સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી ઇશાન કિશન બહાર
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સાઈ સુદર્શન 400મો ઈન્ડિયન ક્રિકેટર
જ્હોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકા સામેની આગામી બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. ટેસ્ટ ટીમમાંથી વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનના સ્થાને કેએસ ભરતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈશાન કિશને આ ટેસ્ટ સીરિઝમાંથી બ્રેક માંગ્યો હતો. તેથી બીસીસીઆઈએ આ ફેરફાર કરવો પડ્યો હતો.
બીસીસીઆઈએ જણાવ્યું હતું કે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને અંગત કારણોસર ટીમ ઈન્ડિયામાંથી બ્રેક માંગ્યો હતો. તેથી તેને દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમમાંથી બહાર કરવામાં આવી રહ્યો છે. તેની જગ્યાએ વિકેટકીપર કેએસ ભરતનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે કેએલ રાહુલની સાથે વિકેટકીપિંગ વિકલ્પ હશે.
ઘરઆંગણે રમાઈ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આજની પહેલી મેચમાં ભારતનો વિજય થયો હતો, પરંતુ એક નવા બેટરે ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કર્યું હતું. સાઈ સુદર્શન ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારો 400મો ઈન્ડિયન ક્રિકેટર બન્યો હતો.
આજે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેની ટીમ 116 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 16.4 ઓવરમાં 117 રન કરીને મેચ જીતી લીધી હતી. ભારતે શ્રેણીમાં પણ 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ વર્ષે વનડેમાં ભારતની આ 26મી જીત છે.
ઓસ્ટ્રેલિયાએ 1999માં 26 મેચ તો 2023માં 30 મેચ જીતી છે. દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી ઓપનર સાઇ સુદર્શને વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ચેન્નઈના આ 22 વર્ષીય બેટ્સમેનને પ્રથમ વખત ભારતીય વન-ડે ટીમમાં સ્થાન મળ્યું હતું. ભારત તરફથી ડેબ્યૂ કરનાર સાઈ સુદર્શને અણનમ 55 રન કર્યા હતા. તેણે 43 બોલની ઈનિંગમાં નવ ચોગ્ગા ફટકાર્યા હતા. શ્રેયસ ઐય્યરે 45 બોલમાં 52 રન કર્યા હતા. પહેલી મેચમાં ડેબ્યૂ કરવા સાથે હાફ સેન્ચુરી કરીને મેચ જીતાડવામાં નિમિત્ત બન્યો હોવાની વાત મોટી છે.
સંજુ સેમસનને આ મેચની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો જ્યારે રિંકુ સિંહને આ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. જોકે, કેએલ રાહુલે કહ્યું હતું કે જો રિંકુ સિંહ વન-ડે સીરિઝમાં રમશે તો શક્ય છે કે ભવિષ્યની મેચોમાં તેને વધુ તક મળી શકે છે. સાઈ સુદર્શનને પ્રથમ વનડેમાં કેપ્ટન કેએલ રાહુલે ડેબ્યૂ કેપ આપી હતી. તમિલનાડુના ટોપ ઓર્ડર બેટ્સમેન સાઈ સુદર્શને દક્ષિણ આફ્રિકા સામેની આ વન-ડે મેચથી તેની વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી.