આઇસીસીએ કાયમ માટે લાગુ કરેલો ‘સ્ટૉપ ક્લૉક’નો નિયમ છે શું?
દુબઈ: ઘણી વાર મૅચ દરમ્યાન બે ઓવર વચ્ચેનો સમય કારણ વગર બગડતો હોય છે, કેટલીક ટીમના બોલર ઓવર શરૂ કરવામાં બિનજરૂરી સમય લગાડતા હોય છે અને ક્યારેક તો ફીલ્ડિંગની ગોઠવણ થતી જ રહેતી હોવાથી નવી ઓવર શરૂ થવામાં સમય લાગી જતો હોય છે. પરિણામે, એક ઇનિંગ્સ માટે ફાળવવામાં આવેલો સમય વીતી જતો હોય છે અને સ્લો ઓવર-રેટની પેનલ્ટી લાગુ કરાતી હોય છે.
આઇસીસીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે વન-ડે અને ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં સ્ટૉપ ક્લૉકનો નિયમ કાયમી બનાવવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ દરેક ફીલ્ડિંગ ટીમે એક ઓવર પૂરી થાય એટલે નવી ઓવર 60 સેક્ધડની અંદર શરૂ કરી દેવી પડશે. જો આવું નહીં કરવામાં આવે તો ફીલ્ડિંગવાળી ટીમને પેનલ્ટી કરાશે.
કોઈ પણ ટીમને નવી ઓવરનો પ્રથમ બૉલ 60 સેક્ધડની અંદર ફેંકવા સંબંધમાં બે ચેતવણી અપાશે અને એમ છતાં એ બૉલ નહીં ફેંકાય તો એને પાંચ રનની પેનલ્ટી કરાશે. મેદાન પર 60થી 0 સુધીની ગણતરી બતાવતી મોટી ઇલેકટ્રોનિક ઘડિયાળ મેદાન પર મૂકાશે અને થર્ડ અમ્પાયર ઓવર પછી 60 સેક્ધડના સમયની શરૂઆત કરાવશે.
પહેલાં તો આઇસીસીએ આ નિયમનો પ્રયોગ એપ્રિલ, 2024 સુધી ચાલુ રાખવાનું નક્કી કર્યું હતું, પરંતુ પ્રયોગમાં સારા પરિણામો જોવા મળતાં (નવી ઓવર સમયસર શરૂ થતી હોવાથી) આઇસીસીએ આ નિયમને કારમી ધોરણે અપનાવવાનું નક્કી કર્યું છે. આ નિયમ લાગુ કરાતાં પ્રયોગ હેઠળની દરેક મૅચમાં 20 મિનિટ બચતી હતી જેનાથી આઇસીસીએ આ નિયમ ખૂબ ઉપયોગી લાગ્યો છે. જોકે કોઈ ઓવરના અંત પહેલાં બૅટર આઉટ થશે કે ડ્રિન્ક્સ ઇન્ટરવલ હશે તો એવા સંજોગોમાં સ્ટૉપ ક્લૉકનો નિયમ લાગુ નહીં કરાય.