેમાં વોશિંગ્ટન સુંદરને કેએલ રાહુલ કરતા આગળ બેટિંગમાં મોકલવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો હતો. જોકે સુંદર ટેસ્ટ શ્રેણીમાં ભારતનો શ્રેષ્ઠ બેટ્સમેન હતો અને તેણે બતાવ્યું કે તે ઉપરના ક્રમમાં બેટિંગ કરી શકે છે. જોકે તે પ્રથમ વન-ડેમાં નિષ્ફળ રહ્યો હતો.
તેમણે કહ્યું હતું કે મને ખ્યાલ નથી કે વોશિંગ્ટન સુંદર તેનાથી આગળ જશે કે નહીં. જો કેએલ રાહુલ આગળના ક્રમમાં બેટિંગ કરશે તો ભારત માટે સારુ રહેશે. તેણે પાંચમા નંબરથી નીચે બેટિંગ કરવી જોઈએ નહીં. તેણે 4 કે 5 નંબર પર બેટિંગ કરવી જોઈએ. વોશિંગ્ટન ફિનિશર તરીકે રમવા ઉતરી શકે છે.



