
લીડ્સઃ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે લીડ્સમાં પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે. લીડ્સ ટેસ્ટના ચોથા દિવસે ભારત બીજી ઈનિંગમાં 364 ઓલઆઉટ થયું હતું. ઈંગ્લેન્ડને જીતવા 371 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બીજી ઈનિંગમાં ભારત તરફથી કે એલ રાહુલે સર્વાધિક 137 રન બનાવ્યા હતા. ઋષભ પંતે 118 રનની ઈનિંગ રમી હતી. જૉશ ટન્ગે 72 રનમાં ત્રણ વિકેટ, બ્રેડોન કાર્સે 80 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

લોઅર ઓર્ડર ફરી નિષ્ફળ
એક તબક્કે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 333 રન હતો ત્યારે ભારત જંગી સ્કોર ખડકશે તેમ લાગતું હતું. પરંતુ સમગ્ર ટીમ 364 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારતે અંતિમ છ વિકેટ માત્ર 31 રનમાં ગુમાવી હતી.ચોથા દિવસની શરૂઆતમાં કેપ્ટન ગિલ 8 રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ પંત અને રાહુલે ભારતની ઈનિંગ સંભાળી હતી. પંત 118 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે રાહુલે 137 રનની ઈનિંગ રમી હતી. 333 રનના સ્કોર પર રાહુલ આઉટ થયા બાદ ભારતની ઈનિંગ પત્તાના મહેલની માફક પડી ભાંગી હતી.
ભારતે પ્રથમ ઈનિંગમાં જયસ્વાલના 101 રન, ગિલના 147 રન અને પંતના 134 રનની મદદથી 471 રન બનાવ્યા હતા. જેના ઈંગ્લેન્ડ તરફથી પ્રથમ ઈનિંગમાં જૉશ ટન્ગ અને બેન સ્ટોક્સે 4-4 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં ઓલી પોપના 106 રન, હેરી બ્રુકના 40 રનની મદદથી 465 રન બનાવ્યા હતા. ભારતને 6 રનની લીડ મળી હતી. ભારત તરફથી બુમરાહે 83 રનમાં 5 વિકેટ લીધી હતી. સિરાજને 2 અને પ્રસિદ્ધ કૃષ્ણાને 3 સફળતા મળી હતી.
આપણ વાંચો : કૅચ છોડનાર યશસ્વી, જાડેજાને સચિનની ટકોર, ‘ બુમરાહને નવ વિકેટ ન મળી શકી’