
ધરમશાલા: ચેન્નઈ સુપર કિંગ્સે અહીં પંજાબ કિંગ્સને 28 રનથી હરાવીને ચાર દિવસ પહેલાંની હારનો બદલો લઈ લીધો હતો. પંજાબ સામે સતત પાંચ મૅચ હાર્યા પછી એની સામે ચેન્નઈની આ પહેલી જીત હતી. ચેન્નઈ સામે પંજાબ લાગલગાટ છઠ્ઠો વિજય મેળવવાથી વંચિત રહ્યું હતું. ચેન્નઈ 12 પૉઇન્ટ અને +0.700ના રનરેટ સાથે ત્રીજા નંબર પર આવી ગયું છે. પંજાબ સાતમી હાર બદલ આઠમા નંબર પર ધકેલાયું છે.
પંજાબે 168 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં નવ વિકેટે 139 રન બનાવ્યા હતા. ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (26 બૉલમાં 43 રન અને 20 રનમાં ત્રણ વિકેટ) આ મૅચનો સુપરહીરો હતો.
એક સમયે પંજાબે 168 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે નવ રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ 62મા રને એની જ્યારે ફક્ત બે વિકેટ હતી ત્યારે એનો જોરદાર ધબડકો શરૂ થયો હતો. પંજાબે ત્યારે માત્ર 16 રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી.
પંજાબનો ઓપનર પ્રભસિમરન સિંહ 2023ની સીઝનમાં સારું રમ્યો હતો, પણ આ વખતે તે મોટા ભાગની મૅચોમાં ફ્લૉપ રહ્યો છે. તેણે આ મૅચમાં 23 બૉલમાં બે સિક્સર અને બે ફોરની મદદથી ફક્ત 30 રન બનાવ્યા હતા. નવાઈની વાત એ છે કે તેના આ 30 રન આખી ટીમમાં હાઈએસ્ટ હતા. મુખ્ય બૅટર્સ શશાંક સિંહ (20 બૉલમાં 27 રન) અને આશુતોષ શર્મા (ત્રણ રન)એ પણ પંજાબને નારાજ કર્યું હતું. રાહુલ ચાહર (16 રન, 10 બૉલ, એક સિક્સર, બે ફોર) અને હરપ્રીત બ્રારે (17 અણનમ, 13 બૉલ, બે ફોર) તેમ જ હર્ષલ પટેલે (12 રન, 13 બૉલ, એક સિક્સર, એક ફોર) થોડી લડત આપી હતી, પણ એ અપૂરતી હતી.
ચેન્નઈ વતી જાડેજાએ ત્રણ તેમ જ તુષાર દેશપાંડે અને નવા પેસ બોલર સિમરજીત સિંહે બે-બે વિકેટ લીધી હતી. આ સીઝનમાં પહેલી જ વખત રમેલા મિચલ સૅન્ટનરે શશાંક સિંહની પ્રાઇઝ વિકેટ લીધી હતી. રાહુલ ચાહરને શાર્દુલ ઠાકુરે આઉટ કર્યો હતો.
એ પહેલાં, ચેન્નઈએ બૅટિંગ માટે આમંત્રણ મળ્યા પછી એણે નવ વિકેટે 167 રન બનાવ્યા હતા. એ જોતાં પંજાબની ટીમે માત્ર 139 રન બનાવીને પહેલેથી જ લો-સ્કોરિંગ બનેલી મૅચને વધુ નીચા સ્કોરવાળી બનાખી હતી.
રવીન્દ્ર જાડેજા (43 રન, 26 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) જો તારણહાર ન બન્યો હોત તો ચેન્નઈનો સ્કોર સવાસો રન સુધી પણ ન પહોંચી શક્યો હોત.
પંજાબના સ્પિનર રાહુલ ચાહર (4-0-23-3) અને પેસ બોલર હર્ષલ પટેલ (4-0-24-3)એ ચેન્નઈની ટીમને પોણાબસો રન સુધી પણ નહોતી પહોંચવા દીધી.
ખાસ કરીને બન્ને બોલરે બે-બે બૉલમાં બે વિકેટ લીધી હતી અને આ ચાર ઝટકા ચેન્નઈની ટીમને ભારે પડ્યા હતા.
આઠમી ઓવર રાહુલ ચાહરે કરી હતી. એ ઓવરના પ્રથમ બૉલમાં (7.1) ચાહરે ચેન્નઈના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (32 રન, 21 બૉલ, એક સિક્સર, ચાર ફોર)ને વિકેટકીપર જિતેશ શર્માના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. બીજા જ બૉલ પર (7.2) ચાહરે શિવમ દુબે (0)નો કૅચ જિતેશને અપાવ્યો હતો.
કૅપ્ટન સૅમ કરૅને 19મી ઓવર હર્ષલ પટેલને આપી હતી અને તેણે ચોથા બૉલમાં (18.4) શાર્દુલ ઠાકુર (17 રન, 11 બૉલ, એક સિક્સર, બે ફોર)ને ક્લીન બોલ્ડ કર્યા બાદ એ પછીના બૉલમાં (18.5) એમએસ ધોનીને ક્લીન બોલ્ડ કર્યો હતો.
ચેન્નઈની ઇનિંગ્સમાં ડેરિલ મિચલ (30 રન, 19 બૉલ, એક સિક્સર, બે ફોર)નું પણ સાધારણ યોગદાન હતું. તુષાર દેશપાંડે (0) અને રિચર્ડ ગ્લીસન (2) અણનમ રહ્યા હતા. પંજાબના બીજા બોલર્સમાં આગામી ટી-20 વર્લ્ડ કપના ખેલાડી અર્શદીપ સિંહે બે વિકેટ અને સૅમ કરૅને એક વિકેટ લીધી હતી. કૅગિસો રબાડાને અને હરપ્રીત બ્રારને વિકેટ નહોતી મળી.