IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ઘાયલ ખેલાડીઓ સાથે શું ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડનો વિજય રથ રોકી શકશે?

ધર્મશાલા(હિમાચલ પ્રદેશ) આજે ODI વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ ટૂર્નામેન્ટની તેની 5મી મેચ ન્યૂઝીલેન્ડ સામે રમશે. આ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે શરૂ થશે. અત્યાર સુધી આ વર્લ્ડ કપમાં ભારત અને ન્યુઝીલેન્ડ બંને ટીમ પોતાની એકપણ મેચ હારી નથી. બંને વિજય રથ પર સવાર છે. પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડ પ્રથમ અને ભારત બીજા ક્રમે છે. આવી સ્થિતિમાં આજે કોનો વિજય રથ અટકે છે તે જોવાનું રહેશે. જે પણ ટીમ આ મેચ જીતશે તે 10 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર રહેશે અને સેમીફાઈનલની ઘણી નજીક હશે.

પરંતુ આ મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા માટે ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામેની છેલ્લી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો, જે આ મેચ નહીં રમે. પંડ્યાની જગ્યાએ સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અથવા ઈશાન કિશનને પ્લેઈંગ-11માં તક મળી શકે છે.

આ દરમિયાન સમાચાર આવ્યા કે સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પણ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. જ્યારે ઈશાનને મધમાખીએ ડંખ માર્યો હતો. આ બંને સમાચારોએ ભારતીય ટીમને બેવડો ઝટકો આપ્યો છે. જો સૂર્યા અને ઈશાન પણ આજની મેચ માટે ફિટ નહીં હોય તો રોહિતનો માથાનો દુખાવો વધી જશે, કારણ કે 15 સભ્યોની ટીમમાં એવો કોઈ બેટ્સમેન બચ્યો નથી, જે પંડ્યાની જગ્યાએ ટીમમાં સામેલ થઈ શકે.


આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ સૂર્ય અથવા ઈશાન વચ્ચે જે વધુ યોગ્ય છે તેને આ મેચમાં સ્થાન મળી શકે છે. જો બંને રમી શકશે નહીં તો સ્પિન ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ કરવામાં આવશે. આવી સ્થિતિમાં રોહિત માટે પરફેક્ટ પ્લેઇંગ-11 શોધવાનું ખૂબ મુશ્કેલ હશે.


અત્યાર સુધી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેકુલ 116 વન-ડે મેચ રમાઇ છે, જેમાં ભારત 58 મેચ અને ન્યુઝીલેન્ડ 50 મેચ જીત્યું છે, જ્યારે સાત મેચ અનિર્ણીત રહી છે અને એક મેચ ટાઇ થઇ છે.


વર્લ્ડ કપમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 8 વાર ટક્કર થઇ છે, જેમાં ભારત 3માં અને ન્યુઝીલેન્ડ પાંચમા જીત્યું છે.
ન્યુઝીલેન્ડની ટીમ માટે પણ આંચકો છે કે તેનો નિયમિત કેપ્ટન કેન વિલિયમસન હજુ ફિટ નથી. તે ભારત સામેની મેચમાં પણ નહીં રમે.


વર્લ્ડ કપ માટે બંનેમાંથી સંભવિત પ્લેઈંગ-11:
ભારતની પ્લેઈંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન/સૂર્યકુમાર યાદવ/આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ.
ન્યુઝીલેન્ડની પ્લેઈંગ-11: ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ટોમ લાથમ (કેપ્ટન, વિકેટકીપર), ડેરેલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન અને ટ્રેન્ટ બોલ્ટ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button