આજથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ, જાડેજા રમે તેવી શક્યતા
કેપટાઉનમાં ગઈકાલે પિચ ચકાસી રહેલો રવિન્દ્ર જાડેજા.
કેપટાઉન: આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કેપટાઉન ખાતે બીજી ટેસ્ટ મેચ રમાશે. ભારત માટે આ મેચ કરો યા મરો રહેશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે દોઢ વાગ્યે શરૂ થશે. જો ભારત આ મેચ હારશે તો સિરીઝ ગુમાવશે અને જો જીતશે તો સિરીઝ ડ્રો રહેશે. પ્રથમ ટેસ્ટમાં શરમજનક હાર બાદ વાપસી કરવા માટે ભારતીય બોલરોએ બુધવારથી અહીં દક્ષિણ આફ્રિકા સામે શરૂ થનારી બીજી ક્રિકેટ ટેસ્ટમાં વધુ સારું પ્રદર્શન કરવું પડશે.
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની વાપસીથી મિડલ ઓર્ડરમાં સંતુલન રહેશે અને તે મધ્ય ઓવરોમાં જૂના બોલથી અસરકારક સાબિત થશે. ભારત માટે ત્રીજા અને ચોથા ફાસ્ટ બોલરની ભૂમિકા મહત્ત્વની રહેશે. પ્રસિદ્ધ કૃષ્ણા હજુ ટેસ્ટ ક્રિકેટ માટે તૈયાર નથી અને શાર્દુલ ઠાકુર પણ સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી શકતો નથી. ટોચના ત્રણ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને શ્રેયસ ઐય્યરના ખરાબ ફોર્મે ટીમની ચિંતા વધારી દીધી છે. તેમને દક્ષિણ આફ્રિકાના બોલરોના બાઉન્સરોનો સામનો કરવો પડશે. પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં કેએલ રાહુલ અને બીજી ઈનિંગમાં વિરાટ કોહલીને બાદ કરતા કોઈપણ ભારતીય બેટ્સમેન સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલરોનો સામનો કરી શક્યું ન હતું.
આ મેદાન પર દક્ષિણ આફ્રિકાનો દબદબો છે. દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન ડીન એલ્ગર આ ટેસ્ટ પછી નિવૃત્ત થઈ રહ્યો છે. અહીં ટોસની ભૂમિકા મહત્ત્વની રહેશે કારણ કે તાપમાન ૩૩ રહેશે. પીચ પર ૩૪ અને લીલું ઘાસ છે. આ પીચ બેટ્સમેનોને મદદરૂપ થઈ શકે છે જેના પર સ્પિનરોને વધારે મદદ નહીં મળે. આવી સ્થિતિમાં જો જાડેજા ફિટ હોય તો રવિચંદ્રન અશ્ર્વિનને ટીમમાંથી પડતો મુકવામાં આવી શકે છે. રોહિત શાર્દુલ અને પ્રસિદ્ધના સ્થાને મુકેશ કુમાર કે અવેશ ખાનને પસંદ કરી શકે છે. મુકેશે નેટ્સમાં વધારાની પ્રેક્ટિસ કરી અને તે શાર્દુલ કરતાં વધુ અસરકારક છે. એલ્ગર, એડન માર્કરામ, ટોની ડી જ્યોર્જી, કીગન પીટરસનને બેટ્સમેન માટે અનુકૂળ પીચ પર નિયંત્રિત કરવું સરળ રહેશે નહીં.
આવી સ્થિતિમાં નવા બોલની ભૂમિકા મહત્ત્વની રહેશે. જસપ્રીત બુમરાહ પ્રાર્થના કરશે કે આકાશ વાદળછાયું હોય અને તે પ્રથમ ટેસ્ટની જેમ કમનસીબ સાબિત ન થાય જ્યારે ભારતની ફિલ્ડિંગ પણ નબળી સાબિત થઈ હતી. કેપ્ટન રોહિતે બેટિંગમાં પોતાનું કૌશલ્ય બતાવવું પડશે. ફાસ્ટ બોલર કાગિસો રબાડા તેને વારંવાર પરેશાન કરી રહ્યો છે. લુંગી એનગિડી પણ એટલો જ ખતરનાક બોલર છે. વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટમાં સારા ફોર્મમાં જોવા મળ્યો હતો અને અહીં તેણે ઇનિંગ્સના એન્કરની ભૂમિકા ભજવવી પડશે.