ક્રિક્ટના મેદાન પર આવ્યો હાર્ટએટેક, ખેલાડીનું થયું મૃત્યુ
બેંગલૂરુમાં આયોજિત એજીસ સાઉથ ઝોન ટુર્નામેન્ટમાં એક આઘાતજનક ઘટના જોવા મળી હતી. કર્ણાટકના ક્રિકેટર કે હોયસલાનું 34 વર્ષની વયે હાર્ટ એટેકને કારણે દુઃખદ અવસાન થયું હતું. તમિલનાડુ અને કર્ણાટક વચ્ચેની આ રસપ્રદ ટૂર્નામેન્ટમાં પ્રતિભાશાળી ખેલાડીના અકાળે અવસાનથી દરેકને આઘાત લાગ્યો છે, આ ઘટના બેંગલુરુના RSI ગ્રાઉન્ડમાં બની હતી.
જ્યારે કર્ણાટકના ખેલાડીઓ તમિલનાડુ સામે મેદાન પર પોતાની જીતની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે હોયસલા અચાનક છાતીમાં તીવ્ર દુખાવાને કારણે મેદાન પર બેભાન થઈને પડી ગયા હતા. તે સમયે સ્થળ પર હાજર ડોકટરો દ્વારા તેમનેો તાત્કાલિક ઇમરજન્સીની સારવાર આપવામાં આવી હતી, પરંતુ કમનસીબે હોયસાલાએ સારવારને કોઇ પ્રતિસાદ આપ્યો ન હતો.
ત્યારબાદ એમ્બ્યુલન્સ દ્વારા તેcને વધુ સારવાર માટે બોરિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલના ડોક્ટરોએ તેcને પહેલા જ મૃત જાહેર કરી દીધો હતો. હોયસાલાના આકસ્મિક નિધનના સમાચારથી સમગ્ર ક્રિકેટ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પ્રતિભાશાળી ક્રિકેટરના નિધનથી ખેલાડીઓ, ચાહકો અને અધિકારીઓએ શોક વ્યક્ત કર્યો છે.
કર્ણાટક સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતાના પ્રધાન દિનેશ ગુંડુ રાવે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે, “એજીસ સાઉથ ઝોન ટુર્નામેન્ટ દરમિયાન કર્ણાટકના ઉભરતા ક્રિકેટર, ફાસ્ટ બોલર કે. હોયસાલાના આકસ્મિક નિધન વિશે સાંભળીને દુઃખ થયું. “આ મુશ્કેલ સમયે તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના છે. હૃદયરોગના હુમલાને કારણે યુવાનોના મૃત્યુની તાજેતરની ઘટનાઓ સ્વાસ્થ્ય જાગૃતિના મહત્વ અને હૃદયના સ્વાસ્થ્ય વિશે જાગ્રત રહેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.”
મિડલ ઓર્ડર બેટ્સમેન અને બોલર હોયસલાએ અંડર-25 કેટેગરીમાં કર્ણાટક ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. તે કર્ણાટક પ્રીમિયર લીગમાં પણ રમી ચૂક્યો છે.
બોરિંગ હોસ્પિટલ અને અટલ બિહારી મેડિકલ કોલેજના ડીન ડૉ. મનોજ કુમારના જણાવ્યા અનુસાર, ક્રિકેટરને મૃત હાલતમાં લાવવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ‘હોયસાલાનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હતું. અમે પોસ્ટમોર્ટમ પૂર્ણ કર્યું છે અને રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ,’ એમ ડૉ. કુમારે કહ્યું હતું.