કરુણ નાયરે ઇંગ્લૅન્ડમાં બેસીને લીધો આ મોટો નિર્ણય, અચાનક ટીમ બદલી!

લંડન/બેંગલૂરુઃ બૅટ્સમૅન કરુણ નાયર (Karun Nair) આઠ વર્ષે ટેસ્ટ-ટીમમાં પાછા આવ્યા બાદ ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં સારું નથી રમી રહ્યો, પરંતુ તેણે ડોમેસ્ટિક ક્રિકેટ (Domestic cricket) સંબંધમાં એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તે હવે રણજી ટ્રોફી સહિતની સ્પર્ધાઓમાં વિદર્ભ વતી નહીં, પણ તેની જૂની ટીમ કર્ણાટક વતી રમશે.
વીરેન્દર સેહવાગ પછી કરુણ નાયર ભારતનો એવો બીજો ખેલાડી છે જેણે ટેસ્ટ-મૅચમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારી છે. કરુણ નાયરે પ્રથમ કક્ષાની ક્રિકેટમાં કર્ણાટક (KARNATAKA) વતી રમીને જ શરૂઆત કરી હતી. જોકે ખરાબ ફૉર્મને લીધે તેને એ ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. 2023માં તે વિદર્ભ (Vidarbh)ની ટીમ સાથે જોડાયો હતો. ફેબ્રુઆરી, 2025માં વિદર્ભની ટીમ રણજી ચૅમ્પિયન બની હતી. વિદર્ભનું આ ત્રીજું રણજી ટાઇટલ છે.
આ પણ વાંચો: કરુણ નાયર ફ્લૉપ જતાં ભવિષ્યની ટેસ્ટ ટીમમાં રહાણેનો નંબર લાગી શકે
જોકે હવે 33 વર્ષીય કરુણ નાયરે કર્ણાટકની ટીમમાં વાપસી કરી છે. તેણે ઘરવાપસી કરી છે એમ કહીએ તો પણ ખોટું નથી. તે આગામી ડોમેસ્ટિક સીઝનમાં કર્ણાટક વતી રમતો જોવા મળશે.
એક જાણીતી ક્રિકેટલક્ષી વેબસાઇટના અહેવાલ મુજબ કરુણ નાયરે અંગત કારણસર ફરી કર્ણાટક વતી રમવાનું નક્કી કર્યું છે અને એ માટે તેને વિદર્ભની ટીમ તરફથી એનઓસી (નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ) પણ મળી ગયું છે. તે ત્રણ વર્ષે ફરી કર્ણાટક વતી રમવાનું શરૂ કરશે. તે 2022-’23ની સીઝનમાં કર્ણાટક છોડીને વિદર્ભમાં જોડાયો હતો. તેણે વિદર્ભ વતી રમીને પુષ્કળ રન કર્યા હતા અને એ પર્ફોર્મન્સના જોરે જ તેને ફરી ટેસ્ટ ટીમમાં આવવા મળ્યું, પરંતુ એમાં તે નિષ્ફળ જઈ રહ્યો છે. તે ઇંગ્લૅન્ડ સામેની છ ઇનિંગ્સમાં કુલ 131 રન કરી શક્યો છે જેમાં એકેય હાફ સેન્ચુરી નથી.
આ પણ વાંચો: ભારતની ટેસ્ટ ટીમમાંથી આ બોલર લગભગ બહાર, નવા બોલરનો સમાવેશ
કરુણ નાયરે વિદર્ભ વતી એક રણજી સીઝન વતી 863 રન કર્યા હતા, જ્યારે વિજય હઝારે ટ્રોફીમાં તેણે 779 રન બનાવ્યા હતા. એકંદરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કરુણ નાયરે કુલ 119 મૅચમાં 48.86ની બૅટિંગ-સરેરાશે કુલ 8,601 રન કર્યા છે જેમાં 24 સેન્ચુરી સામેલ છે.