
નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ (Mohammed Kaif)નું એવું માનવું છે કે જસપ્રીત બુમરાહ (Jaspreet Bumrah)ને શરીરનો બહુ સાથે નથી મળી રહ્યો એ જોતાં રવિચન્દ્રન અશ્વિન, રોહિત શર્મા અને વિરાટ કોહલી પછી હવે બુમરાહ ટેસ્ટમાંથી નિવૃત્તિ (RETIREMENT) લેનાર ભારતનો ચોથો હાઈ-પ્રોફાઇલ ક્રિકેટર બનશે.
મૅન્ચેસ્ટરમાં ઑલ્ડ ટ્રેફર્ડ ટેસ્ટમાં શુક્રવારના ત્રીજા દિવસે ટેસ્ટનો વર્લ્ડ નંબર-વન બોલર બુમરાહ અસલ ફૉર્મમાં નહોતો લાગ્યો. તે 28 ઓવરમાં એકમાત્ર જૅમી સ્મિથની વિકેટ લઈ શક્યો હતો.
આપણ વાંચો: મોહમ્મદ કૈફનો સનસનાટીભર્યો દાવો, દ્રવિડ-રોહિતને ગણાવ્યા જવાબદાર
ક્રિકેટરમાંથી કૉમેન્ટેટર બનેલા કૈફે એક્સ’ પર પોતાના હૅન્ડલ પર પોસ્ટ કરેલા વીડિયોમાં ત્યાં સુધી જણાવ્યું હતું કે મને લાગે છે કે જસપ્રીત બુમરાહ આગામી ટેસ્ટ મૅચોમાં રમતો નહીં જોવા મળે. બની શકે કે તે બહુ જલદી ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દેશે. અશ્વિન, રોહિત અને વિરાટ પછી હવે નિવૃત્તિ લેવાનો બુમરાહનો વારો છે. ભારતીય ક્રિકેટપ્રેમીઓએ બુમરાહ વગરની ટેસ્ટ મૅચો જોવાની આદત પાડી દેવી પડશે.’
કૈફ 44 વર્ષનો છે. તે વર્ષ 2000થી 2006 દરમ્યાન 13 ટેસ્ટ અને 125 વન-ડે રમ્યો હતો. તેણે વીડિયોમાં એવું પણ કહ્યું છે કે ` આશા રાખું છું કે બુમરાહ વિશે હું જે કંઈ કહી રહ્યો છું એ ખોટું પડે, પરંતુ મેં ઑલ્ડ ટ્રેફર્ડમાં જે કંઈ જોયું એના પરથી મને લાગ્યું છે કે તે ટેસ્ટ-ક્રિકેટ એન્જૉય નથી કરી રહ્યો.
તે ફિટનેસ અને વર્કલૉડની બાબતમાં પોતાના શરીર સાથેની લડાઈમાં જાણે હારી ગયો લાગે છે. તેનામાં જોશ, જુસ્સો અને પૅશન પહેલા જેવા જ છે, પણ શરીરનો તેને સાથ નથી મળી રહ્યો. આવી સ્થિતિમાં કોઈ કરે પણ શું? તેણે ન ગમતો નિર્ણય લેવો જ પડે.’
આપણ વાંચો: કૈફના મતે બેન સ્ટૉક્સ અને જોફ્રા આર્ચર સોમવારે ભારતના કયા ખેલાડીને ઘાયલ કરવા માગતા હતા?
કૈફે બુમરાહ વિશે ખુદ્દાર બંદા હૈ…’ એવું કહીને ઉમેર્યું હતું કે મૅન્ચેસ્ટરની ચોથી ટેસ્ટમાં તેના બૉલમાં વેગ ઘટી ગયેલો લાગ્યો છે. તે કલાકે 125થી 130 કિલોમીટરની ઝડપે બૉલ ફેંકે છે. તેણે જે વિકેટ લીધી એમાં વિકેટકીપર (ધ્રુવ જુરેલે) આગળની તરફ ડાઇવ મારીને કૅચ પકડવો પડ્યો હતો.

બુમરાહ જ્યારે ફુલ્લી ફિટ હોય ત્યારે બૉલ બૅટ્સમૅનના ખભાની ઊંચાઈ સુધી ઉછળતો હોય છે. બુમરાહનો આવો ફાસ્ટ બૉલ રૂટને ફેંકાયો હોય કે બેન સ્ટૉક્સને, તેમને એ બૉલ પોતાના ખભાની નજીકથી જોરદાર વેગ સાથે પસાર થઈ ગયો હોવાનું ફીલ થતું હોય છે. તે એવો બોલર છે જે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ બૅટ્સમૅનની વિકેટ લઈ શકે, પરંતુ મને લાગે છે કે હવે તેને શરીરનો જોઈએ એવો સાથ નથી મળી રહ્યો.’
થોડા મહિના પહેલાં રોહિતે જ્યારે ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ જાહેર કર્યું ત્યારે નવા કૅપ્ટન તરીકે બુમરાહનું નામ ચર્ચામાં સૌથી પહેલાં હતું, પરંતુ ખુદ તેણે વર્કલૉડને કારણે કૅપ્ટન બનવાની ના પાડી દીધી હતી અને સિલેક્ટરોએ શુભમન ગિલ પર કળશ ઢોળ્યો હતો.
ખુદ બુમરાહે ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન ટેસ્ટ સિરીઝ પહેલાં કહ્યું હતું કે ` મેં જ બીસીસીઆઇને કહી દીધું હતું કે નવા કૅપ્ટન તરીકે મારી ગણતરી નહીં કરતા. હું ઇંગ્લૅન્ડમાં પૂરી પાંચ ટેસ્ટ નથી રમવાનો અને એ સ્થિતિમાં હું ત્રણ મૅચમાં સુકાન સંભાળું અને બાકીની બે મૅચમાં બીજું કોઈ નેતૃત્વની જવાબદારી સંભાળે એ ટીમ માટે જ ઠીક ન કહેવાય. હું હંમેશાં ટીમનું હિત પહેલાં જોઉં છું.’
બુમરાહે 2024ની સાલમાં વર્લ્ડ નંબર-વનની રૅન્ક મેળવી હતી, પણ ત્યાર બાદ 2025ના વર્ષની શરૂઆતથી જ તેને ફિટનેસની સમસ્યા નડી છે.