પેસ બોલર્સમાં હાઇએસ્ટ વિકેટ લેનાર બોલરે કોચનો ફેંસલો સાંભળ્યા પછી જાહેર કરી દીધી નિવૃત્તિ

લંડન: ટેસ્ટ-ક્રિકેટમાં મુથૈયા મુરલીધરનની 800 વિકેટ તમામ બોલર્સમાં સૌથી વધુ છે અને શેન વૉર્ન 708 વિકેટ સાથે બીજા નંબરે છે. જોકે આ બન્ને સ્પિનર હોવાથી ત્રીજા નંબરે આવતા હોવાથી ઇંગ્લૅન્ડનો જેમ્સ ઍન્ડરસન સૌથી વધુ વિકેટ લેનાર પેસ બોલર છે. તેના નામે 700 વિકેટ છે અને તેણે હવે 41 વર્ષની ઉંમરે જાહેર કર્યું છે કે આગામી જુલાઈમાં તે વેસ્ટ ઇન્ડિઝ સામેની લૉર્ડ્સ ખાતેની પ્રથમ ટેસ્ટને અંતે રિટાયરમેન્ટ લઈ લેશે.
રાઇટ-આર્મ ફાસ્ટ બોલર અને લેફ્ટ-હૅન્ડ બૅટર ‘જિમ્મી’ ઍન્ડરસને 2003માં લૉર્ડ્સમાં ઝિમ્બાબ્વે સામેની મૅચથી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું અને તેના નામે 187 ટેસ્ટ છે. તેની 187 ટેસ્ટ સચિન તેન્ડુલકરની 200 ટેસ્ટ પછી બીજા સ્થાને છે. ઍન્ડરસને 700મી વિકેટ માર્ચમાં ધરમશાલામાં ભારત સામેની ટેસ્ટમાં લીધી હતી.
વિશ્ર્વના ગ્રેટેસ્ટ ઑફ ઑલ ટાઇમ બોલર્સમાં ઍન્ડરસની ગણના અચૂક થાય છે.
ન્યૂ ઝીલૅન્ડનો ભૂતપૂર્વ બૅટર બ્રેન્ડન મૅક્લમ ઇંગ્લૅન્ડની ટીમનો હેડ-કોચ છે. તેણે બ્રિટિશ ક્રિકેટના મોવડીઓ સાથેની ચર્ચા બાદ ઍન્ડરસનને આડકતરી રીતે કહેવડાવ્યું હતું કે ‘અમે 2025-’26માં ઑસ્ટ્રેલિયામાં રમાનારી ઍશિઝ સિરીઝને ધ્યાનમાં રાખીને ભવિષ્ય માટેની યોજના ઘડી રહ્યા છીએ.’
ઍન્ડસનને તો જુલાઈમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રણ ટેસ્ટમાં અને પછી શ્રીલંકા સામેની ત્રણ ટેસ્ટમાં રમવું હતું. જોકે દેખીતી રીતે નવા ઢાંચામાં પોતાનો સમાવેશ કદાચ નહીં થાય એવું માનીને ઍન્ડરસને નિવૃત્તિનું પગલું ભરી લીધું હતું.
જુલાઈમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રણ ટેસ્ટની સિરીઝ રમાશેે જેની પ્રથમ ટેસ્ટ લૉર્ડ્સમાં રમાવાની છે. ઍન્ડરસન લૉર્ડ્સમાં ડેબ્યૂ કર્યા પછી 20 વર્ષની શાનદાર કરીઅર બાદ હવે લૉર્ડ્સમાં જ રમીને ઇંગ્લૅન્ડની ટીમને ગુડબાય કરશે. ગયા વર્ષે ઍન્ડરસનના નજીકના સાથી ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રૉડે નિવૃત્તિ જાહેર કરી હતી.
ઍન્ડરસનની 20 વર્ષની કરીઅરની આંકડાબાજી
(1) 187 ટેસ્ટમાં 700 વિકેટ લીધી (વિશ્ર્વમાં થર્ડ-હાઇએસ્ટ અને પેસ બોલર્સમાં અવ્વલ)
(2) 348 ઇનિંગ્સમાં કુલ 39,877 બૉલ ફેંક્યા જેમાં તેણે 18,569 રનના ખર્ચે 700 વિકેટ લીધી.
(3) 42 રનમાં સાત વિકેટ તેનો બેસ્ટ ઇનિંગ્સ-પર્ફોર્મન્સ
(4) 32 વખત દાવમાં પાંચ વિકેટ અને ત્રણ વખત મૅચમાં 10 વિકેટ લીધી છે.
(5) ટેસ્ટ-ક્રિકેટમાં એક હાફ સેન્ચુરી સહિત કુલ 1,353 રન પણ બનાવ્યા છે.
(6) વન-ડેમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છે. 194 વન-ડેમાં તેણે 269 વિકેટ લીધી હતી.
(7) ટી-20માંથી પણ રિટાયર થઈ ચૂક્યો છે. 19 ટી-20માં તેણે 18 વિકેટ લીધી હતી.