IPL 2024સ્પોર્ટસ

સ્ટાર્કનો અસલી સ્પાર્ક, લખનઊની લડતને કાબૂમાં રાખી

કોલકાતા સામે રાહુલની ટીમના સાત વિકેટે 161 રન, પૂરનની મર્યાદિત ફટકાબાજી

કોલકાતા: ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) સામે લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)ની ટીમે બૅટિંગ મળ્યા પછી નબળી શરૂઆત કર્યા પછી મિડલ-ઓવર્સમાં સ્થિતિને થોડી મજબૂત કર્યા પછી બે-ત્રણ નાની સારી ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે 161 રન બનાવ્યા હતા. કેકેઆર માટે 162 રનનો લક્ષ્યાંક બહુ મોટો ન કહેવાય, પણ આ વખતની સીઝનમાં અનેક મૅચો છેલ્લી ઓવર કે આખરી બૉલ સુધી ખેંચાઈ છે, જ્યારે અમુક મૅચોમાં ચેઝ કરનારી ટીમને નાનો લક્ષ્યાંક મેળવવો પણ મુશ્કેલ પડ્યો છે.

આઠમી એપ્રિલે કેકેઆર સામે ચેન્નઈએ 138 રનનો ટાર્ગેટ 18મી ઓવરમાં, 12મી એપ્રિલે લખનઊ સામે દિલ્હીએ 168 રનનો ટાર્ગેટ 19મી ઓવરમાં અને 13મી એપ્રિલે પંજાબ સામે રાજસ્થાને માત્ર 148 રનનો લક્ષ્યાંક છેક સેક્ધડ-લાસ્ટ બૉલ પર મેળવ્યો હતો.


આજે કોલકાતામાં લખનઊના નિકોલસ પૂરન (45 રન, 32 બૉલ, ચાર સિક્સર, બે ફોર)ની ઇનિંગ્સ સૌથી અસરદાર હતી. જોકે કોલકાતાએ 24.75 કરોડ રૂપિયાના સૌથી ઊંચા ભાવે ખરીદેલો ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે ખરા અર્થમાં સ્પાર્ક (ચમકારો) બતાવ્યો હતો. તેણે લખનઊના બૅટર્સને કાબૂમાં રાખ્યા હતા, તેણે 28 રનમાં ત્રણ વિકેટ લીધી હતી જેમાંની એક વિકેટ નિકોલસ પૂરનની અને બીજી ઓપનર દીપક હૂડાની હતી. પૂરનને સ્ટાર્કે ઇનિંગ્સની છેલ્લી ઓવરના પહેલા જ બૉલમાં આઉટ કરીને લખનઊના ટોટલને મર્યાદિત રખાવ્યું હતું. પૂરન ટી-20ની પાંચ ઇનિંગ્સમાં ત્રીજી વાર સ્ટાર્કનો શિકાર થયો છે. આ આઇપીએલમાં પૂરનના સ્કોર્સ આ મુજબ રહ્યા છે: 45, 0, 32, 40, 42 અને 64*.


સુનીલ નારાયણે પણ આયુષ બદોની (29 રન, 27 બૉલ, એક સિક્સર, બે ફોર)ની મહત્ત્વની વિકેટ લેવા ઉપરાંત ઓપનર ક્વિન્ટન ડિકૉક (10 રન, આઠ બૉલ, બે ફોર)નો કૅચ પણ પકડ્યો હતો. ક્વિન્ટનની વિકેટ પેસ બોલર વૈભવ અરોરાએ લીધી હતી.


કૅપ્ટન કેએલ રાહુલ (39 રન, 27 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ની વિકેટ આન્દ્રે રસેલે લીધી હતી.


માર્કસ સ્ટોઇનિસ (10 રન, પાંચ બૉલ, બે ફોર)ની વિકેટ પણ મહત્ત્વની હતી જેને સ્પિનર વરુણ ચક્રવર્તીએ વિકેટકીપર ફિલ સૉલ્ટના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. વરુણે સ્ટોઇનિસને હજી તો પહેલો બૉલ ફેંક્યો એમાં તે આઉટ થઈ ગયો હતો.


છેલ્લી ઓવર (20મી ઓવર)ની જવાબદારી શ્રેયસ ઐયરે સ્ટાર્કને આપી હતી અને તેણે પોતાના પર મૂકવામાં આવેલા ભરોસા જેવું જ પર્ફોર્મ કર્યું હતું. એ ઓવરમાં ફક્ત છ રન બન્યા હતા અને સ્ટાર્કે પૂરન તેમ જ અર્શદ ખાનને એ જ ઓવરમાં આઉટ કર્યા હતા. છેલ્લી પાંચ ઓવરમાં લખનઊના બૅટર્સ માત્ર 48 રન બનાવી શક્યા હતા.


એ પહેલાં, કોલકાતાના કૅપ્ટન શ્રેયસ ઐયરે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. કોલકાતાની ટીમમાં રિન્કુ સિંહના સ્થાને હર્ષિત રાણાને પસંદ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, લખનઊની ટીમે વેસ્ટ ઇન્ડિઝના પેસ બોલર શમાર જોસેફને સિલેક્ટ કરીને આઇપીએલમાં ડેબ્યૂ કરવાનો મોકો આપ્યો છે તેમ જ દીપક હૂડા તથા મોહસિન ખાનને પાછા ઇલેવનમાં સામેલ કર્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button