કિશન અને શ્રેયસને ગેરશિસ્ત બદલ ભારતીય ટીમમાંથી ડ્રૉપ કરાયા છે?
મુંબઈ: ક્રિકેટરોને ધૂમ કમાણી કરવા માટેના વિકલ્પો થોડા વર્ષોથી મળી રહેતા હોય છે, પરંતુ તેમને માટે શિસ્તના પાલનને લગતા કડક કાયદા પણ લાગુ કરાયા છે જેને લીધે તેમણે ક્યારેક ટીમમાંથી સ્થાન ગુમાવવું પડતું હોય છે અને એની સીધી અસર તેમની બ્રૅન્ડ વૅલ્યુ પર પડતી હોય છે.
ભારતીય ક્રિકેટના હાલના બે સ્ટાર પ્લેયર ઇશાન કિશન અને શ્રેયસ ઐયરના કિસ્સા લેટેસ્ટ છે. આ બંને ખેલાડીને ટીમ ઇન્ડિયામાંથી હાલમાં ડ્રૉપ કરવામાં આવ્યા છે. કિશને ક્રિકેટ બોર્ડને ગયા મહિને એવી જાણકારી આપી હતી કે ઘણા મહિનાઓથી સતત રમતો હોવાને કારણે તે માનસિક રીતે ખૂબ થાકી ગયો છે એટલે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટેની ટીમમાં તેને સિલેક્ટ ન કરવામાં આવે તો સારું. જોકે સિલેક્ટરોને પછીથી ખબર પડી હતી કે કિશન તો ટેસ્ટ શ્રેણીમાં માનસિક હાલત બદલ નથી રમવું એમ કહીને દુબઈમાં પાર્ટીમાં મોજમજા માણી રહ્યો હતો.
એવું મનાય છે કે કિશનને આ કારણસર ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. શ્રેયસની બાબતમાં એવું છે કે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં તેના કેટલાક શૉટ સિલેક્શન ઠીક નહોતા એટલે સિલેક્ટરોએ તેને રણજી ટ્રોફીમાં રમીને બૅટિંગ સુધારવા કહ્યું હતું. જોકે શ્રેયસે થોડા દિવસ મેદાનથી દૂર રહેવાની ડિમાન્ડ કરી જેને પરિણામે પસંદગીકારોએ તેને અફઘાનિસ્તાન સામે શરૂ થઈ રહેલી ટી-20 સિરીઝ માટેની ટીમમાં સિલેક્ટ કરવાનું ટાળ્યું હતું.