સારવાર માટે લંડન પહોંચ્યો કેએલ રાહુલ, ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં રમવા પર સસ્પેન્સ
નવી દિલ્હી: ભારતના સ્ટાર બેટ્સમેન કેએલ ઇંગ્લેન્ડ સામે ધર્મશાલામાં રમાનારી પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં પણ રમી શકશે નહીં કારણ તેની જમણી જાંઘના સ્નાયુમાં હજુ પણ સોજો છે. રાહુલ હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ બાદથી રમ્યો નથી પરંતુ બીસીસીઆઇના કહેવા પ્રમાણે આ મહિનાની શરૂઆતમાં રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ પહેલા તે ૯૦ ટકા ફિટ હતો. તે પોતાની ઈજાની સારવાર માટે લંડન ગયો છે. ભારતીય ટીમ પહેલા જ સીરિઝ જીતી ચૂકી છે. તેથી ધર્મશાલામાં સાત માર્ચથી શરૂ થનારી પાંચમી ટેસ્ટ માટે ટીમ મેનેજમેન્ટ તેને લઇને કોઇ જોખમ લેવા માંગતું નથી.
રાહુલ આઈપીએલમાં લખનઊ સુપર જાયન્ટ્સનો કેપ્ટન છે અને મિડલ ઓર્ડરમાં બેટિંગનો પણ મુખ્ય આધાર છે. જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર ટી-૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પોતાનો દાવો મજબૂત કરવા તે આઇપીએલમાં સારું પ્રદર્શન કરવા ઈચ્છશે.
એક સૂત્રએ જણાવ્યું કે, ‘કેએલ રાહુલ એક્સપર્ટનો મત જાણવા માટે લંડન ગયો છે.’ બેટિંગ કરતી વખતે તેને દુખાવો થાય છે. તે સુનિશ્ર્ચિત કરવું પડશે કે તે સંપૂર્ણ રીતે ફિટ છે કારણ કે ટીમને તેની લાંબા સમયથી જરૂર છે. દરમિયાન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રાંચી ટેસ્ટમાં આરામ આપ્યા બાદ વાપસી કરશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટને ધ્યાનમાં રાખીને દરેક મેચ મહત્વપૂર્ણ છે અને ધર્મશાલામાં બુમરાહની હાજરીથી મોટો ફરક પડશે. ડબલ્યૂટીસી પોઇન્ટ ટેબલમાં ભારત ન્યૂઝીલેન્ડ પછી બીજા સ્થાને છે.