લખનઊએ વિદેશી ખેલાડીને ₹8.6 કરોડમાં ખરીદ્યો અને હવે કહે છે, હું પરણવાનો છું એટલે બધી મૅચ નહીં રમું

નવી દિલ્હી: આઈપીએલ (IPL)ની આગામી સીઝન 26મી માર્ચે શરૂ થશે, પરંતુ ઑસ્ટ્રેલિયાના વિકેટકીપર બૅટ્સમૅન જૉશ ઇંગ્લિસે લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) માટે ચિંતા જગાવી છે.
લખનઊના ફ્રેન્ચાઇઝીએ મંગળવારે મિની ઑક્શનમાં ઇંગ્લિસને ₹2.00 કરોડની મૂળ કિંમત સામે તીવ્ર હરીફાઈ વચ્ચે ₹8.60 કરોડના તોતિંગ ભાવે ખરીદ્યો હતો. જોકે હવે ઇંગ્લિસે કહેવડાવ્યું છે કે તે એપ્રિલની શરૂઆતમાં લગ્ન કરવાનો હોવાથી આઈપીએલ-2026ની બધી મૅચ નહીં રમે.

લખનઊએ ₹8.60 કરોડના ઊંચા ભાવે એ હેતુથી જ તેને ખરીદ્યો છે કે તે આખી સીઝન રમે અને ટીમને જિતાડતો રહે.
જોકે ઇંગ્લિસ (INGLIS)ને પંજાબે હરાજી માટે રિલીઝ કર્યો હતો ત્યારે જ તેણે એ ફ્રેન્ચાઇઝીને કહ્યું હતું કે તે પરણવાનો હોવાથી 2026ની આઈપીએલ સીઝનમાં માંડ બે અઠવાડિયા (લગભગ ચાર મૅચ) રમી શકશે.
હવે એવું મનાય છે કે ઇંગ્લિસે ₹8.6 કરોડનો ઊંચો ભાવ મેળવ્યો હોવાથી લગ્ન કર્યા બાદ તે હનીમૂન પર જવાનું કદાચ મોફૂફ રાખીને આઈપીએલમાં વધુ રમવાનું પસંદ કરશે.



