ભારત માટે ગૌરવની પળ: વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં જેસ્મીન લેમ્બોરીયાએ જીત્યો પહેલો ગોલ્ડ મેડલ | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ભારત માટે ગૌરવની પળ: વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં જેસ્મીન લેમ્બોરીયાએ જીત્યો પહેલો ગોલ્ડ મેડલ

લિવરપુલ: રમતગમતના ક્ષેત્રમાં પણ સ્ત્રીસશક્તિકરણનું પરિણામ જોવા મળી રહ્યું છે. તાજેતરમાં લિવરપુલ ખાતે ચાલી રહેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માંથી મહિલા બોક્સરે ભારત માટે સારા સમાચાર આપ્યા છે. ભારતની મહિલા બોક્સર જેસ્મીન લેમ્બોરીયાએ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અત્યારસુધીની બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારત માટે આ પહેલો ગોલ્ડ મેડલ છે.

57 કિગ્રાની કેટેગરીમાં જીત્યો ગોલ્ડ મેડલ

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025ની 57 કિગ્રાની કેટેગરીમાં ભારતની જેસ્મીન લેમ્બોરીયાની ટક્કર પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીતનાર પોલેન્ડની જૂલિયા સેરેમેટા સાથે થઈ હતી. તેથી મુકાબલો સરળ ન હતો. પહેલા રાઉન્ડમાં જેસ્મીન લેમ્બોરીયા થોડા પ્રેશરમાં હોય એવું લાગતું હતું. પરંતુ બીજા રાઉન્ડમાં તેણે શાનદાર કમબેક કરીને મુકાબલાને પોતાના પક્ષમાં કરી લીધો હતો. જેસ્મીન લેમ્બોરીયાએ 4-1થી જૂલિયા સેરેમેટાને હરાવીને ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો.

વર્લ્ડ ચેમ્પિયન બનીને બહુ ખુશ છું: જેસ્મીન લેમ્બોરીયા

ગોલ્ડ મેડલ જીત્યા બાદ ઓલિમ્પિક ડોટ કોમને આપેલા ઈન્ટરવ્યુમાં જેસ્મીન લેમ્બોરીયાએ જણાવ્યું કે, “હું મારી આ લાગણી વર્ણવી શકું તેમ નથી. હું વર્લ્ડ ચેમ્પિયન બનીને બહુ ખુશ છું. પેરિસ 2024માંથી જલ્દી બહાર થયા બાદ મેં પોતાની ટેકનિકને શારીરિક અને માનસિક રૂપે વધુ સારી બનાવી. આ એક વર્ષની સતત મહેનતનું પરિણામ છે.”

ઉલ્લેખનીય છે કે, પેરિસ ઓલિમ્પિકમાં જેસ્મીન લેમ્બોરીયા સારું પ્રદર્શન કરી શકી ન હતી. પરંતુ હવે તેણે પોતાના નામે એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. જેસ્મીન લેમ્બોરીયા સિવાય વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં મહિલાઓની 80 કિગ્રાની કેટેગરીમાં ભારતની પૂજા રાની પણ સેમિફાઈનલમાં આવી હતી. પરંતુ તેમાં હાર થતા પૂજા રાનીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જ્યારે નુપુર શ્યોરાણે 80 કિગ્રાની કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે.

આ પણ વાંચો…મહિલા બોક્સિંગ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં મીનાક્ષીએ વિશ્વ ચેમ્પિયન નીતુને હરાવી અપસેટ સર્જ્યો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button