શ્રેયસ અને ઇશાનને કોન્ટ્રાક્ટ નહી મળવા મુદ્દે ઇરફાને BCCI પર ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે રણજી ટ્રોફી રમવાના આદેશનું પાલન નહીં કરવા બદલ ઈશાન કિશન અને શ્રેયસ ઐય્યરને વાર્ષિક કોન્ટ્રાક્ટ ન આપવાના ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ માટે આ માપદંડ નહોતો.
બીસીસીઆઈએ બુધવારે ઈશાન અને શ્રેયસના વાર્ષિક કોન્ટ્રાક્ટ રદ કર્યા હતા, જ્યારે પંડ્યાને ગ્રેડ-એ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પંડ્યાએ 2018થી એક પણ ટેસ્ટ રમી નથી.
ઇરફાન પઠાણે એક્સ પર લખ્યું હતું કે જો હાર્દિક જેવા ખેલાડી લાલ બોલથી ક્રિકેટ રમવા નથી માંગતા તો શું તેમને અને તેમના જેવા અન્યએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ના રમતા હોય ત્યારે વ્હાઇટ બોલથી સ્થાનિક ક્રિકેટમાં રમવું જોઇએ. જો આ બધુ લાગુ નહી થાય તો ભારતીય ક્રિકેટને ઇચ્છીત પરિણામ નહી મળે.
ઇશાન ગયા વર્ષે ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ બાદ ઝારખંડ માટે રણજી ટ્રોફી રમવા આવ્યો ન હતો. તેણે આઈપીએલની તૈયારી શરૂ કરી હતી જેમાં તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે.
શ્રેયસ પણ બરોડા સામેની રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ રમવા માટે મુંબઈની ટીમમાં જોડાયો ન હતો, જ્યારે તે ઈજાને કારણે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ પછી ભારતીય ટીમમાંથી બહાર થઈ ગયો હતો. ઈરફાને કહ્યું હતું કે આ બંને પ્રતિભાશાળી ક્રિકેટર છે અને આશા છે કે તે મજબૂત રીતે વાપસી કરશે.