ભારતની વર્લ્ડ ચૅમ્પિયન સ્ટાર જેમિમા રૉડ્રિગ્સ બિગ બૅશમાંથી કેમ નીકળી ગઈ?

બ્રિસ્બેનઃ ભારતની ચૅમ્પિયન વર્લ્ડ કપ ટીમની મુખ્ય ખેલાડીઓમાંથી એક અને ઑસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઇનલમાં મૅચ-વિનિંગ અણનમ 127 રન કરનાર જેમિમા રૉડ્રિગ્સ તાજેતરમાં બિગ બૅશ-વિમેન ટૂર્નામેન્ટમાં બ્રિસ્બેન હીટ્સ ટીમ વતી થોડી મૅચો રમ્યા બાદ નાનો બ્રેક લઈને ભારતીય ટીમની સાથી ખેલાડી અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાનાના લગ્ન માટે મુંબઈ પાછી આવી હતી, પણ હવે તે પાછી બ્રિસ્બેન નથી જવાની.

વાત એવી છે કે સ્મૃતિ મંધાનાનાં પલાશ મુચ્છલ સાથેના લગ્ન (Wedding) અચોક્કસ મુદત માટે મોકૂફ રાખવામાં આવ્યા છે. પિતાની તબિયત અચાનક બગડી જવાથી સ્મૃતિ (Smriti)એ તેના લગ્ન મુલતવી રાખ્યા છે અને આઘાતના આ સમયમાં તેની પડખે રહેવા જેમિમાએ બિગ બૅશમાં પાછા જવાનું રદ કર્યું છે અને તેની ટીમના માલિકોએ તેની વિનંતી માન્ય રાખી છે. કેટલાક અહેવાલો અનુસાર પલાશ મુચ્છલની અન્ય એક યુવતી સાથેની કથિત વિવાદાસ્પદ ચૅટ ધ્યાનમાં આવતાં (એ યુવતી સાથેના પલાશના કથિત સંબંધોનો અણસાર મળતાં) સ્મૃતિએ લગ્ન મુલતવી રાખ્યા છે.
સ્મૃતિએ સોશ્યલ મીડિયાના પ્લૅટફૉર્મ્સ પર પોતાના લગ્નને લગતી બધી પોસ્ટ ડીલીટ કરી નાખી છે. તેના લગ્ન પલાશ સાથે રવિવાર, 23મી નવેમ્બરે સાંગલીમાં થવાના હતા. જેમિમા સહિત કેટલીક ભારતીય ખેલાડીઓએ પણ પોતાના અકાઉન્ટ પરથી સ્મૃતિ-પલાશના પ્રી-વેડિંગની પોસ્ટ ડીલીટ કરી નાખી હોવાનું જાણવા મળ્યું છે.
બ્રિસ્બેન હીટ્સની ક્લબે મીડિયાને જણાવ્યું છે કે ` જેમિમા રૉડ્રિગ્સ તેની સાથી ખેલાડીની પડખે રહેવા ભારતમાં જ રહેવાની છે અને બિગ બૅશની બાકીની મૅચો રમવા પાછી ઑસ્ટ્રેલિયા નહીં આવે. તે બિગ બૅશમાં બાકીની ચાર મૅચ રમવા પાછી નહીં આવે અને અમારા ફ્રૅન્ચાઇઝીએ તેની વિનંતી સ્વીકારી લીધી છે.’
આ પણ વાંચો…સીએમ ફડણવીસે સ્મૃતિ, જેમિમા અને રાધા યાદવને 2.25 કરોડ રૂપિયાના ઇનામથી સન્માનિત કરી…



