IPL 2024સ્પોર્ટસ

આઇપીએલના માલિકો વિશે થોડું જાણી લઈએ: શાહરુખ, અંબાણી, ઝિન્ટા, કાવ્યા મારનની હાજરી પોતાની ટીમ માટે પ્રોત્સાહક

કોલકાતા: લખનઊ સુપર જાયન્ટ્સની આઠમી મેની સનરાઇઝર્સ હૈદરાબાદ પછીની કારમી હારને પગલે લખનઊની ટીમના કૅપ્ટન કેએલ રાહુલને ફ્રૅન્ચાઇઝીના માલિક સંજીવ ગોયેન્કાએ જાહેરમાં ઠપકો આપ્યો એના વાઇરલ થયેલા વીડિયોને આધારે આઇપીએલની વિવિધ ટીમોના માલિકો વિશેની થોડી-ઘણી જાણીતી અને અનોખી જાણકારી પણ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. ખાસ કરીને શાહરુખ ખાન પોતાની ટીમ કેકેઆરના ખેલાડીઓ સાથે જે મિત્રતા બતાવતો હોય છે એના વીડિયો અને ફોટો ઘણી વાર મીડિયામાં વાઇરલ થયા છે.

(1) કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ની ટીમ અગાઉ બે વખત ટાઇટલ જીતી ચૂકી છે અને આ સીઝનમાં પહેલા નંબરે છે અને પ્લે-ઑફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. એવું જોવા મળ્યું છે કે કેકેઆરની ટીમ સાથે બૉલીવૂડ અભિનેતા અને સહ-માલિક શાહરુખ ખાનની બહુ સારી મિત્રતા છે. બૉલીવૂડની અભિનેત્રી જૂહી ચાવલા અને તેના પતિ જય શાહ પણ આ ટીમના કો-ઓનર્સ છે. ત્રણેય માલિકો કોલકાતાની મોટા ભાગની મૅચ જોવા સ્ટેડિયમમાં આવતા હોય છે અને ખૂબ ઉત્સાહપૂર્વક પોતાના ખેલાડીઓના પર્ફોર્મન્સને બિરદાવીને તેમનો પાનો ચડાવતા હોય છે. કેકેઆરને અગાઉ બન્ને ટાઇટલ ગૌતમ ગંભીરના સુકાનમાં મળ્યા હતા અને આ સીઝનમાં ગૌતમ ગંભીર કેકેઆરનો મેન્ટર છે, જ્યારે ચંદ્રકાન્ત પંડિત હેડ-કોચ છે. શાહરુખ ખાનની ગૌતમ ગંભીર સાથે પણ બહુ સારી દોસ્તી રહી હોવાનું જોવા મળ્યું છે. ખાસ કરીને ગંભીરના સુકાનમાં કેકેઆરે ટાઇટલ જીત્યું હતું ત્યારે શાહરુખે તેને ચૂમીને તેને અભિનંદન આપ્યા હતા. અહીં ખાસ જણાવવાનું કે 2012ની સાલમાં કોલકાતાએ મુંબઈને મૅચમાં 32 રનથી હરાવ્યું ત્યાર બાદ શાહરુખ ખાનના બાળકો અને તેમના મિત્રોને મૅચ બાદ વાનખેડે સ્ટેડિયમના મેદાન પર રમવાની ના પાડવામાં આવ્યા બાદ શાહરુખે કથિત નશાની હાલતમાં સિક્યૉરિટી ગાર્ડ્સ સાથે ખરાબ વર્તન કર્યું હતું અને તેમને ગાળ આપી હતી. આ બનાવને પગલે મુંબઈ ક્રિકેટ અસોસિયેશને શાહરુખના વાનખેડે-પ્રવેશ પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે એ ઘટના બાદ શાહરુખનું ક્રિકેટના સ્ટેડિયમોમાં (તાજેતરના સ્મોકિંગવાળા બનાવને બાદ કરતા) એકંદરે વર્તન સુધર્યું છે અને પોતાની ટીમ સાથેની મિત્રતા પણ વધી ગયેલી જોવા મળી છે.

(2) સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમની માલિકી સન ગ્રુપ પાસે છે. ભારતના ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુરાસોલી મારનના પુત્ર કલાનિધી મારન હૈદરાબાદની ટીમની માલિકી ધરાવે છે અને તેમણે આ ટીમને લગતો મોટા ભાગનો કારભાર પુત્રી કાવ્યા મારનને સોંપ્યો છે. કાવ્યા હૈદરાબાદની લગભગ બધી મૅચ દરમ્યાન ટીમના ડગઆઉટમાં જોવા મળી છે. હૈૈદરાબાદના બૅટર્સ આ વખતે બિગ સ્કોર્સ સાથે દરેક સ્ટેડિયમમાં છવાઈ ગયા છે અને કાવ્યા મારન સ્ટૅન્ડમાંથી તેમને પોરસ ચડાવતી તેમ જ બૅટર્સની ફટકાબાજી ખૂબ માણતી જોવા મળી છે.

