ત્રણ મેદાન, 100 પિચ અને 45 ઇન્ડોર ટર્ક: ક્રિકેટરો અને નીરજ ચોપડા એકસાથે કરશે પ્રૅક્ટિસ!
નવી દિલ્હી: બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે કહ્યું છે કે ‘બેન્ગલૂરુમાં બહુ જલદી નવી નૅશનલ ક્રિકેટ ઍકેડેમી (એનસીએ) તૈયાર થઈ જશે જેમાં ક્રિકેટરોની સાથે ભાલાફેંકના ઑલિમ્પિક મેડલિસ્ટ નીરજ ચોપડા સહિત અન્ય ઍથ્લીટો પણ પ્રૅક્ટિસ કરી શકશે. તેમને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. આવતા મહિને એનું ઉદઘાટન કરાશે.’
ભારતમાંથી કુલ 117 ઍથ્લીટો-ખેલાડીઓ પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાગ લેવા ગયા હતા, પરંતુ ભારત (એકેય ગોલ્ડ વિના) ફક્ત છ મેડલ જીતી શક્યું હતું. આગામી ઑલિમ્પિક્સ 2028માં અમેરિકાના લૉસ ઍન્જલસમાં યોજાશે.
જોકે એ પહેલાં ભારતીય સ્પર્ધકો અનેક નાની-મોટી સ્પર્ધાઓમાં ભાગ લેશે એટલે સ્પર્ધકોને વધુ સારી પ્રૅક્ટિસ કરવાની તક મળે એ હેતુથી તેમના માટે નવી એનસીએમાં વ્યાપક માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે. 2028ની ઑલિમ્પિક્સમાં ક્રિકેટની ટૂર્નામેન્ટ પણ યોજાવાની છે એટલે ક્રિકેટરોએ પણ એ પહેલાં પ્રૅક્ટિસ કરવાની રહેશે.
આ બધી બાબતોને લક્ષમાં રાખીને ક્રિકેટજગતના સૌથી શ્રીમંત ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇએ નવી એનસીએમાં વ્યાપક સ્તરે સુવિધાઓ પૂરી પાડવાનો ઉદેશ રાખ્યો છે.
આ પણ વાંચો: ‘પાકિસ્તાનમાં ભારતીય ટીમને મોટો ખતરો’, હરભજનનો ચૅમ્પિયન્સ ટ્રોફીના મામલે બીસીસીઆઇને સપોર્ટ
હાલમાં એનસીએ બેન્ગલૂરુમાં જ છે અને ઘણા વર્ષોથી ત્યાં ઊભરતા ક્રિકેટરોને તાલીમ આપવામાં આવે છે. જોકે નવી એનસીએનું હાઈ પર્ફોર્મન્સ સેન્ટર બીસીસીઆઇના આગામી સૌથી મોટા પ્રૉજેક્ટમાંનું એક છે.
જય શાહ તાજેતરમાં જ ડબલ ઑલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપડાને મળ્યા ત્યારે તેમણે તેને કહ્યું હતું કે ‘અમારી એનસીએમાં ક્રિકેટર સિવાયના ઍથ્લીટો-ખેલાડીઓ માટે પણ અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.’
હવે આપણે જાણીએ કે બેન્ગલૂરુની નવી એનસીએમાં કઈ-કઈ વિશે સુવિધાઓ હશે…
નવી એનસીએમાં ત્રણ મોટા મેદાન હશે અને એના પર કુલ મળીને 100 જેટલી પિચ બનાવાઈ રહી છે. એનસીએમાં 45 ઇન્ડોર ટર્ફ પણ હશે.
એનસીએની 100 જેટલી પિચમાં અનેક પ્રકારની પિચનો સમાવેશ હતો. જેમ કે, ઑસ્ટ્રેલિયાના ગૅબા જેવી તેમ જ સાઉથ આફ્રિકાના ડરબન તથા કિંગ્સમીડ જેવી પિચ આ નવી એનસીએમાં હશે. ક્રિકેટરો વિદેશના પ્રવાસે જતાં પહેલાં આ પિચો પર પ્રૅક્ટિસ કરી શકશે.
જય શાહે એક મુલાકાતમાં કહ્યું છે, ‘અમને જે પણ મળે છે એનો અમે સારો ઉપયોગ કરવાનો આશય રાખીએ છીએ. મેં 2019માં બીસીસીઆઇમાં મારો કારભાર સંભાળ્યો હતો. જોકે કોરોનાને કારણે લગભગ બે વર્ષ ઑફિસ બંધ રહી હતી. 2022માં અમને બીજી મુદત મળી એટલે અમે આ પ્રૉજેક્ટને આગળ વધારવાનો નિર્ણય લીધો હતો. આ પ્રૉજેક્ટનું શિલારોપણ મારી પહેલાંના કાર્યકાળમાં થયું હતું એનો મને આનંદ છે.’