આપણી મહિલા ક્રિકેટરો જ્યારે ક્રાઉડ જોઈને ઍરપોર્ટમાં પાછી અંદર જતી રહી હતી!: જેમાઇમા રૉડ્રિગ્સ | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

આપણી મહિલા ક્રિકેટરો જ્યારે ક્રાઉડ જોઈને ઍરપોર્ટમાં પાછી અંદર જતી રહી હતી!: જેમાઇમા રૉડ્રિગ્સ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ ભારતની મહિલા ક્રિકેટરો ક્યારેય કોઈ વર્લ્ડ કપ ટ્રોફી નથી જીતી શકી, પરંતુ આ વખતે હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને જેમાઇમા રૉડ્રિગ્સ 30મી સપ્ટેમ્બરથી ઘરઆંગણે યોજાનારા આઇસીસી વિમેન્સ વન-ડે વર્લ્ડ કપની ટ્રોફીના અનાવરણ વખતે સોમવારે મુંબઈમાં આયોજિત ઇવેન્ટમાં આ વખતનો વિશ્વ કપ જીતવા પ્રતિબદ્ધ હતી

અને એ પ્રસંગે તેમણે 2017ના વિશ્વ કપ (World Cup)ને લગતી મીઠી યાદોં તાજી કરી હતી જેમાં કૅપ્ટન હરમનપ્રીત કૌરે 2017ના વિશ્વ કપમાં ઑસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઇનલની પોતાની અણનમ 171 રનની અવિસ્મરણીય મૅચ-વિનિંગ ઇનિંગ્સ વિશે કહ્યું હતું કે ` હું એ સેન્ચુરીને મારા માટે તેમ જ ભારતીય મહિલા ક્રિકેટ માટે સ્પેશિયલ ગણું છું.

આપણ વાંચો: અફઘાનિસ્તાનની મહિલા ક્રિકેટરો દેશમાંથી ભાગી ગયા બાદ પહેલી જ વાર મૅચ રમી!

એ ઇનિંગ્સ પછી મારી કારકિર્દીમાં ઘણું પરિવર્તન આવ્યું હતું. અમે ત્યારે ઑસ્ટ્રેલિયા સામે ફાઇનલ હારીને પાછાં આવ્યાં હતાં એમ છતાં અસંખ્ય લોકો ઍરપોર્ટની બહાર અમારા સ્વાગત માટે તેમ જ અમને ચિયર-અપ કરવા લાંબા સમયથી રાહ જોતાં ઊભા હતા. એ ક્ષણો યાદ કરું છું તો હજી પણ હું ભાવુક અને રોમાંચિત થઈ જાઉં છું.’

ભારતની મિડલ-ઑર્ડર બૅટર જેમાઇમા રૉડ્રિગ્સે 2018માં આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરી હતી. 2017ના વિશ્વ કપમાં ભારતીય મહિલા ટીમ રનર-અપ હતી.

એ વખતે જેમાઇમા (Jemimah Rodrigue) ઊભરતી ખેલાડી હતી. તેણે સોમવારની આઇસીસીની ઇવેન્ટ દરમ્યાન રમૂજી ઘટનાની યાદ અપાવતાં કહ્યું હતું કે ` 2017માં ભારતીય ટીમ થાકેલી હાલતમાં સ્વદેશ પાછી આવી હતી. તેઓ ફાઇનલ હારી ગઈ હતી એટલે નિરાશ પણ હતી અને તેમણે માની લીધું હતું કે તેઓ ટ્રોફી જીતીને પાછી નથી આવી એટલે તેમના સ્વાગત માટે ઍરપોર્ટની બહાર કોઈ નહીં આવ્યું હોય.

આપણ વાંચો: ભારતીય મહિલા ક્રિકેટરો વિક્રમજનક 304 રનના માર્જિનથી જીતી, આયરલૅન્ડનો 3-0 થી કર્યો વાઇટ-વૉશ…

જોકે ત્યારે પરોઢિયે 5.30 વાગ્યાનો સમય હતો અને આખું ઍરપોર્ટ લોકોથી પૅક્ડ હતું. તેઓ રનર-અપ ભારતીય ખેલાડીઓના સ્વાગત માટે આવ્યા હતા. મને યાદ છે, રનર-અપ ખેલાડીઓ ઍરપોર્ટની બહાર આવી રહી હતી અને પોતાના સ્વાગત માટે ઊભેલા હજારો લોકોને જોઈને પાછી અંદર જતી રહી હતી. તેમણે ધાર્યું જ નહોતું કે આટલા બધા લોકો તેમના સ્વાગત માટે ઊમટી પડશે.’

જેમાઇમાએ કહ્યું હતું કે 30મી સપ્ટેમ્બરથી ભારતમાં અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાનારા વન-ડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ પૂરજોશમાં તૈયારી કરી રહી છે. સોમવારે આઇસીસીની ઇવેન્ટમાં ખેલાડીઓ સાથેની ચર્ચાની શરૂઆત પહેલાં ટ્રોફીના અનાવરણને લગતી ઇવેન્ટનું ઉદ્ઘાટન આઇસીસી ચૅરમૅન જય શાહે (Jay Shah) કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે ` મારી દૃષ્ટિએ આગામી વન-ડે વર્લ્ડ કપ મહિલા ક્રિકેટનો વધુ વિકાસ કરવા માટેની અમૂલ્ય તક છે. એકંદરે આ મહિલા વિશ્વ કપ વૈશ્વિક સ્તરે ક્રિકેટની રમતને નવી ઊંચાઈ અપાવશે. અમે આઇસીસીમાં હંમેશાં ખુલ્લાં મનથી નવા આઇડિયાઝને આવકારતા હોઈએ છીએ. હું વિશ્વ કપના તમામ દેશોને શુભેચ્છા આપું છું. મને વિશ્વાસ છે કે ભારત અને શ્રીલંકામાં તેઓ કદી ન ભુલાય એવા આનંદિત અનુભવો કરશે.’

આઇસીસીના ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર (CEO) સંજોગ ગુપ્તાએ આ પ્રસંગે કહ્યું હતું કે ` છેલ્લા 8-10 વર્ષમાં મહિલા ક્રિકેટનો ખૂબ વિકાસ થયો છે અને એની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. વર્લ્ડ કપ સ્પર્ધા માત્ર એક ઇવેન્ટ નથી હોતી, એનું ઇવેન્ટથી પણ વિશેષ મહત્ત્વ હોય છે.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button