જયદેવ ઉનડકટે જ્યારે કાઉન્ટીમાં હરીફ ટીમના ટૉપ-ઑર્ડરનો સફાયો કરી નાખ્યો…
લંડન: ઇંગ્લૅન્ડમાં અત્યારે ભારતીય ખેલાડીઓની બોલબાલા છે. નૉર્ધમ્પ્ટનશર વતી સ્પિનર યુઝવેન્દ્ર ચહલ એક પછી એક હરીફ ટીમની છાવણીમાં હલચલ મચાવી રહ્યો છે ત્યાં બીજી બાજુ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ સસેક્સ ક્લબની ટીમ વતી ચમકી રહ્યો છે અને આઇપીએલની 2025ની સીઝન માટે થોડા જ મહિનામાં યોજાનારી હરાજી માટે જાણે પૂર્વતૈયારી કરી રહ્યો છે.
આ પણ વાંચો : યુઝવેન્દ્ર ચહલ કાઉન્ટીમાં હલચલ મચાવી રહ્યો છે…
બ્રિસ્ટૉલમાં ગ્લુસેસ્ટરશર સામેની ચાર દિવસની મૅચમાં મંગળવારના પહેલા જ દિવસે પોરબંદરનો હાલાઈ લોહાણા જ્ઞાતિનો 32 વર્ષીય જયદેવ દીપકભાઈ ઉનડકટ છવાઈ ગયો હતો. ગ્લુસેસ્ટરશરના કૅપ્ટન ગ્રેમ વૅન બુરેને બૅટિંગ પસંદ કરી અને 21મી ઓવર સુધીમાં તેની ટીમના માંડ 50 રન બન્યા હતા એમાં તેની ટીમની છ વિકેટ પડી ચૂકી હતી અને એ છમાંથી ચાર વિકેટ જયદેવે લીધી હતી. ઓપનર ક્રિસ ડેન્ટ (3 રન)ને ઇંગ્લૅન્ડ વતી 20 ટેસ્ટ રમી ચૂકેલા ફાસ્ટ બોલર ઑલી રૉબિન્સને આઉટ કર્યો ત્યાર પછીના ક્રમના ચારેય બૅટરની જે વિકેટો પડી એ તમામ જયદેવે લીધી હતી.
ઓપનર જો ફિલિપ્સ (0)ને ઉનડકટે વિકેટકીપર કૅપ્ટન-વિકેટકીપર જૉન સિમ્પ્સનના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો, ઑલિવર પ્રાઇસ (11 રન)ને પણ જયદેવે સિમ્પસનના હાથમાં કૅચ આપી દેવા મજબૂર કર્યો હતો. માઇલ્સ હૅમન્ડ (બાવીસ રન) હજી તો માંડ ક્રીઝમાં સેટ થયો હતો ત્યાં જયદેવે તેને કાર્સનના હાથમાં કૅચઆઉટ કરાવી દીધો હતો અને પછી ગ્લુસેસ્ટરશરનો વિકેટકીપર જેમ્સ પણ જયદેવનો શિકાર થઈ ગયો હતો. જયદેવે તેને તેના ફક્ત નવ રનના સ્કોર પર ટૉમ હેઇન્સના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
જયદેવે ગ્લુસેસ્ટરશરના ટૉપ-ઑૅર્ડરને સાફ કરી નાખ્યો એટલે તેમનો મિડલ-ઑર્ડર પણ પ્રેશરમાં આવી ગયો અને પૂંછડિયાઓના થોડાઘણા પ્રતિકાર બાદ છેવટે એ ટીમની ઇનિંગ્સ માત્ર 109 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.
પેસ બોલર ટૉમ ક્લાર્કે ફક્ત 17 રનમાં ત્રણ વિકેટ તથા ઑલી રૉબિન્સને 33 રનમાં ત્રણ વિકેટ લીધી હતી, પરંતુ જયદેવ ઉનડકટ તમામ બોલર્સમાં સર્વશ્રેષ્ઠ હતો. તે 13-3-32-4ની બોલિંગ ઍનેલિસિસ સાથે છવાઈ ગયો હતો. તેના આ તરખાટને લીધે ગ્લુસેસ્ટરશરનો એકેય બૅટર હાફ સેન્ચુરી પણ નહોતો ફટકારી શક્યો. ટૉમ પ્રાઇસના પચીસ રન ટીમમાં હાઈએસ્ટ હતા.