રવીન્દ્ર જાડેજાએ રૂટનો આટલામી વાર વાર કર્યો શિકાર
બ્રિટિશ બૅટરને પૅવિલિયન ભેગો કરવામાં ભારતીય સ્પિનર બૉલ્ટની બરાબરીમાં અને કમિન્સથી એક ડગલું પાછળ!
![Joe Root becomes Ravindra Jadeja's bunny for 13th time...](/wp-content/uploads/2025/02/Joe-Root-becomes-Ravindra-Jadejas-bunny-for-13th-tim.webp)
કટકઃ 36 વર્ષનો લેફ્ટ-આર્મ સ્પિનર રવીન્દ્ર જાડેજા ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છે, પરંતુ ટેસ્ટ તથા વન-ડેમાં તે હરીફ ટીમના બૅટર્સ માટે હજી પહેલા જેવો જ ઘાતક છે અને ખાસ કરીને ઇંગ્લૅન્ડના ટોચના બૅટર જૉ રૂટને તેણે ફરી સફળતાથી નિશાન બનાવ્યો છે.+
વન-ડેમાં જાડેજાએ રવિવારે (કટકમાં) પાંચમી વખત રૂટની વિકેટ લીધી હતી. આ પહેલાં, વન-ડેમાં જાડેજાનો નંબર-વન શિકાર વેસ્ટ ઇન્ડિઝનો ભૂતપૂર્વ કૅપ્ટન-ઑલરાઉન્ડર ડૅરેન સૅમી હતો, પણ હવે રૂટ પણ તેની બરાબરીમાં આવી ગયો છે.
સૅમીની જેમ રૂટ પણ પાંચમી વાર જાડેજાની બોલિંગમાં વિકેટ ગુમાવી બેઠો છે. વર્તમાન સિરીઝની બન્ને મૅચમાં જાડેજાએ રૂટની વિકેટ લીધી છે.
બીજી રીતે કહીએ તો વન-ડેમાં રૂટ અગાઉ ન્યૂ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બૉલ્ટની બોલિંગમાં સૌથી વધુ પાંચ વખત વિકેટ ગુમાવી બેઠો હતો, પરંતુ હવે જાડેજા સામે પણ રૂટ પાંચમી વાર આઉટ થતાં જાડેજા હવે બૉલ્ટની હરોળમાં આવી ગયો છે.
એ તો ઠીક, પણ ટેસ્ટમાં જૉ રૂટની વિકેટ લેનારા વિશ્વભરના બોલર્સમાં જાડેજા બીજા નંબરે છે. રૂટને જાડેજાએ 20 મુકાબલામાંથી આઠ વાર પૅવિલિયન ભેગો કર્યો છે. માત્ર ઑસ્ટ્રેલિયાનો પૅટ કમિન્સ જ જાડેજાથી આગળ છે.
આપણ વાંચો: રવીન્દ્ર જાડેજાની અપ્રતિમ સિદ્ધિઃ ભારતનો એવો પ્રથમ લેફ્ટ-આર્મ સ્પિનર અને વિશ્વનો છઠ્ઠો બોલર છે જેણે…
રૂટ ટેસ્ટમાં કમિન્સ સામે નવ વાર આઉટ થયો છે, જ્યારે જાડેજા સામે આઠ વખત વિકેટ ગુમાવી છે. હવે પછી ભારતની આગામી ટેસ્ટ જૂનમાં ઇંગ્લૅન્ડ સામે જ રમાવાની છે અને જાડેજા ત્યારે રૂટને નવમી વાર આઉટ કરીને કમિન્સની બરાબરી કરી શકશે.
જાડેજાએ રૂટને કુલ 13 વખત આઉટ કર્યો છે. જાડેજા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એનાથી વધુ બીજા કોઈ બૅટરને આઉટ નથી કરી શક્યો. રૂટની કુલ 14 વાર વિકેટ લેવામાં પણ કમિન્સ નંબર વન છે અને એ રીતે પણ તેની બરાબરીમાં આવવાની (રૂટને કુલ 14મી વાર આઉટ કરવાની) જાડેજાને તક છે.
રૂટ ફરી એકવાર જાડેજાને વિકેટ આપી બેઠો એટલે સોશિયલ મીડિયામાં મીમ્સ બનવા લાગ્યા છે. એવા એક મીમમાં જાડેજાએ જાણે રૂટનો તલવારથી વધ કરી નાખ્યો હોય એવું બતાવવામાં આવ્યું છે.
રવિવારે રૂટ વનડાઉનમાં રમ્યો હતો. તે 127 મિનિટ (બે કલાકથી પણ વધુ સમય સુધી) ક્રીઝ પર રહ્યો હતો અને 72 બૉલમાં છ ફોરની મદદથી 69 રન બનાવ્યા હતા.
81 રનના કુલ સ્કોર પર ફિલ સૉલ્ટ (26 રન) આઉટ થયા પછી રૂટે બેન ડકેટ (65 રન) સાથે 21 રનની ટૂંકી ભાગીદારી કરી હતી, કારણકે 16મી ઓવરમાં ડકેટને જાડેજાએ હાર્દિક પંડ્યાના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ત્યાર બાદ હૅરી બ્રૂક (31 રન) અને કૅપ્ટન જૉસ બટલર (34 રન)ને અનુક્રમે હર્ષિત રાણા અને હાર્દિક પંડ્યાએ શુભમન ગિલના હાથમાં કૅચઆઉટ કરાવ્યા ત્યાર બાદ 43મી ઓવરમાં જાડેજા ફરી ત્રાટક્યો હતો અને તેના બૉલમાં રૂટ ડીપ એક્સ્ટ્રા કવરમાં વિરાટ કોહલીને આસાન કૅચ આપી બેઠો હતો.
આપણ વાંચો: ખાલેદ અહેમદની વિકેટ લેતા જ રવીન્દ્ર જાડેજાએ આ રેકોર્ડ બનાવ્યો, અશ્વિન અને કપિલ દેવને પાછળ છોડ્યા
એ સાથે, વન-ડેમાં 40મી હાફ સેન્ચુરી ફટકારનાર રૂટ પાંચમી વખત જાડેજાનો શિકાર થયો હતો. ત્યાર બાદ જૅમી ઓવર્ટન (6 રન)ને પણ જાડેજાએ જ ગિલના હાથમાં કૅચઆઉટ કરાવીને પૅવિલિયન ભેગો કર્યો હતો. ગિલે મૅચમાં કુલ ત્રણ કૅચ પકડ્યા હતા.
ઇંગ્લૅન્ડે 304 રન બનાવ્યા જેના જવાબમાં ભારતે રોહિત શર્માના 119 રન, શુભમન ગિલના 60 રન, શ્રેયસ ઐયરના 44 રન અને અક્ષર પટેલના 41 રનની મદદથી 44.3 ઓવરમાં છ વિકેટે 308 રન બનાવીને વિજય મેળવ્યો હતો.