બર્થ-ડે બૉય બુમરાહની વિકેટોની હાફ સેન્ચુરી’, અશ્વિન અને જાડેજા પણફિફ્ટી’થી બહુ દૂર નથી
ઍડિલેઇડઃ પર્થ ખાતેની સિરીઝની પહેલી ટેસ્ટના સફળ કૅપ્ટન અને મૅન ઑફ ધ મૅચ જસપ્રીત બુમરાહે અહીં ઑસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટના પહેલા જ દિવસે અનોખી `હાફ સેન્ચુરી’ ફટકારી છે.
2024ના વર્ષમાં ટેસ્ટ-ક્રિકેટમાં 50 વિકેટ લેનાર બુમરાહ એકમાત્ર બોલર બન્યો છે. તેણે અહીં પિન્ક બૉલ ડે/નાઇટ ટેસ્ટના પહેલા દાવમાં ઓપનર ઉસમાન ખ્વાજા (13)ને તેના 35મા બૉલ પર પ્રથમ સ્લિપમાં રોહિત શર્માના હાથમાં કૅચઆઉટ કરાવ્યો એ સાથે બુમરાહની વિકેટોની હાફ સેન્ચુરી પૂરી થઈ હતી.
વર્તમાન ટેસ્ટ જગતનો નંબર-વન બોલર બુમરાહ આજે 31 વર્ષનો થયો. 2024માં તેની આ 11મી ટેસ્ટ છે અને 21મી ઇનિંગ્સમાં તે રમી રહ્યો છે. તેણે આ 21 દાવમાં કુલ 1,510 બૉલ ફેંક્યા છે
જે મુજબ તેની કુલ 251.4 ઓવર બોલિંગ થઈ છે. એમાં તેણે કુલ 757 રનના ખર્ચે 50 વિકેટ લીધી છે. તેની 251માંથી 56 ઓવર મેઇડન રહી છે. 45 રનમાં છ વિકેટ તેનો બેસ્ટ પર્ફોર્મન્સ રહ્યો છે, જ્યારે માત્ર 3.00 તેનો ઇકોનોમી રેટ અને ફક્ત 15.14 તેની બોલિંગ-ઍવરેજ છે. આ વર્ષ દરમ્યાન 21 દાવમાં બુમરાહે ત્રણ વખત ઇનિંગ્સમાં પાંચ વિકેટ અને બે વાર ઇનિંગ્સમાં ચાર વિકેટ લીધી છે.
આ પણ વાંચો : 6 બૉલમાં 4 વિકેટ, આ ફાસ્ટ બોલરે બુમરાહની ખોટ ન વર્તાવા દીધી
રવિચન્દ્રન અશ્વિનને પર્થની પહેલી ટેસ્ટમાં નહોતું રમવા મળ્યું, પરંતુ અહીં ઍડિલેઇડમાં ટર્ન અપાવતી પિચ પર રમવાનો તેને મોકો મળ્યો છે. હાલના ચોથી રૅન્કના ટેસ્ટ બોલર અશ્વિને 2024માં 46 વિકેટ લીધી છે અને બુમરાહની જેમ 2024ની સાલમાં 50 વિકેટની સિદ્ધિ મેળવવા તેને ફક્ત ચાર શિકારની જરૂર છે. વિશ્વના છઠ્ઠા ક્રમના બોલર રવીન્દ્ર જાડેજા પણ વિકેટોના ફિફ્ટીથી બહુ દૂર નથી. તેણે 2024માં 44 વિકેટ લીધી છે અને આ મહિને બાકી રહેલી ટેસ્ટમાં તેને રમવા મળશે તો તે પણ વિકેટોની હાફ સેન્ચુરી સુધી પહોંચી શકશે.