મુંબઈ ઇન્ડિયન્સ પાસેથી 15 કરોડ રૂપિયા મેળવતો ઇશાન બીસીસીઆઇનો એક કરોડનો કૉન્ટ્રૅક્ટ ગુમાવી શકે

મુંબઈ: પચીસ વર્ષનો વિકેટકીપર-બૅટર ઇશાન કિશન ફેબ્રુઆરી, 2022માં આઇપીએલના ઑક્શનમાં સૌથી મોંઘો ખેલાડી બનવા બદલ છવાઈ ગયો હતો, પણ હાલમાં તે ઊલટી જ રીતે ચર્ચામાં છે. તે ઘણા અઠવાડિયાથી ડોમેસ્ટિક ક્રિકેટમાં ન રમતો હોવાથી હવે તેનો બીસીસીઆઇ સાથેનો એક કરોડ રૂપિયાનો વાર્ષિક સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ રદ કરી દેવામાં આવશે એવી સંભાવના છે.
સાઉથ આફ્રિકા સામેના પ્રવાસ દરમ્યાન અધવચ્ચેથી જ ટીમમાંથી નીકળી ગયા પછી ઇશાન રમ્યો જ નથી. હેડ-કોચ રાહુલ દ્રવિડે તેને સમજાવ્યો અને ચેતવ્યો હોવા છતાં તેણે રણજી ટ્રોફીમાં તેના રાજ્ય ઝારખંડ વતી રમવાનું ટાળ્યું છે. ડી.વાય. પાટીલ ખાતેની ટૂર્નામેન્ટમાં રમવા નવી મુંબઈ આવી રહેલા ઇશાન કિશનને મુંબઈ ઇન્ડિયન્સે 2022માં આઇપીએલ ઑક્શનમાં 15.25 કરોડ રૂપિયાના સૌથી ઊંચા ભાવે ખરીદ્યો હતો. ઈશાનને મુંબઈ ઇન્ડિયન્સ પાસેથી એક આઇપીએલ રમવાના 15.25 કરોડ રૂપિયા મળતા હોવાથી બીસીસીઆઇનો એક કરોડનો વાર્ષિક કૉન્ટ્રૅક્ટ તેના માટે કંઈ જ ન કહેવાય, પરંતુ તે જો બીસીસીઆઇને વધુ નારાજ કરશે તો ભારતીય ટીમમાં પુનરાગમન કરવું તેના માટે મુશ્કેલ થઈ જશે.
બીસીસીઆઇ દરેક પ્લેયર માટે નવો નિયમ લાવવા વિચારે છે. એમાં તેમણે આઇપીએલ પહેલાં ઓછામાં ઓછી ત્રણથી ચાર રણજી મૅચ રમવી પડશે.
પચીસ વર્ષનો ઇશાન ભારત વતી છેલ્લે નવેમ્બર, 2023માં ગુવાહાટીમાં ઑસ્ટ્રેલિયા સામેની ટી-20માં રમ્યો હતો. તે કુલ 61 ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો છે.