સ્પોર્ટસ

કાનપુર ટેસ્ટનો બીજો દિવસ ધોવાઈ ગયો, રવિવારે પણ મેઘરાજા નડી શકે…

કાનપુર: અહીં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટમાં બીજા દિવસે વરસાદને કારણે જરા પણ રમત નહોતી થઈ શકી. ખેલાડીઓએ સવારે સ્ટેડિયમમાં આવ્યા બાદ હોટેલ પર પાછા જવું પડ્યું હતું. રવિવારના ત્રીજા દિવસે પણ વરસાદ પડવાની આગાહી છે.

શુક્રવારના પ્રથમ દિવસે બાંગ્લાદેશે બૅટિંગ મળ્યા બાદ 35 ઓવરમાં ત્રણ વિકેટે 107 રન બનાવ્યા હતા અને એ તબક્કે રમત અટકી ગઈ હતી અને પછી થઈ જ નહોતી શકી. મોમિનુલ હક 40 રને અને મુશ્ફીકુર રહીમ છ રને રમી રહ્યો હતો. ત્રણમાંથી બે વિકેટ પેસ બોલર આકાશ દીપે અને એક વિકેટ રવિચન્દ્રન અશ્વિને લીધી હતી.

શુક્રવાર રાતે જે વરસાદ પડ્યો હતો એને કારણે મેદાન ભીનું હતું. સૂર્યપ્રકાશના અભાવને કારણે આઉટફીલ્ડ અને પિચ સૂકાયા નહોતા અને વધુ વરસાદ પડતાં સ્થિતિ વધુ કથળી ગઈ હતી.

બપોરે 2.00 વાગ્યા બાદ અમ્પાયર્સે મેદાનનું અવલોકન કર્યા બાદ જાહેર કર્યું હતું કે બીજા દિવસે જરા પણ રમત શક્ય નથી.
બન્ને ટીમના ખેલાડીઓ સવારે નિયત સમયે સ્ટેડિયમ પર પહોંચી ગયા હતા, પરંતુ એક તરફ ગ્રાઉન્ડ પર કવર્સ ઢંકાયેલા હતા અને બીજી બાજુ ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં રમત શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. જોકે તેમને કહેવામાં આવ્યું હતું કે બીજા દિવસની રમત લગભગ ત્રણ કલાક મોડી શરૂ થશે. તેઓ હોટેલમાં પાછા ગયા હતા અને છેવટે રમત સમેટી લેવામાં આવી હતી.

વેધશાળાએ સવારે જ આગાહી કરી હતી કે દિવસના બાકીના ભાગમાં વરસાદ પડવાની 80 ટકા અને ઠંડા પવનની 50 ટકા સંભાવના છે.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