સ્પોર્ટસ

આજે બુમરાહની બાદબાકી થશે તો ટીમમાં કોણ? હર્ષિત, સિરાજ, શાર્દુલ, ક્રિષ્ના કે બીજું કોઈ?

મુંબઈ: આગામી 19મી ફેબ્રુઆરીએ શરૂ થઈ રહેલી વન-ડેની ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારત અને બીજા દેશોએ પોતાની ટીમ જાહેર કરી ચૂકી છે અને ટીમમાં ફેરફાર કરવા સહિત કંઈ પણ નિર્ણય લેવા બાબતમાં આજે અંતિમ દિવસ છે અને બધા દેશોએ આજે આઈસીસીને 15 ખેલાડીઓની અંતિમ ટીમના નામ આપી દેવા પડશે જેમાં જસપ્રીત બુમરાહનું નામ રાખવું કે નહીં એના પર આજે આખરી નિર્ણય લેવામાં આવશે. પીઠની ઈજાનો શિકાર બુમરાહ જો નહીં રમવાનો હોય તો તેના સ્થાને હર્ષિત રાણાનું નામ નક્કી જણાય છે. ભારતે જે ટીમ જાહેર કરી છે એમાં સામેલ ચાર પેસ બોલરમાં બુમરાહ તેમ જ મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાનું નામ છે.

બુમરાહના નામની આ લિસ્ટમાંથી બાદબાકી કરવામાં આવશે તો તેના સ્થાને હર્ષિત રાણાનું નામ ઘણા દિવસોથી બોલાય છે. ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ ક્રિષ્ના પણ દાવેદાર છે. ખાસ કરીને શાર્દુલ ડોમેસ્ટિક ક્રિકેટમાં ખૂબ જ સારા ફોર્મમાં રમી રહ્યો છે.જોકે ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અતુલ વાસનનું માનવું છે કે ‘એક સમયના વર્લ્ડ નંબર-વન બોલર મોહમ્મદ સિરાજને ન જ ભૂલવો જોઈએ. હર્ષિત રાણાને બદલે સિરાજને જ ટીમમાં સમાવવો જોઈએ. એના કારણો એ છે કે સિરાજ પોતાને વર્લ્ડ-ક્લાસ બોલર તરીકે પુરવાર કરી ચૂક્યો છે અને બીજું તે અનુભવી પણ છે એટલે દુબઈમાં સાથી બોલર્સને તેનો અનુભવ ઘણો કામ લાગશે.’

Also read: IND vs AUS: સિરીઝ હાર છતાં બુમરાહ ઝળક્યો, જાણો મેચ બાદ શું કહ્યું

ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં ત્રણ સ્થળે (લાહોર, કરાચી, રાવલપિંડી) રમાવાની છે, પરંતુ ભારતની તમામ મૅચો દુબઈમાં રમાશે. ટીમ ઇન્ડિયા આવતી કાલે ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી વન-ડે રમવા માટે અમદાવાદ પહોંચી ગઈ છે, જ્યારે બુમરાહ બેંગ્લૂરુ ગયો છે જ્યાં તેની પીઠનું સ્કેન કરવામાં આવ્યું છે. સિલેક્ટરો એ સ્કેનને લગતા રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.
એવું પણ બની શકે કે બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆતની મૅચો ઈજાને કારણે નહીં રમી શકે. એ સ્થિતિમાં બીસીસીઆઈ બુમરાહને 15 ખેલાડીઓની ટીમમાં જાળવી રાખશે અને પછીથી તેને રમાડવાનો નિર્ણય લેવામાં આવશે ત્યારે આઈસીસીની પરવાનગી સાથે તેને ટૂર્નામેન્ટમાં રમાડી શકાશે. ભારતના ગ્રુપમાં પાકિસ્તાન, ન્યૂ ઝીલૅન્ડ અને બાંગ્લાદેશનો સમાવેશ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ રવિવાર, 23મી ફેબ્રુઆરીએ (બપોરે 2:30 વાગ્યાથી) દુબઈમાં રમાવાની છે.


ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતની ટીમમાં કોણ કોણ છે?

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, રિષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button