જૈસમીન ભારતની નવમી અને મિનાક્ષી દસમી વર્લ્ડ ચૅમ્પિયન બૉક્સર | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

જૈસમીન ભારતની નવમી અને મિનાક્ષી દસમી વર્લ્ડ ચૅમ્પિયન બૉક્સર

હરિયાણાની મિનાક્ષી ઑટો રિક્ષા ડ્રાઇવરની પુત્રી છે

લિવરપુલઃ અહીં મુક્કાબાજી (boxing)ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારતની બે મહિલા બૉક્સરે વર્લ્ડ ચૅમ્પિયન બનીને ભારતનું નામ રોશન કર્યું. 57 કિલો વર્ગમાં જૈસમીન (Jaismine) લૅમ્બોરિયાએ ટાઇટલ જીતી લીધું ત્યાર બાદ 48 કિલો વર્ગમાં મિનાક્ષી (Minakshi) હૂડાએ પણ ફાઇનલ જીતીને વિશ્વ વિજેતાપદની અપ્રતિમ સિદ્ધિ મેળવી. ભારત વતી મહિલા બૉક્સિંગમાં વિશ્વ વિજેતા બનેલી બૉક્સરોમાં જૈસમીન નવમી અને મિનાક્ષી દસમી છે.

મિનાક્ષી હૂડાએ ફાઇનલમાં કઝાખસ્તાનની નૅઝીમ કીઝબેઇબેને 4-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીતવાની સાથે ટાઇટલ હાંસલ કરી લીધું હતું. એ પહેલાં, જૈસમીને પૅરિસ ઑલિમ્પિક્સની સિલ્વર-મેડલિસ્ટ પોલૅન્ડની જુલિયા ઝેરેમેટાને 4-1થી પરાજિત કરીને સુવર્ણ ચંદ્રક પર કબજો જમાવ્યો હતો.

આપણ વાંચો: ટાયસન-જેક પૉલની મુક્કાબાજી પહેલાં ભારતના આ બૉક્સરની છે ઇવેન્ટ, જાણો ક્યારે અને કોની સામે

જૈસમીન અને મિનાક્ષીની પહેલાં ભારતની આઠ બૉક્સર પોતપોતાના વર્ગમાં ફાઇનલ જીતીને વર્લ્ડ ચૅમ્પિયન બની હતી. એમાં મૅરી કૉમનું નામ મોખરે છે. તે છ વખત વર્લ્ડ ચૅમ્પિયન બની હતી.

નિખત ઝરીન બે વખત તેમ જ સરિતા દેવી, જેની આર. એલ., લેખા કે. સી., નીતુ ઘંઘાસ, લવલીના બોર્ગોહેઇન અને સ્વીટી બૂરા એક-એક વખત વિશ્વ વિજેતા બની હતી.

લિવરપુલની આ જ વિશ્વ સ્પર્ધામાં ભારતની બીજી બે બૉક્સર પણ ચંદ્રક જીતી છે. નુપુર શેઓરને 80-પ્લસ કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ અને પૂજા રાનીએ 80 કિલો વર્ગમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો.

આપણ વાંચો: ઑલિમ્પિક્સનો મેડલ જીતી હોત તો હું ક્યારની નિવૃત્ત થઈ ગઈ હોતઃ બૉક્સર લવલીના

ભારતની આ વખતની ગોલ્ડન ગર્લ્સમાંથી જૈસમીને પરિવારની પરંપરા જાળવી છે. તેના બે કાકા સંદીપ તથા પરવિન્દર ભૂતપૂર્વ રાષ્ટ્રીય વિજેતા છે. તેઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ ભાગ લઈ ચૂક્યા હતા.

જૈસમીન ભારતના બૉક્સિંગ-લેજન્ડ હવા સિંહની પણ દૂરની સંબંધી છે. જૈસમીને તેના બૉક્સર-કાકાની પ્રેરણાથી જ મુક્કાબાજીની તાલીમ લીધી હતી અને વર્લ્ડ ચૅમ્પિયન બનવા સુધીની સર્વોચ્ચ શિખર સુધી પહોંચી છે.

મિનાક્ષી હરિયાણાની છે અને તેના પિતા આ રાજ્યના રુડકી ગામમાં ઑટો રિક્ષા ચલાવે છે. મિનાક્ષી પરિવારની ગરીબાઈ વચ્ચે ખૂબ સંઘર્ષ કરીને બૉક્સિંગમાં ઉચ્ચ-સ્તર સુધી પહોંચી છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button