કરુણ નાયર સાત વર્ષે પાછો ચમક્યો, બાવીસ બાઉન્ડરીથી ફટકાર્યા અણનમ 124 રન
બેન્ગલૂરુ: 32 વર્ષનો રાઇટ-હૅન્ડ બૅટર કરુણ નાયર ટેસ્ટ-ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર ભારતનો બીજો જ બૅટર છે અને 2016ની સાલમાં (સાત વર્ષ પહેલાં) ઇંગ્લૅન્ડ સામે 303 રનની ઇનિંગ્સ બાદ તે ભારતીય ક્રિકેટમાંથી જાણે સાવ ભુલાઈ ગયો હતો. જોકે અહીં ચાલતી મહારાજા ટી-20 નામની ટૂર્નામેન્ટથી તે પાછો અખબારોમાં તેમ જ વેબસાઇટોમાં અને સોશિયલ મીડિયામાં ચમકવા લાગ્યો છે. તેણે તૂફાની બૅટિંગ કરીને પોતાની તાકાતનો પરચો બતાવ્યો હતો. તેણે સોમવારે માત્ર 48 બૉલમાં નવ સિક્સર અને તેર ફોર (કુલ 22 બાઉન્ડરીઝ)ની મદદથી અણનમ 124 રન બનાવ્યા હતા.
કૅપ્ટન કરુણ નાયરના આ અણનમ 124 રનની મદદથી મૈસૂરુ વૉરિયર્સે 20 ઓવરમાં ચાર વિકેટે 226 રન બનાવ્યા હતા.
વરસાદના વિઘ્ન બાદ શ્રેયસ ગોપાલના સુકાનમાં મેંગલોર ડ્રેગન્સ ટીમને 14 ઓવરમાં 166 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો.
મેંગલોર ડ્રેગન્સ ટીમ 14 ઓવરમાં સાત વિકેટે 138 રન બનાવી શકી હતી. મૈસૂરુ વૉરિયર્સના જગદીશ સુચિથે માત્ર 16 રનમાં બે વિકેટ લીધી હતી.
32 વર્ષના કરુણ નાયરે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘મેં હજી પણ ટેસ્ટ ટીમમાં કમબૅક કરવાની આશા નથી છોડી.
કહેવાય છે કે ક્રિકેટર 30 કે 31 વર્ષનો થાય ત્યારે તેની કરીઅરની ચરમસીમા આવી ગઈ કહેવાય. જોકે હું પોતાના વિશે એવું માનું છું કે છેલ્લું એક વર્ષ મારા માટે ઘણું સારું રહ્યું. ગયા વર્ષની મહારાજા ટી-20 ટૂર્નામેન્ટ બાદ ડોમેસ્ટિક ક્રિકેટ મારા માટે સારી રહી હતી.’
કરુણ નાયરે આગામી આઇપીએલ પહેલાંના ઑક્શન અગાઉ ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો છે એટલે તેને કેટલીક ટીમોના માલિકો જરૂર ધ્યાનમાં રાખશે.
Also Read –