જેમાઇમાની સેન્ચુરીએ ભારતને ફાઇનલમાં પહોંચાડ્યું
સાઉથ આફ્રિકા સામે વિમેન ઇન બ્લ્યૂ ફરી જીતી, શ્રીલંકા સામે રમાશે ફાઇનલ

કોલંબોઃ ભારતની મહિલા ક્રિકેટ ટીમે આજે અહીં વન-ડે ટ્રાયેન્ગ્યૂલર (tri series)માં સાઉથ આફ્રિકાને ફરી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો જેમાં ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થશે. જેમાઇમા રૉડ્રિગ્સ (123 રન, 101 બૉલ, એક સિક્સર, પંદર ફોર)એ કરીઅરની બીજી અને સર્વશ્રેષ્ઠ સદીની મદદથી ભારતને 337/9નો તોતિંગ સ્કોર અપાવ્યો હતો જેના જવાબમાં સાઉથ આફ્રિકા (south africa)ની ટીમ 50 ઓવરમાં સાત વિકેટે 314 રન કરી શકતાં ભારત (india)નો 23 રનથી વિજય થયો હતો.
આ પણ વાંચો: આવતા 10 વર્ષમાં આ ત્રણ મહિલા ક્રિકેટરોના અસરદાર પર્ફોર્મન્સ જોવા મળી શકે…
જેમાઇમા (Jemimah Rodrigues)એ 89 બૉલમાં સદી ફટકારી હતી જે વન-ડેમાં ભારતીય મહિલાઓમાં થર્ડ-ફાસ્ટેસ્ટ છે.
ભારતના 337 રનમાં દીપ્તિ શર્મા (93 રન, 84 બૉલ, બે સિક્સર, દસ ફોર) અને સ્મૃતિ મંધાના (51 રન, 63 બૉલ, છ ફોર)નું પણ મોટું યોગદાન હતું. દીપ્તિ સાત રન માટે બીજી વન-ડે સદી ચૂકી ગઈ હતી.
આ પણ વાંચો: મહિલા ક્રિકેટ …ભઈલા, ક્રિકેટથી થોડું જુદું છે…
જેમાઇમા-દીપ્તિ વચ્ચે 122 રનની તેમ જ જેમાઇમા-સ્મૃતિ વચ્ચે 88 રનની ભાગીદારી થઈ હતી. સાઉથ આફ્રિકા વતી કુલ આઠ બોલરે બોલિંગ કરી હતી. સાઉથ આફ્રિકા વતી ઍનરી ડર્કસને સૌથી વધુ 81 રન કર્યા હતા. તેની વિકેટ અમનજોત કૌરે લીધી હતી. કૌરે સૌથી વધુ ત્રણ તેમ જ દીપ્તિ શર્માએ બે વિકેટ લીધી હતી.