સ્પોર્ટસ

શું સલીમ દુર્રાનીની પત્ની રેખા શ્રીવાસ્તવ મુંબઈમાં ભીખ માંગે છે? જાણો હકીકત?

મુંબઈઃ નવી મુંબઈના બેલાપુર મેટ્રો સ્ટેશનની બહાર એક વ્યક્તિએ એક વૃદ્ધ મહિલાને ભીખ માંગતી જોઈ. તેના હાવભાવ અને દેખાવને જોઈને તે વ્યક્તિએ તેની સાથે વાત કરી ત્યારે તેને પારાવાર આશ્ચર્ય થયું હતું. તે મહિલા કડકડાટ અંગ્રેજી બોલતી હતી. તે પછી તે વ્યક્તિએ પોલીસ અને એક ચેરિટી સંસ્થાનો સંપર્ક કર્યો. વૃદ્ધ મહિલાએ પોતાના વિશે ખુલાસો કર્યો ત્યારે બધા દંગ રહી ગયા હતા. વૃદ્ધ મહિલાએ દાવો કર્યો હતો કે તે રેખા શ્રીવાસ્તવ છે અને તે ભૂતપૂર્વ ક્રિકેટર સલીમ દુર્રાનીની પત્ની છે.

મહિલાએ કહ્યું કે તેણે પોતાનું મોટાભાગનું જીવન મુંબઈમાં વિતાવ્યું છે, થોડો સમય દુબઈમાં પણ રહી છે અને પોતાની એરલાઇન કંપની ચલાવતી હતી. તેને એક આશ્રયગૃહમાં લઈ જવામાં આવી, જ્યાં તેણે ફરીથી ખુલાસો કરતા કહ્યું કે તેના લગ્ન સલીમ દુર્રાની સાથે થયા હતા. મહિલાએ દાવો કર્યો કે તેનો પતિ દેશભરમાં ક્રિકેટ રમવા જતા ત્યારે તેના વગર ક્યારેય મુસાફરી કરતા નહોતા.

તેણે વધુમાં કહ્યું, “હું ઘણા વગદાર લોકોને મળી છું, જેમાં મહારાજાઓ અને પ્રધાનોનો પણ સમાવેશ થાય છે.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કયા મહારાજાઓને મળ્યા હતા, ત્યારે તેમણે ગુજરાતના એક મહારાજાનો ઉલ્લેખ કર્યો.

તે દુબઈમાં રહેતી હતી

મહિલાએ પોતાની જીવનકથા સંભળાવતા કહ્યું કે તે એક સમયે વિદેશમાં વૈભવી જીવન જીવતી હતી, પરંતુ સંજોગોએ તેને બેઘર કરી દીધી. વૃદ્ધ મહિલાએ કહ્યું કે તે પહેલા દુબઈમાં રહેતી હતી અને એક એરલાઇન કંપની ચલાવતી હતી, પરંતુ તેના જીવનમાં એક દુ:ખદ વળાંક આવ્યો, જેના કારણે તે આર્થિક રીતે બરબાદ થઈ ગઈ અને ભટકવા માટે મજબુર થઈ ગઈ. જોકે, જામનગરમાં રહેતા સલીમ દુર્રનીના પરિવાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી, ન તો કોઈ વિશ્વસનીય ક્રિકેટ રેકોર્ડમાં રેખા શ્રીવાસ્તવ નામની પત્નીનો ઉલ્લેખ છે.

સલીમ દુરાનીનો જન્મ કાબૂલમાં થયો હતો

ડિસેમ્બર 1934માં કાબુલમાં જન્મેલા સલીમ દુર્રાનીનો પરિવાર ભાગલા પછી જામનગરમાં સ્થાયી થયો હતો. પોતાની જોશીલી ફટકાબાજી માટે જાણીતા દુર્રાનીએ 1960માં ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો અને અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યા. તેમની કારકિર્દી સામાન્ય રહી હોવા છતાં, વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની પ્રખ્યાત 1971ની જીત દરમિયાન તેમનો પ્રભાવ રહ્યો હતો.

તેની છગ્ગા ફટકારવાની સ્ટાઇલને કારણે તેઓ ખૂબ જ લોકપ્રિય હતાં અને ખીચોખીચ સ્ટેડિયમમાં તેના નામના નારા અને બેનરો લહેરાતા હતા. ક્રિકેટ ઉપરાંત, તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વને કારણે તેઓ થોડા સમય માટે ફિલ્મ ઉદ્યોગ તરફ વળ્યાં, પરંતુ ત્યાર બાદ તેઓ જાહેર જીવનથી દૂર થઈ ગયા હતા.

સલીમ દુર્રાનીના પિતાને 1935માં તત્કાલીન જામસાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજીએ નોકરીની ઓફર કરી હતી. ત્યાર બાદ દુર્રાની પરિવાર ગુજરાતના જામનગરમાં સ્થાયી થયો. તેમણે ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાન માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ પણ રમી.

અહેવાલો અનુસાર દુર્રાનીના લગ્ન રેખા શ્રીવાસ્તવ નામની મહિલા સાથે થોડા સમય માટે થયા હતા. જોકે, તે જાણી શકાયું નથી કે તે એ જ રેખા છે જેને મુંબઈમાં બચાવી લેવામાં આવી છે. સલીમ દુર્રાનીનું 2 એપ્રિલ, 2023ના અવસાન થયું હતું. તે સમયે તેઓ ગુજરાતના જામનગરમાં તેમના ભાઈ સાથે રહેતા હતા.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button