સ્પોર્ટસ

ગૌતમ ગંભીરની નોકરી સલામત છે કે નહીં? બીસીસીઆઇએ સ્પષ્ટતા કરી દીધી કે…

નવી દિલ્હીઃ ટેસ્ટ-ટીમના હેડ-કોચના સ્થાનેથી ગૌતમ ગંભીરને હટાવીને બીજા કોઈને નીમવાની તૈયારી થઈ રહી હોવાની શનિવારથી ફેલાઈ રહેલી અફવાને બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ ખોટી ગણાવી છે. મીડિયામાં એવી વાત ફેલાઈ હતી કે બીસીસીઆઇ દ્વારા ટેસ્ટ-ટીમના કોચ તરીકે ગંભીરના અનુગામી તરીકે બૅટિંગ-લેજન્ડ વીવીએસ લક્ષ્મણનો સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ ક્રિકેટ બોર્ડે આ અહેવાલ સાચો ન હોવાનું જણાવ્યું છે.

ગયા વર્ષે રાહુલ દ્રવિડના ત્રણ વર્ષના સફળ કોચિંગ બાદ ટીમ ઇન્ડિયાને ત્રણેય ફૉર્મેટમાં કોચિંગ આપવાની જવાબદારી ગંભીરને સોંપવામાં આવી હતી. વાઇટ-બૉલ ક્રિકેટ (વન-ડે અને ટી-20)માં એકંદરે ભારતે ગંભીરના શાસનકાળ દરમ્યાન સારું પર્ફોર્મ કર્યું છે (ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી છે તથા એશિયા કપમાં ચૅમ્પિયનપદ પણ મેળવ્યું છે), પરંતુ રેડ-બૉલ ફૉર્મેટ (ટેસ્ટ)માં ભારતીયો સારું નથી રમ્યા. પરિણામે, ગંભીર પાસેથી ટેસ્ટ ટીમને કોચિંગ આપવાની જવાબદારી પાછી લઈ લેવાની હિલચાલ થઈ રહી છે એવો અહેવાલ બે દિવસથી ફેલાયો છે. 2025ના વર્ષમાં ભારતીયો જે 10 ટેસ્ટ રમ્યા એમાંથી ચાર જ જીત્યા છે, પાંચમાં હાર જોઈ છે અને એક ટેસ્ટ ડ્રૉ રહી છે. એમાં પણ ખાસ કરીને સાઉથ આફ્રિકા સામે ભારતીયો ઘરઆંગણે 0-2થી હારી ગયા અને સાઉથ આફ્રિકનો અઢી દાયકામાં પહેલી વાર ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહ્યા હતા.

સમાચાર સંસ્થા એએનઆઇ (ANI)ના અહેવાલ અનુસાર ગંભીર-લક્ષ્મણ (Gambhir-Laxman)ના મુદ્દે ફેલાયેલી ખબર બાબતમાં બીસીસીઆઇના સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું છે કે ` જે પણ સમાચાર ફેલાયા છે એ ખોટા છે. એમાં કોઈ તથ્ય નથી અને એ જાણકારી કાલ્પનિક છે. બીસીસીઆઇ આ ખબરને ખોટી ગણાવે છે.’

સૈકિયાએ એવું પણ જણાવ્યું છે કે ` લોકો કંઈ પણ વિચારી શકે છે, પરંતુ બીસીસીઆઇએ કોચના હોદ્દાને લઈને કોઈ જ નિર્ણય નથી લીધો. કોઈએ બનાવેલી આ મનઘડત સ્ટોરી છે, જેમાં કંઈ જ સત્ય નથી. એ સિવાય હું આ બાબતમાં બીજું કંઈ નથી કહેવા માગતો.’

દિગ્વિજય સિંહ દ્વારા ભાજપ અને આરએસએસની પ્રશંસા પર વિવાદ, સલમાન ખુર્શીદે કહ્યું મજબૂત તો ડાકુ પણ હોય છે….

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button