(3) રાજસ્થાન રૉયલ્સની સહ-માલિકી અગાઉ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્ર પાસે પણ હતી. હાલમાં બ્રિટિશ-ભારતીય બિઝનેસમૅન મનોજ બેદાળે આ ટીમના માલિક છે. સાઉથ આફ્રિકાની ટી-20 લીગની ટીમ પાર્લ રૉયલ્સની માલિકી પણ બેદાળે પાસે છે. રાજસ્થાનની ટીમ 2008ની સૌપ્રથમ સીઝનમાં ટાઇટલ જીતી હતી.

(4) પંજાબ કિંગ્સની માલિકી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા તેમ જ વાડિયા પરિવારના નેસ વાડિયા, ડાબર ઇન્ડિયાના ચૅરમૅન મોહિત બર્મન અને એપીજે ગ્રૂપના ચૅરમૅન કરણ પૉલ પાસે છે. મોટા ભાગે પ્રીતિ ઝિન્ટા પંજાબની મૅચ વખતે સ્ટેડિયમમાં જોવા મળે છે અને ઘણી વાર પોતાના તેમ જ હરીફ ટીમના ખેલાડીઓ સાથે ખૂબ ઉત્સાહપૂર્વક વાતચીત કરતી જોવા મળે છે. પંજાબની ટીમ ટાઇટલથી વંચિત રહી છે.

(5) મુંબઈ ઇન્ડિયન્સના ફ્રૅન્ચાઇઝીની માલિકી અંબાણી પરિવાર પાસે છે અને ખાસ કરીને નીતા અંબાણી ટીમને લગતો અખત્યાર સંભાળે છે. આઇપીએલની મૅચો દરમ્યાન તેઓ તેમ જ તેમના પુત્રો અનંત તથા આકાશ તેમ જ પરિવારના બીજા સભ્યો ટીમના ડગઆઉટમાંથી ટીમનો ઉત્સાહ વધારતા જોવા મળે છે.

ALSO READ: ગોયેન્કા અને કેએલ રાહુલ વચ્ચેનો મામલો હવે ઠંડો પડી ગયો…

(6) ચેન્નઈ સુપર કિંગ્સના ફ્રૅન્ચાઇઝીના માલિક એન. શ્રીનિવાસન છે. તેઓ ઇન્ડિયા સિમેન્ટ કંપનીના માલિક પણ છે.

(7) લખનઊ સુપર જાયન્ટ્સ ટીમના માલિક સંજીવ ગોયેન્કા છે. તેઓ આ સીઝન દરમ્યાન ઘણી મૅચોમાં પરિવારના સભ્યો તેમ જ મિત્રો સાથે ટીમના ડગઆઉટમાં જોવા મળ્યા છે. ગોયેન્કાના આરપીએસજી ગ્રૂપે 2016માં બીસીસીઆઇ પાસેથી રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ ટીમ અને 2022માં લખનઊ સુપર જાયન્ટ્સ ટીમ ખરીદી હતી. આઠમી મેએ હૈદરાબાદ સામેની હારમી હાર પછી લખનઊના કૅપ્ટન કેએલ રાહુલને ગોયેન્કા જોરદાર ઠપકો આપી રહ્યા હોય એવો વીડિયો વાઇરલ થયો હતો.

(8) ગુજરાત ટાઇટન્સના ફ્રૅન્ચાઇઝની માલિકી યુરોપના સીવીસી કૅપિટલ પાર્ટનર્સ નામની જાણીતી ઇન્વેસ્ટમેન્ટ ઍડવાઇઝરી કંપની પાસે છે. 2022માં બીસીસીઆઇ પાસેથી ગુજરાતની ટીમને સીવીસી કૅપિટલે ખરીદી હતી.
(9) રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુની માલિકી યુનાઇટેડ સ્પિરિટ્સ નામની કંપની પાસે છે. હિના નાગરાજન આ કંપનીનાં એમડી અને સીઇઓ છે.


(10) દિલ્હી કૅપિટલ્સની 50 ટકા માલિકી જેએસડબ્લ્યૂ સ્પોર્ટ્સ અને 50 ટકા માલિકી જીએમઆર સ્પોર્ટ્સ પાસે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button