હાર્દિક અને શિખર પછી હવે આ ક્રિકેટરે છૂટાછેડા લીધા, 14 વર્ષના સંબંધોનો આવ્યો અંત

ડરબનઃ હાર્દિક પંડ્યા અને શિખર ધવનના છૂટાછેડા પછી તેમ જ વીરેન્દર સેહવાગ અને યુઝવેન્દ્ર ચહલના ડિવૉર્સની અફવા વચ્ચે એક જાણીતા ક્રિકેટરના ડિવૉર્સના સમાચાર જાણવા મળ્યા છે. આ દિગ્ગજ ક્રિકેટર સાઉથ આફ્રિકાનો છે.
આ સમાચાર સાઉથ આફ્રિકાના 40 વર્ષની ઉંમરના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર જીન પૉલ ડુમિની (જેપી ડુમિની)ને લગતા છે. તેણે અને પત્ની સૂએ સોમવાર, 17મી ફેબ્રુઆરીએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું જેમાં તેમણે પોતે હવે એકબીજાથી અલગ થઈ રહ્યા હોવાની જાહેરાત કરી હતી. એ સાથે તેમના 14 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો છે.
આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી ડેરડેવિલ્સ (હાલનું નામ દિલ્હી કૅપિટલ્સ) વતી રમી ચૂકેલા ડુમિનીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો વિચાર વ્યક્ત કરતા લખ્યું છે, અમે ખૂબ લાંબો વિચાર કર્યા બાદ અને ઘણી ચર્ચા બાદ આ નિર્ણય લીધો છે. અમે અમારા લગ્નજીવનમાં અનેક યાદગાર પળો વીતાવી હતી અને અમે એ ક્ષણો માટે પોતાને ભાગ્યશાળી માનીએ છીએ. અમે આટલા વર્ષો સાથે રહ્યા એમાં અમને બે સુંદર પુત્રીઓ પણ મળી.' ડુમિનીએ ઇન્સ્ટા પર એવું પણ લખ્યું છે કે
અમે પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. અમારો માર્ગ ભલે અલગ હશે, પણ અમે નક્કી કર્યું છે કે અમારી દોસ્તી નહીં તૂટે. અમે આપસમાં સહમતિથી આ નિર્ણય લીધો છે.’
ડુમિનીએ છેલ્લે ચાહકોને ઉદ્દેશીને લખ્યું છે, આપ સૌએ અમને જે સપોર્ટ આપ્યો અને સમજદારી દાખવી એ બદલ હું અને સૂ તમારો આભાર માનીએ છીએ અને તમારા પ્રત્યે ખૂબ પ્રેમ દાખવીએ છીએ.' ડુમિની અને સૂએ 2011માં લગ્ન કર્યા હતા. એક વાર સૂએ એક મૅગેઝિનને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે
અમારું લગ્નજીવન અમારી પ્રથમ અગ્રતા છે. કોઈ પણ સમસ્યા આવે તો અમે ભેગા થઈને એનો ઉકેલ લાવીએ છીએ.’
આ પણ વાંચો : હાર્દિક પંડ્યા માટે સંજય માંજરેકરે આપ્યું મહત્ત્વનું નિવેદન, ડોમેસ્ટિક ક્રિકેટ અંગે કરી વાત
સૂએ 2023માં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે `હું જે પણ કરું છું એ જેપીને મદદ કરવાના આશયથી જ કરતી હોઉં છું. જ્યારે પણ હું તેને સફળ થતો કે ખુશ થતો જોઉં છું ત્યારે મને પણ ખૂબ આનંદ થતો હોય છે અને સંતોષનો અનુભવ પણ કરતી હોઉં છું.’
એવું મનાય છે કે ડુમિની અને સૂ ભેગા મળીને બન્ને દીકરીઓનો ખર્ચ ઉઠાવશે.
હવે તો સામાન્ય રીતે સેલિબ્રિટીઝ (અહીં આપણે ક્રિકેટર્સની જ વાત કરીશું) સોશિયલ મીડિયામાં એકમેકના અગાઉ કરતાં ઓછા ફોટો શૅર કરે અથવા શૅર કરવાનું જ બંધ કરે એ સાથે તેમના સંબંધો બગડ્યા હોવાની વાતો ચગતી હોય છે. થોડા સમયથી સૂ પોતાના સિંગલ ફોટો શૅર કરતી હોવાથી અને ડુમિની મીડિયાથી દૂર રહેતો હોવાથી તેમની વચ્ચે સારું નથી બનતું એવી વાતો થવા લાગી હતી.
ક્રિકેટરો સામાન્ય રીતે જાણીતી મૉડેલ કે અભિનેત્રી સાથે રિલેશનશિપ શરૂ કરતા હોય છે અને સંબંધો સારા રહે તો તેઓ એકમેક સાથે લગ્ન કરી લેતા હોય છે. ડુમિનીના કિસ્સામાં પણ એવું જ બન્યું હતું. સૂ મૉડેલિંગ માટે જાણીતી હતી અને 2008માં તે ડુમિની સાથેના સંપર્કમાં આવી હતી અને બન્ને જણ એકમેકના પ્રેમમાં પડી ગયા હતા. 2009માં ડુમિનીએ તેને પ્રપોઝ કર્યું હતું અને 2011માં તેઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા.
ડુમિની સાઉથ આફ્રિકા વતી 2004થી 2019 સુધીમાં 46 ટેસ્ટ, 199 વન-ડે અને 81 ટી-20 રમ્યો હતો. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 9,000થી વધુ રન કર્યા હતા તેમ જ 130થી વધુ વિકેટ લીધી હતી. આઇપીએલ સહિતની ટી-20 મૅચોમાં તેણે 6,400 જેટલા રન બનાવવા ઉપરાંત 78 વિકેટ લીધી હતી. 2019માં નિવૃત્તિ બાદ તેણે કોર્પોરેટ જગતમાં ભાગીદારીઓ કરી છે તેમ જ યુવા વર્ગને ક્રિકેટનું કોચિંગ પણ આપ્યું છે.