`2021માં રહાણે વશમાં નહોતો આવ્યો, પણ આ વખતે રોહિત આવી ગયો એટલે ઑસ્ટ્રેલિયનો સિરીઝ જીતી શક્યા’
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પિનરે કમિન્સ ઍન્ડ કંપનીની વ્યૂહરચના પરથી પડદો ઊંચક્યો

સિડનીઃ 85 ટેસ્ટના અનુભવી બૅટર અને ઑસ્ટ્રેલિયામાં ભારતને 2021ની સાલમાં ઐતિહાસિક ટેસ્ટ-વિજય અપાવી ચૂકેલા અજિંક્ય રહાણેને ત્યારે ટિમ પેઇનના સુકાનમાં ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ તેમ જ ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર્સ તેમ જ ઑસ્ટ્રેલિયન અખબારો માનસિક દબાણમાં નહોતા લાવી શક્યા અને પરિણામ એ આવ્યું કે ભારતે બ્રિસ્બેનમાં ગૅબા ખાતેની નિર્ણાયક ટેસ્ટ-મૅચ રહાણેના સુકાનમાં જીતી લીધી હતી તેમ જ સિરીઝની ટ્રોફી પર 2-1થી કબજો કર્યો હતો, પરંતુ આ વખતની ભારતીય ટીમનો મુખ્ય કૅપ્ટન રોહિત શર્મા ઑસ્ટ્રેલિયાની વિવિધ પ્રકારની તરકીબનો શિકાર થયો અને છેવટે ભારતે 1-3થી પરાજય જોવો પડ્યો.
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પિનર કેરી ઑકીફે એક જાણીતી સ્પોર્ટ્સ ચૅનલને જણાવ્યું છે કે 2021માં કૅપ્ટનપદે રહાણેની એકાગ્રતા તોડવામાં ઑસ્ટ્રેલિયનો નિષ્ફળ ગયા હતા, પણ 2024માં રોહિતની એકાગ્રતા તોડવામાં તેમને સફળતા મળી છે જેમાં રોહિત બૅટર તરીકે તો સુપર-ફ્લૉપ રહ્યો જ, તેની કૅપ્ટન્સીની પણ ટીકા થવા લાગી અને છેવટે સિડની ખાતેની છેલ્લી ટેસ્ટમાંથી તેણે પોતાને જ આરામ' આપ્યો હતો.
આપણ વાંચો: પડ્યા પર પાટું: ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાને મોટું નુકશાન, આ ક્રમે પહોંચી
રોહિત પર્થની પ્રથમ ટેસ્ટમાં અને સિડનીની અંતિમ ટેસ્ટમાં નહોતો રમ્યો. પાંચ મૅચની સિરીઝની ત્રણ મૅચમાં તે કુલ ફક્ત 31 રન બનાવી શક્યો હતો. કેરી ઑકીફે ચૅનલને કહ્યું,
તેઓ (પૅટ કમિન્સના સુકાનમાં ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ) જસપ્રીત બુમરાહને વશમાં નહોતા કરી શક્યા, કારણકે બુમરાહનો પર્ફોર્મન્સ ઉત્કૃષ્ટ હતો. મેદાન પર તે જરાય મચક આપે એવો નહોતો.
એટલે તેમણે રોહિત શર્મા પર ડોળો રાખ્યો હતો અને તેની સામે ધાર્યું કરવામાં સફળ રહ્યા. રોહિત સિડની ખાતેની નિર્ણાયક ટેસ્ટમાં ન રમ્યો. ઑસ્ટ્રેલિયનોની તરકીબ એ હતી કે જો ભારતીય કૅપ્ટનને વશમાં કરી શકાશે તો આખી ભારતીય ટીમ પર હાવિ થઈ શકાશે.’
થોડા વર્ષો પહેલાં ગ્લેન મૅક્ગ્રાને એવી આદત હતી જેમાં તે ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ સિરીઝ પહેલાં બ્રિટિશ ખેલાડીઓનું મનોબળ તોડવા ઑસ્ટ્રેલિયાની તરફેણમાં આગાહી કરતો હતો અને મૅકગ્રાની એ તરકીબ એ સમયના બ્રિટિશ કૅપ્ટન માઇકલ આથર્ટન સામે કારગત નીવડતી હતી.
આપણ વાંચો: IND vs AUS: WTC ફાઈનલ રમવાનું ટીમ ઇન્ડિયાનું સપનું તૂટ્યું, સિડની ટેસ્ટમાં પણ નાલેશીભરી હાર
રોહિતની પત્ની રિતિકા બીજા બાળકને જન્મ આપવાની તૈયારીમાં હતી એટલે રોહિત પર્થની પ્રથમ ટેસ્ટમાં નહોતો રમ્યો. તે બીજી, ત્રીજી અને ચોથી ટેસ્ટમાં રમ્યો, પરંતુ એમાં બૅટિંગમાં સાવ ફ્લૉપ રહ્યો હતો.
સિડનીની પાંચમી ટેસ્ટમાં તે નહોતો રમ્યો. બીજી બાજુ, બુમરાહના સુકાનમાં ભારત પર્થની ટેસ્ટ 295 રનથી જીત્યું અને ખુદ બુમરાહ દરેક મૅચમાં શાનદાર પર્ફોર્મ કરતો ગયો અને સિરીઝમાં 32 વિકેટ સાથે મોખરે રહ્યો. જોકે છેલ્લી ટેસ્ટમાં તે પીઠના દુખાવાને લીધે બીજા દાવમાં બોલિંગમાં નહોતો આવી શક્યો.
ઑસ્ટ્રેલિયા વતી 24 ટેસ્ટ અને બે વન-ડે રમનાર ઑકીફે એવું પણ કહ્યું કે `2021માં ભારતીય કૅપ્ટનને માનસિક દબાણનો શિકાર બનાવવાની તરકીબ અજમાવવામાં આવી હતી, પરંતુ ત્યારે રહાણે વશમાં નહોતો આવી શક્યો અને તેની કૅપ્ટન્સીમાં ભારત 2-1થી સિરીઝ જીતી ગયું હતું.’
આપણ વાંચો: રોહિત-વિરાટના ટેસ્ટ યુગનો સાગમટે અંત આવી રહ્યો છે કે શું?
જાન્યુઆરી, 2021માં ત્યારે બ્રિસ્બેનમાં વૉશિંગ્ટન સુંદરની એ કરીઅરની પહેલી જ ટેસ્ટ હતી. તેણે પ્રથમ દાવમાં ત્રણ અને બીજા દાવમાં એક વિકેટ લીધી હતી. ભારતને જીતવા 328 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ભારતે મિચલ સ્ટાર્ક, જૉશ હૅઝલવૂડ, પૅટ કમિન્સ, નૅથન લાયન અને કૅમેરન ગ્રીન જેવા જાણીતા બોલર્સની હાજરીમાં શુભમન ગિલના 91 રન, ચેતેશ્વર પુજારાના 56 રન, કૅપ્ટન રહાણેના 24 રન, વૉશિંગ્ટનના બાવીસ રન તેમ જ ખાસ કરીને (મૅન ઑફ ધ મૅચ બનેલા) રિષભ પંતના લડાયક 89 રનની મદદથી 97 ઓવરમાં સાત વિકેટના ભોગે 329 રન બનાવીને વિજય મેળવ્યો હતો.
ફાઇટર પંતે એ યાદગાર અણનમ ઇનિંગ્સમાં 181 મિનિટ સુધી ક્રીઝમાં રહીને 138 બૉલનો સામનો કર્યો હતો અને એક ફોર તથા નવ સિક્સર ફટકારી હતી.