સ્પોર્ટસ

બાળકો આનંદો! ખેલો ઇન્ડિયામાં હવે આ રમતોનો પણ સમાવેશ થયો

ખેલકૂદ પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું કે ` સરકાર સ્કૂલ ગેમ્સને સૌથી વધુ પ્રાધાન્ય આપશે'

નવી દિલ્હીઃ દેશના કરોડો બાળકો અને યુવા વર્ગને આકર્ષતા ખેલો ઇન્ડિયા (Khelo India)માં આ વર્ષથી જ વધુ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું ખેલકૂદ પ્રધાન મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ રવિવારે જણાવ્યું હતું અને તેમણે સામેલ કરવામાં આવી રહેલી નવી રમતોની યાદી આપી હતી જેમાં ખાસ કરીને સ્કૂલ સ્પોર્ટ્સ (school sports)નો સમાવેશ છે.

એ જોતાં, દેશભરના બાળકોને પોતાની ટૅલન્ટ અને ક્ષમતા બતાવવા ખેલો ઇન્ડિયાનો નવો મંચ મળશે. એટલું જ નહીં, માર્શલ આર્ટ, બીચ સ્પોર્ટ્સ તેમ જ વૉટર સ્પોર્ટ્સને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવતાં બાળકો તેમ જ યુવા વર્ગ માટે આ વર્ષથી જ રમતગમતની બાબતમાં આનંદના દિવસો આવી રહ્યા છે.

આપણ વાંચો: ખેલો ઇન્ડિયાના મેડલ વિજેતાઓને કેન્દ્ર સરકારે કયા મોટા લાભની ઑફર કરી?

માંડવિયાએ ખેલો ઇન્ડિયા ઍન્યૂઅલ કૅલેન્ડર રજૂ કરતી વખતે એવું પણ કહ્યું હતું કે સરકાર થોડા જ સમયમાં નૉર્થ-ઈસ્ટ ગેમ્સનો પણ ખેલો ઇન્ડિયામાં સમાવેશ કરીને આ રાષ્ટ્રીય રમતોત્સવનો વ્યાપ વધારશે.

કેન્દ્ર સરકારનો આશય દેશના રમતગમત ક્ષેત્રને વધુ મજબૂત કરવાનો, પાયાના સ્તરે સ્પર્ધાઓને વેગ આપવા વ્યૂહાત્મક વાર્ષિક શેડ્યૂલ પૂરું પાડવાનો અને વધુને વધુ ટૅલન્ટ શોધવાનો છે. આ સંબંધમાં માંડવિયાએ જણાવ્યું હતું કે ` સરકાર દેશની ડોમેસ્ટિક સ્પર્ધાના માળખાને મજબૂત બનાવીને ભારતને વૈશ્વિક ખેલકૂદ સ્તરે પાવરહાઉસ બનાવવા મક્કમ છે.’

માંડવિયાએ કહ્યું હતું કે ` છેલ્લા એક દાયકામાં ભારતીય ખેલકૂદમાં નોંધનીય પરિવર્તન આવ્યું છે. ખેલો ઇન્ડિયા અભિયાન હેઠળ રાષ્ટ્રીય સ્તરે નિયમિતપણે વિવિધ રમતોની સ્પર્ધાઓ થતી રહે છે જેનાથી દેશના ખેલકૂદ ક્ષેત્રને વધુ મજબૂતી મળી રહી છે.

આપણ વાંચો: ખેલો ઇન્ડિયા

સરકાર ખાસ કરીને સ્કૂલ ગેમ્સને વધુ પ્રાધાન્ય આપશે. ત્યાર બાદ જિલ્લા સ્તરને, રાજ્ય સ્તરને મજબૂત બનાવશે કે જેથી રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વધુ સારી ટૅલન્ટ જોવા મળી શકે.’

માંડવિયાના મતે ખેલો ઇન્ડિયા, માર્શલ આર્ટ ગેમ્સ, ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ (આદિવાસી બાળકો, યુવાનોની રમતો) અને ખેલો ઇન્ડિયા સ્વદેશી ગેમ્સને પણ ખેલો ઇન્ડિયામાં સામેલ કરાશે.

ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 19મી મેએ દિવમાં શરૂ થશે અને ત્યાર પછી ઑગસ્ટ-ડિસેમ્બરમાં ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સનો તથા માર્ચ-એપ્રિલમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનો આરંભ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button