IPL Auction 2025: આ બે ટીમો રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ નહીં કરી શકે, જાણો શું છે RTM?
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે આજે અને આવતી કાલે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં મેગા ઓક્શન (IPL Mega Auction)યોજાશે. દરેક ફ્રેન્ચાઈઝીએ આ ઓક્શન માટે તૈયારી કરી લીધી છે. અગાઉ, તમામ ફ્રેન્ચાઇઝીએ રિટેન્શન લિસ્ટ જાહેર કર્યું હતું. દરેક ફ્રેન્ચાઈઝીને વધુમાં વધુ છ ખેલાડીઓ જાળવી રાખવાની છૂટ હતી. આ ઓક્શનમાં રાઈટ-ટુ-મેચ (RTM)નો વિકલ્પ પણ સામેલ છે.
આટલા ખેલાડીઓ પર લાગશે બોલી:
છેલ્લે વર્ષ 2022 માં મેગા ઓક્શન યોજાયું હતું. આ વખતે ફ્રેન્ચાઇઝી યોગ્ય ટીમ કોમ્બિનેશન પસંદ કરવાનો પડકાર હશે. IPL 2025 માટે ખેલાડીઓની મેગા ઓક્શનમાં કુલ 1574 ખેલાડીઓએ નોંધણી કરાવી હતી, પરંતુ કુલ 577 ખેલાડીઓની શોર્ટલીસ્ટેડ થયા હતાં, જેમાંથી 367 ભારતીય અને 210 વિદેશી ખેલાડીઓ છે, જ્યારે ત્રણ ખેલાડીઓ સહયોગી દેશોના છે. આ વખતે કુલ 331 અનકેપ્ડ ખેલાડીઓ પર ઓક્શનમાં છે, જેમાંથી 319 ભારતીય અને 12 વિદેશી ખેલાડીઓ છે. તમામ 10 ફ્રેન્ચાઇઝી 204 ખાલી જગ્યાઓ માટે બિડ કરશે.
દરેક ફ્રેન્ચાઈઝી વધુમાં વધુ 25 ખેલાડીઓનો ટીમમાં સમાવી શકે છે, જેમાંથી વધુમાં વધુ આઠ વિદેશી હોઈ શકે છે. આ વખતે કેએલ રાહુલ, ઋષભ પંત, શ્રેયસ અય્યર, જોસ બટલર, ગ્લેન મેક્સવેલ, મિશેલ સ્ટાર્ક, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી જેવા ખેલાડીઓ પણ હરાજીમાં સામેલ થશે. આ તમામ ખેલાડીઓ માર્કી સેટમાં છે અને તેમની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા છે.
આ બે ટીમ RTM નો ઉપયોગ નહીં કરી શકે:
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રાજસ્થાન રોયલ્સ (RR) ટીમ IPL ઓક્શન દરમિયાન રાઈટ ટૂ મેચ (RTM) કાર્ડનો ઉપયોગ કરી શકશે નહીં. તેનું કારણ એ છે કે આ બંને ફ્રેન્ચાઇઝીએ છ ખેલાડીઓને રીટેન કર્યા છે, દરેક ટીમ વધુમાં વધુ 6 ખેલાડીઓને જ રીટેન કરી શકે છે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન KKRએ રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, હર્ષિત રાણા અને રમનદીપ સિંહને રિટેન કરવાનો નિર્ણય કર્યો હતો. બીજી તરફ રાજસ્થાને સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર અને સંદીપને રિટેન કર્યા હતાં.
રાઈટ ટુ મેચ કાર્ડ શું છે?
રાઇટ ટુ મેચ કાર્ડ દ્વારા ફ્રેન્ચાઇઝી ઓક્શન દરમિયાન પોતાના જૂના ખેલાડીઓને પોતાની ટીમમાં લાવી શકે છે. આ માટે ફ્રેન્ચાઇઝીએ તે ખેલાડી માટે લાગેલી સૌથી વધુ બોલી જેટલી કિંમત ચૂકવવી પડશે. છેલ્લી બે હરાજીમાં તેનો ઉપયોગ થયો ન હતો, પરંતુ આ વર્ષે રાઈટ ટુ મેચ કાર્ડ રાખવામાં આવ્યું છે. વધુમાં વધુ છ ખેલાડીઓ રિટેન કરી શકાય છે, તેથી ફ્રેન્ચાઇઝી જેટલા ઓછા ખેલાડીઓ રીટેન કરે છે, તેટલા વધુ રાઇટ ટુ મેચ કાર્ડ હોય છે.
Also read: આઇપીએલની 10 ટીમમાંથી કોણે કયા ખેલાડીઓને કેટલા રૂપિયામાં રીટેન કર્યા છે?
ઉદાહરણ તરીકે, મુંબઈ અને ચેન્નઈ પાંચ ખેલાડીઓને જાળવી રાખ્યા છે, તો તેમની પાસે હરાજીમાં માત્ર એક જ રાઈટ ટુ મેચ કાર્ડ હશે. પંજાબે માત્ર બે ખેલાડીઓને રીટેન કર્યા છે, તેથી તેમની પાસે ચાર રાઈટ ટુ મેચ કાર્ડ છે. આ સિવાય,રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ તેના પર પણ નિર્ભર રહેશે કે ફ્રેન્ચાઇઝીએ કેપ્ડ કે અનકેપ્ડ ખેલાડીઓને રીટેન કર્યા છે.
રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ છેલ્લે 2017ની મેગા ઓક્શનમાં કરવામાં આવ્યો હતો.