હોટેલની છત પર સ્નાઇપર્સ, આકાશમાં અનેક ડ્રૉન, ટીમ-બસની આસપાસ પોલીસના વાહનો અને સ્ટેડિયમમાં વિરોધી દેખાવો વચ્ચે ફૂટબૉલ મૅચમાં ઇઝરાયલની ટીમ… | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

હોટેલની છત પર સ્નાઇપર્સ, આકાશમાં અનેક ડ્રૉન, ટીમ-બસની આસપાસ પોલીસના વાહનો અને સ્ટેડિયમમાં વિરોધી દેખાવો વચ્ચે ફૂટબૉલ મૅચમાં ઇઝરાયલની ટીમ…

ઉડીન (ઇટલી): ઇઝરાયલ (Israel) અને હમાસ જૂથના આતંકવાદીઓનું પ્રભુત્વ ધરાવતા પૅલેસ્ટીન દેશ વચ્ચે મહિનાઓ સુધી ચાલેલું યુદ્ધ હમણાં શાંત પડી રહ્યું છે, પરંતુ યુરોપમાં ખાસ કરીને ઇટલીમાં ઇઝરાયલ વિરુદ્ધ લોકોમાં પ્રચંડ રોષ છે અને એની ઝલક મંગળવારે ઇઝરાયલની ફૂટબૉલના 2026ના વર્લ્ડ કપમાં ક્વૉલિફાય થવા માટેની મૅચ પહેલાં તેમ જ મૅચ પછી જોવા મળ્યો હતો. છેવટે પરિણામ એ આવ્યું કે ઇઝરાયલ આ મૅચમાં યજમાન ઇટલી (Italy) સામે 0-3થી હારી જતાં ઇઝરાયલની ટીમ વિશ્વ કપ માટેની રેસની બહાર થઈ ગઈ હતી.

ઇઝરાયલના સૉકર ખેલાડીઓની ઇટલી સામેની આ મૅચ રમાય એ પહેલાંથી ઇઝરાયલની ટીમના રક્ષણ માટે મૅચના સ્થળ ઉડીન (Udine)માં અભૂતપૂર્વ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.

આપણ વાંચો: વિજ્ઞાનીઓએ કેમ આવું કહ્યું, `ફિફાએ વર્લ્ડ કપના કૅલેન્ડર વિશે ફેર વિચારણા કરવાની જરૂર છે’

ઇઝરાયલના ખેલાડીઓ જે હોટેલમાં રહ્યા હતા એની છત પર સ્નાઇપર્સ (Snipers) ગોઠવવામાં આવ્યા હતા જેમને ટીમ પરના હુમલાની જરા સરખી ગંધ આવતાં ગોળીબાર કરવા છૂટો દોર આપવામાં આવ્યો હતો. મૅચ પહેલાં ઉડીનના આકાશમાં ઇઝરાયલી ટીમની સલામતી ચકાસવા હેલિકૉપ્ટરો ઉડ્યા હતા.

એક તરફ ઇઝરાયલની સરકાર અને ગાઝા પટ્ટી પર હમાસ સાથેની સુલેહની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યાં બીજી તરફ ઇટલીના ઉડીન શહેરમાં ઇઝરાયલના ફૂટબોલર્સની સલામતી માટે અભૂતપૂર્વ બંદોબસ્ત કરાયો હતો.

આપણ વાંચો: સી અને માર્ટિનેઝે એક જ મૅચમાં રસપ્રદ રેકૉર્ડની બરાબરી કરી!

કુલ 10,000 જેટલા લોકોએ ઇઝરાયલની ટીમ સામેની મૅચ બાબતમાં વિરોધી દેખાવો કર્યા હતા. મૅચ પહેલાં સ્ટેડિયમની બહાર હજારો લોકોએ પોલીસને પડકારી હતી. તેમણે પોલીસ સામે ધાતુની ચીજો ફેંકી હતી. કેટલાક તોફાનીઓએ સ્ટેડિયમમાં ઘૂસી જવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. સ્ટેડિયમની આસપાસની દુકાનો બંધ રહી હતી.

એટલું જ નહીં, કોઈએ પણ પોતાના ઘર કે દુકાનની બહાર ફર્નિચર જેવી કોઈ ચીજ ન રાખવી એવો આદેશ પોલીસે આપ્યો હતો, કારણકે એનો ઉપયોગ પોલીસ પર ફેંકવા માટે થઈ શકે એવું લોકોને કહેવાયું હતું. મૅચ હેમખેમ રમાઈ હતી, પરંતુ ઇઝરાયલના ખેલાડીઓનો સ્ટૅન્ડમાંથી હુરિયો બોલાવવામાં આવ્યો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button