સ્પોર્ટસ

મુંબઈની ટીનેજરના અણનમ 346 રન, હરીફ ટીમ 19 રનમાં ઑલઆઉટ!

ઇરા જાધવની 42 ફોર અને 16 સિક્સર, કચ્છી પ્લેયર હર્લી ગાલાનાં 116 રનઃ મેઘાલયની બોલર્સ થાકીને લોથપોથ થઈ

અલુર (બેંગ્લૂરુ): અહીં આજે મહિલાઓના વર્ગમાં અન્ડર-19 વન-ડે ટ્રોફીમાં મુંબઈની 14 વર્ષની ઇરા જાધવે કમાલ કરી નાખી હતી અને ત્યાર પછી મુંબઈની બોલર્સે તરખાટ મચાવ્યો હતો. ઇરા જાધવે 157 બૉલમાં 346 રન બનાવ્યા જેની મદદથી મુંબઈએ ત્રણ વિકેટે 563 રન બનાવ્યા હતા. જોકે મેઘાલયની ટીમ માત્ર 19 રનમાં તંબૂ ભેગી થઈ ગઈ હતી અને મુંબઈનો વિક્રમજનક 544 રનથી વિજય થયો હતો.

આ પણ વાંચો : ભારતીય મહિલા ટીમે તોડ્યો પોતાનો જ વિક્રમ, જેમાઇમા માટે પણ સુપર-સન્ડે

https://twitter.com/BCCIdomestic/status/1878368114137833961

2010ની 19મી ફેબ્રુઆરીએ જન્મેલી ટીનેજર ઇરા જાધવ રાઇટ-હૅન્ડ બૅટર અને રાઇટ-આર્મ મિડિયમ ફાસ્ટ બોલર છે. તેના નામે હજી એક પણ ફર્સ્ટ-ક્લાસ મૅચ નથી.

ઇરાએ 220.38ના સ્ટ્રાઇક-રેટથી રન બનાવ્યા હતા. તેણે 42 ચોક્કા અને 16 છગ્ગા ફટકાર્યા હતા. યુથ લિસ્ટ-એ મૅચોમાં રમી ચૂકેલી ભારતીયોમાં ઇરાના 346 રન હાઇએસ્ટ સ્કોર છે.

મહિલાઓની અન્ડર-19 ક્રિકેટમાં હાઇએસ્ટ સ્કોર સાઉથ આફ્રિકાની લિઝેલ લીનાં નામે છે. તેણે 2010ની સાલમાં ઍમ્પુમાલન્ગા નામની ટીમ વતી રમીને અણનમ 427 રન બનાવ્યા હતા.

રવિવારે ઇરાએ બીજી વિકેટ માટે મુંબઈના કચ્છી સમાજની ટૅલન્ટેડ ઑલરાઉન્ડર હર્લી ગાલા સાથેની જોડીમાં 274 રનની ભાગીદારી કરી હતી. હર્લી ગાલાએ 79 બૉલમાં 116 રન બનાવ્યા હતા.

હર્લી સાથેની 274 રનની પાર્ટનરશિપમાં ઇરાનું યોગદાન (71 બૉલમાં) 149 રનનું અને ત્યાર બાદ દિક્ષા પવાર સાથેની 186 રનની ભાગીદારીમાં ઇરાનું યોગદાન (50 બૉલમાં) 137 રનનું હતું. મેઘાલયની ત્રણ બોલરની બોલિંગમાં 100 કે એનાથી વધુ રન બન્યા હતા.

પછીથી મેઘાલયની ટીમનો 19 રનમાં વીંટો વળી ગયો હતો. એની છ પ્લેયર ઝીરોમાં આઉટ થઈ હતી. મુંબઈની જિયા અને યાયાતીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : રોહિત શર્માએ નિવૃત્તિ લઇ જ લીધી હતી, પરંતુ આ કારણે બદલ્યો વિચાર!

ઇરા જાધવ શારદાશ્રમ વિદ્યામંદિર ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ભણે છે. સચિન તેન્ડુલકર, વિનોદ કાંબળી અને અજિત આગરકર આ જ સ્કૂલમાં ભણ્યા હતા. આગામી વિમેન્સ પ્રીમિયર લીગ માટેના તાજેતરના ઑક્શનમાં ઇરા જાધવને એક પણ ફ્રૅન્ચાઇઝીએ નહોતી મેળવી. જોકે ઇન્ડિયા અન્ડર-19 વર્લ્ડ કપની સ્ક્વૉડમાં પછીથી તેનો સમાવેશ કરાયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button