IND vs END Test: બુમરાહે રચ્યો ઇતિહાસ: ટેસ્ટમાં પહેલી વાર ભારતીય ફાસ્ટ બોલર બન્યો વર્લ્ડ નંબર-વન
દુબઈ: ભારતના નંબર-વન ફાસ્ટ બોલર અને અમદાવાદની શાન જસપ્રીત બુમરાહે તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટના બીજા દાવમાં 45 રનમાં છ વિકેટ લીધી ત્યારે તે 150મી ટેસ્ટ વિકેટ લેનારો ફાસ્ટેસ્ટ ભારતીય પેસ બોલર બન્યો હતો, પણ હવે તેણે જે સિદ્ધિ મેળવી છે એ એનાથી ક્યાંય ચડિયાતી અને અપ્રતિમ છે.
બુધવારનો દિવસ ભારતીય ક્રિકેટ માટે ઐતિહાસિક છે. બુમરાહ આઇસીસી દ્વારા બહાર પાડવામાં આવેલા ટેસ્ટના નવા રૅન્કિંગ્સમાં નંબર-વનની રૅન્ક મેળવનાર પહેલો ભારતીય ફાસ્ટ બોલર બન્યો છે. અગાઉ રવિચન્દ્રન અશ્ર્વિન, રવીન્દ્ર જાડેજા અને બિશનસિંહ બેદી ટેસ્ટમાં નંબર-વન થયા હતા અને તેઓ ત્રણેય સ્પિનર છે.
બુમરાહે ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં 91 રનમાં કુલ નવ વિકેટ લીધી એ સાથે તે ત્રીજી રૅન્ક પરથી મોખરાની રૅન્ક પર આવી ગયો હતો. રવિચન્દ્રન અશ્વિન ગયા વર્ષના માર્ચ મહિનાથી ટેસ્ટમાં નંબર-વન હતો, પણ હવે બુમરાહે અવ્વલ સ્થાન મેળવી લેતાં અશ્વિન ત્રીજા ક્રમે ગયો છે. બુમરાહ આ પહેલાં ક્યારેય ત્રીજી રૅન્કથી આગળ નહોતો વધ્યો, પણ હવે પહેલી વાર સર્વોપરી થઈ ગયો છે.
અશ્ર્વિને ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની શરૂઆતમાં પોતાની કરીઅરના વિકેટના આંકડાને 499 સુધી પહોંચાડ્યો છે, પરંતુ તેનો પર્ફોર્મન્સ જોઈએ એવો પ્રશંસનીય નથી રહ્યો એટલે બુમરાહે તેનાથી ચડિયાતો દેખાવ કરીને નંબર-વનની રૅન્ક તેની પાસેથી આંચકી લીધી છે. અશ્વિન ત્રીજા નંબર પર અને સાઉથ આફ્રિકાનો કૅગિસો રબાડા બીજા સ્થાને છે. બુમરાહના સૌથી વધુ 881 પૉઇન્ટ, રબાડાના 851 અને અશ્વિનના 841 પૉઇન્ટ છે.
30 વર્ષના આ ફાસ્ટ બોલરે 34 ટેસ્ટની કારકિર્દીમાં 10 વખત દાવમાં પાંચ કે વધુ વિકેટ લીધી છે. એમાંથી ફાઇવ-ફૉરની બે ઉપલબ્ધિ આ વર્ષમાં આવી છે. તાજેતરમાં જ તેણે સાઉથ આફ્રિકા સામે કેપ ટાઉનમાં 61 રનમાં છ વિકેટ લઈને ભારતને વિજય અપાવ્યો હતો.
બુમરાહ અગાઉ વન-ડે અને ટી-20માં નંબર-વન બન્યો હતો. આઇસીસીના નવા ટેસ્ટ રૅન્કિંગમાં બુમરાહ ઉપરાંત ઓપનિંગ બૅટર યશસ્વી જયસ્વાલની રૅન્ક પણ ઊડીને આંખે વળગે એવી છે. ઇંગ્લૅન્ડ સામે તાજેતરમાં ડબલ સેન્ચુરી ફટકારવાને પગલે તેની રૅન્કમાં 37 ક્રમનો સુધારો થયો છે અને 29મા ક્રમે આવી ગયો છે.
આ બૅટર્સ-રૅન્કિંગ્સમાં ન્યૂ ઝીલૅન્ડનો કેન વિલિયમસન હજીયે મોખરે છે. ઑસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ બીજા નંબરે અને ઇંગ્લૅન્ડનો જો રૂટ ત્રીજે છે.ટેસ્ટના ઑલરાઉન્ડર્સમાં રવીન્દ્ર જાડેજા હજીયે નંબર-વન, આર. અશ્વિન નંબર-ટૂ અને શાકીબ અલ હસન નંબર-થ્રી છે. બેન સ્ટૉક્સ ચોથા નંબર પર અને અક્ષર પટેલ પાંચમા સ્થાને આવી ગયો છે.