સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડે ત્રીજી ટેસ્ટ માટે જાહેર કરી પ્લેઇંગ-ઇલેવન, પીઢ ફાસ્ટ બોલરનું સાડાચાર વર્ષે કમબૅક

લૉર્ડ્સઃ ભારત અને ઇંગ્લૅન્ડ ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી તરીકે રમાતી પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝમાં 1-1ની બરાબરીમાં છે અને હવે ત્રીજી ટેસ્ટ અહીં ગુરુવાર, 10મી જુલાઈએ (બપોરે 3.30 વાગ્યાથી) શરૂ થશે જે માટે ઇંગ્લૅન્ડે પ્લેઇંગ-ઇલેવન જાહેર કરી દીધી છે અને એમાં પેસ બોલર જોફ્રા આર્ચર (JOFRA ARCHER)ને સમાવ્યો છે.

જોફ્રા આર્ચર સાડાચાર વર્ષે બ્રિટિશ ટેસ્ટ ટીમમાં કમબૅક (COMEBACK) કરી રહ્યો છે. છેલ્લે તે 2021માં ટેસ્ટ રમ્યો હતો. જોકે કોણી અને પીઠની ઈજાને કારણે તેની કરીઅર ખોરવાઈ ગઈ હતી.

આપણ વાંચો: પહેલો એક કલાક અને 54 મિનિટ ભારતના, છેલ્લી ક્ષણો ઇંગ્લૅન્ડની

યોગાનુયોગ, છ વર્ષ પહેલાં તેણે ક્રિકેટના મક્કા ગણાતા લૉર્ડ્સમાં જ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તેને 27 વર્ષીય પેસ બોલર જૉશ ટન્ગના સ્થાને લેવામાં આવ્યો છે. ટન્ગની 11 વિકેટ વર્તમાન સિરીઝમાં હાઇએસ્ટ છે એમ છતાં તેને ઇલેવનની બહાર રાખીને જોફ્રા આર્ચરને રમાડવાનો નિર્ણય લેવાયો છે.

ટન્ગે આ શ્રેણીમાં ઓવરદીઠ 4.56 રન આપ્યા છે અને તેના પર બોલિંગનો વર્કલૉડ પણ ખૂબ આવી ગયો જેને લીધે તેના સ્થાને જોફ્રાને ટીમમાં લેવાનું નક્કી કરાયું છે. ટન્ગે બે મૅચમાં કુલ 81 ઓવર બોલિંગ કરી છે. જોકે 82 ઓવર બોલિંગ કરનાર ક્રિસ વૉક્સ અને 77 ઓવર બોલિંગ કરનાર બ્રાયડન કાર્સને ઇલેવનમાં જાળવી રાખવામાં આવ્યા છે.

આપણ વાંચો: સચિન તેન્ડુલકરે કરી આ વિનંતી, ભારત અને ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડ તરત સંમત થઈ ગયા

ફરી જોફ્રા આર્ચર વિશે જાણીએ તો આ 30 વર્ષીય પેસ બોલરે 13 ટેસ્ટમાં 42 વિકેટ લીધી છે. આઇપીએલમાં તે મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રૉયલ્સ વતી રમી ચૂક્યો છે.

ઇંગ્લૅન્ડની પ્લેઇંગ-ઇલેવનઃ

બેન સ્ટૉક્સ (કૅપ્ટન), ઑલી પૉપ (વાઇસ-કૅપ્ટન), જૅમી સ્મિથ (વિકેટકીપર), ઝૅક ક્રૉવ્લી, બેન ડકેટ, જૉ રૂટ, હૅરી બ્રૂક, ક્રિસ વૉક્સ, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર અને શોએબ બશીર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button