બીસીસીઆઈએ કેકેઆરને કહી દીધું, ‘ તમે બાંગ્લાદેશના મુસ્તાફિઝુરને…’

મુંબઈ: કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)એ બાંગ્લાદેશના પેસ બોલર મુસ્તફિઝુર રહમાનને હરાજીમાં ખરીદ્યો એને લઈને જે વિવાદ જાગ્યો એ હવે શાંત પડી જશે એવું એક અહેવાલ પરથી જણાય છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઈ)એ કેકેઆરને કહી દીધું છે કે તમે મુસ્તફિઝુરને તમારી સ્કવૉડમાંથી છૂટો કરી દો.
કેકેઆરના ફ્રેન્ચાઇઝીએ ગયા મહિને અબુ ધાબીમાં ઑકશનના સમારોહમાં મુસ્તફિઝુરને ભારે રસાકસી વચ્ચે 2.00 કરોડ રૂપિયાની મૂળ કિંમત સામે 9.20 કરોડ રૂપિયાના ભાવે ખરીદી લીધો હતો.
જોકે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થવાના બનાવો ફરી વધવા લાગ્યા એટલે મુસ્તફિઝુર (MUSTAFIZUR) વિરુદ્ધ ભારતભરમાં પ્રચંડ વિરોધ શરૂ થઈ ગયો હતો. ગયા વર્ષે આઈપીએલની હરાજીમાં બાંગ્લાદેશી ખેલાડીઓ પર પ્રતિબંધ હતો, પણ આ વખતે એવા પ્રતિબંધની કોઈ સત્તાવાર જાહેરાત ન થઈ હોવાથી કેકેઆરે મુસ્તફિઝુરને ખરીદી લેવાનો મોકો ઝડપી લીધો હતો જેને પગલે વિવાદ શરૂ થયો હતો અને કેકેઆરના સહ-માલિક શાહરુખ ખાનને દેશદ્રોહી તરીકે ઓળખાવામાં આવ્યો હતો.
જોકે મુસ્તફિઝુરને સ્કવૉડમાંથી રિલીઝ કરી દેવાનું કેકેઆર (KKR)ને ન કહેવામાં આવ્યું હોત તો પણ ખુદ મુસ્તફિઝુર અસલામતીના ડરથી ભારતમાં આઇપીએલની મૅચો રમવા આવ્યો ન હોત. ઉલ્લેખનીય છે કે બીસીસીઆઇએ કેકેઆરને મુસ્તફિઝુરના સ્થાને બીજા કોઈ ખેલાડીને પોતાની સ્કવૉડમાં સમાવવાની છૂટ પણ આપી છે.
જાણીતી સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ અનુસાર બીસીસીઆઈ (BCCI)ના સેક્રેટરી દેવજિત સૈકિયાએ કેકેઆરને જણાવી દીધું છે કે તમારે તમારી ટીમમાંથી મુસ્તફિઝૂરને છૂટો કરી દેવો જોઈશે.
આ પણ વાંચો…બાંગ્લાદેશ દુશ્મન દેશ નથી…’ મુસ્તફિઝુર રહમાનના આઇપીએલમાં રમવા પર મોટું નિવેદનઃ અહેવાલ…



