Kapil Dev on Bumrah:રોહિત માટે કપિલની સલાહ, ‘અરે ભાઈ, તારે પહેલી ઓવર બીજા કોઈને નહીં, પણ….’
ન્યૂ યૉર્ક: ટી-20 વર્લ્ડ કપમાં જસપ્રીત બુમરાહ ભારતીય બોલર્સમાં કુલ પાંચ વિકેટ સાથે મોખરે છે, પરંતુ ક્રિકેટ-લેજન્ડ કપિલ દેવના મતે બુમરાહ વધુ વિકેટો લઈ શક્યો હોત અને હજી વધુ લઈ શકે એમ છે જો કૅપ્ટન રોહિત શર્મા તેની સલાહ માની લે.
ન્યૂ યૉર્કમાં યૉર્કર-સ્પેશિયાલિસ્ટ બુમરાહે પાંચમી જૂને આયરલૅન્ડ સામે છ રનમાં બે વિકેટ અને નવમી જૂને પાકિસ્તાન સામે 14 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. બાબર આઝમની ટીમ સામેની મૅચમાં તો બુમરાહ મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ વિજેતા પણ બન્યો હતો.
આયરલૅન્ડ સામેની મૅચમાં કૅપ્ટન રોહિત શર્માએ પહેલી પાંચ ઓવરમાં અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજનો જ ઉપયોગ કર્યો હતો અને બુમરાહને છઠ્ઠી ઓવરમાં મોરચા પર બોલાવ્યો હતો જે મેઇડન રહી હતી. તેણે પોતાની બીજી ઓવરમાં મહત્ત્વના બૅટર હૅરી ટેક્ટરની વિકેટ લીધી હતી. પાકિસ્તાન સામે પણ રોહિતે અર્શદીપથી બોલિંગ આક્રમણની શરૂઆત કરી હતી જેમાં નવ રન બન્યા હતા, સિરાજની બીજી ઓવરમાં છ રન અને બુમરાહની ત્રીજી ઓવરમાં ચાર રન બન્યા હતા.
બુમરાહ ટીમ ઇન્ડિયાનો બેસ્ટ પેસ બોલર છે, પરંતુ આ વર્લ્ડ કપમાં તેને પહેલા અથવા બીજા બોલિંગ-ચેન્જમાં રન-અપ પર લાવવામાં આવ્યો છે. એ સામે ભારતના સૌપ્રથમ વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન કપિલ દેવનો ટીમ-મૅનેજમેન્ટને સવાલ છે.
રોહિત માટે કપિલની સલાહ છે કે ‘ગમે એવી પરિસ્થિતિ હોય, પહેલી ઓવર તો બુમરાહને જ આપવી જોઈએ. એવું નહીં થાય તો ટીમ ઇન્ડિયાના પરાજયનો ભય વધી જશે. હું હવે પછી જ્યારે રોહિતને મળીશ ત્યારે આ સવાલ કરવાનો જ છું. કોઈને થાય કે બહાર બેસીને બોલવું આસાન છે, પરંતુ હું જેટલું રમ્યો છું અને જેટલી ક્રિકેટ મૅચો જોઈ છે એના પરથી કહું છું કે પહેલી ઓવર બુમરાહને જ આપવી જોઈએ. તે વિકેટ-ટેકિંગ બોલર છે. જો તેને સેક્ધડ-ચેન્જ કે થર્ડ-ચેન્જ તરીકે ઉપયોગમાં લેવામાં આવે કે તેને છેક પાંચમી કે છઠ્ઠી ઓવર આપવામાં આવે તો ગેમ હાથમાંથી જઈ શકે એમ છે.’