બોપન્ના પર કર્ણાટકના મુખ્ય પ્રધાન આફરીન, લાખો રૂપિયાનું ઇનામ જાહેર કર્યું

બેન્ગલૂરુ: મેન્સ ડબલ્સ ટેનિસમાં તાજેતરમાં જ વર્લ્ડ નંબર-વન બનીને ભારતનું નામ રોશન કરનાર રોહન બોપન્ના 20 દિવસ પહેલાં મેલબર્નમાં ઑસ્ટ્રેલિયાના મૅથ્યૂ એબ્ડેન સાથેની જોડીમાં ઑસ્ટ્રેલિયન ઓપનનું ડબલ્સનું ટાઇટલ જીત્યો ત્યારે એબ્ડેનની જેમ બોપન્નાને પણ 3,65,000 ઑસ્ટ્રેલિયન ડૉલર (અંદાજે બે કરોડ રૂપિયા)નું ઇનામ મળ્યું હતું, પરંતુ એના ત્રણ અઠવાડિયા પછી બોપન્નાની કિસ્મત પાછી ચમકી અને મંગળવારે કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયાએ બેન્ગલૂરમાં તેને 50 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપીને તેનું બહુમાન કર્યું હતું.
બોપન્ના બેન્ગલૂરુનો જ છે અને તેના પરિવારની હાજરીમાં મુખ્ય પ્રધાને તેનું સન્માન કર્યું હતું.
ડબલ્સની ટેનિસમાં અત્યાર સુધીમાં મેન્સમાં માત્ર લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ તેમ જ વિમેન્સમાં સાનિયા મિર્ઝા ડબલ્સનું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યાં હતાં, પણ હવે બોપન્ના પણ તેમની ક્લબમાં જોડાયો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ ખેલાડીઓ મોટી ટુર્નામેન્ટ રમીને લાખો ને કરોડો રૂપિયાની પ્રાઇઝ-મની મેળવતા હોય છે, પણ એ સાથે તેમને કોર્પોરેટ જગતમાંથી કરોડો રૂપિયાના એન્ડોર્સમેન્ટ કૉન્ટ્રૅક્ટ પણ મળતા હોય છે. એટલું જ નહીં, તેમની રાજ્ય સરકાર તરફથી લાખો રૂપિયાનું ઇનામ મળે એ અલગથી. જોકે, બોપન્નાની વાત બીજા ડબલ્સના ચૅમ્પિયનોથી સાવ નોખી છે. 43મા વર્ષે તે ઑસ્ટ્રેલિયન ઓપનનો વિજેતા જ નહીં, પણ મેન્સ ડબલ્સ ટેનિસનો સૌથી મોટી ઉંમરનો વર્લ્ડ નંબર-વન પણ બન્યો છે એટલે તે કરોડો રૂપિયાની કમાણી અને ઇનામીરકમને પાત્ર છે એમ કહેવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ અસંમત નહીં થાય.