![](/wp-content/uploads/2024/05/ભરઉનાળે-મેઘો-મંડાણો-4.jpg)
હૈદરાબાદ: આઇપીએલની 17મી સીઝનની 10 ટીમમાં માત્ર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમ એવી છે જે ખાસ કરીને બૅટિંગના જોરે પ્લે-ઑફની લગોલગ આવી છે. પ્લે-ઑફમાં પહોંચી ગયેલી કોલકાતા નાઇટ રાઇડર્સ તથા રાજસ્થાન રૉયલ્સની ટીમને બાજુ પર રાખીએ તો ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, બેન્ગલૂરુ અને લખનઊમાં માત્ર હૈદરાબાદની ટીમ એવી છે જે લાસ્ટ-ફોરમાં જવા માટે સૌથી વધુ લાયક છે અને સૌથી સારો મોકો પણ એને જ છે. ગુરુવારે (સાંજે 7.30 વાગ્યાથી) હૈદરાબાદમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે પૅટ કમિન્સ ઇલેવનની અત્યંત મહત્ત્વની મૅચ છે. હૈદરાબાદને પ્લે-ઑફમાં જવા એક જ પૉઇન્ટની જરૂર છે અને ગુરુવારે જીતીને બે પૉઇન્ટ સાથે લાસ્ટ-ફોરમાં ફિક્સ થઈ શકશે. ગુજરાત જીતીને ગૌરવભેર આ સીઝનમાંથી એક્ઝિટ કરવા મક્કમ છે.
આઇપીએલની વર્તમાન સીઝનમાં સૌથી વધુ 146 સિક્સર ફટકારી ચૂકેલી તેમ જ બબ્બે વખત આ ટૂર્નામેન્ટના ટીમ-સ્કોરનો નવો રેકૉર્ડ (277/3 અને 287/3) સ્થાપિત કરી ચૂકેલી હૈદરાબાદની ટીમ પ્લે-ઑફમાં નહીં પહોંચે તો એ સૌથી મોટી નવાઈ અને સૌથી મોટો આંચકો કહેવાશે.
પ્લે-ઑફના બે સ્થાન માટે લડી રહેલી પાંચ ટીમમાંથી હૈદરાબાદને વધુ તક હોવાનું મોટું કારણ એ છે કે એની હજી બે લીગ મૅચ (ગુરુવારે ગુજરાત સામે, રવિવારે પંજાબ સામે) બાકી છે. કમિન્સની ટીમની આ બન્ને હરીફ ટીમ તળિયાના સ્થાનોમાં છે.
10માંથી એકમાત્ર હૈદરાબાદની બે મૅચ બાકી છે અને આ બન્ને મૅચ હૈદરાબાદના ગઢમાં રમાવાની છે. કમિન્સ અને તેના પ્લેયર્સ આઠ દિવસના લાંબા બ્રેક બાદ પાછા રમવા આવી રહ્યા છે એટલે એની બાકીની બન્ને મૅચમાં કે બેમાંથી એક મૅચમાં એના બૅટર્સના હાથે નવા કોઈ વિક્રમ રચાશે તો નવાઈ નહીં લાગે.
હૈદરાબાદ 14 પૉઇન્ટ અને +0.406ના રનરેટ સાથે ચોથા નંબરે છે.
હૈદરાબાદની જેમ ગુજરાત પણ છેલ્લી પાંચમાંથી ત્રણ મૅચ હારી છે.
હૈદરાબાદના મેદાન પર આ વખતે સ્પિનર્સની બોલિંગની વધુ ધુલાઈ થઈ હોવાનો સ્પષ્ટ સંકેત સિક્સરના આંકડા પરથી મળે છે. આ મેદાન પર સ્પિન બોલર્સની બોલિંગમાં કુલ 51 છગ્ગા ગયા છે જે સંયુક્ત રીતે વિક્રમ છે. દિલ્હીના મેદાન પર પણ સ્પિનર્સની બોલિંગમાં 51 છગ્ગા ફટકારાયા છે.
હૈદરાબાદના પેસ બોલર ભુવનેશ્ર્વર કુમાર ટી-20માં 300 વિકેટ લેનાર પ્રથમ ભારતીય પેસ બોલર બનશે અને એ માટે તેને એક જ વિકેટની જરૂર છે. તેની અને ગુજરાતના કૅપ્ટન શુભમન ગિલ વચ્ચે ટક્કર જોવા મળશે, કારણકે 10 ઇનિંગ્સમાં ભુવી તેને ત્રણ વાર આઉટ કરી ચૂક્યો છે.
ગુજરાતના વૃદ્ધિમાન સાહાને આઇપીએલમાં 3,000 રન પૂરા કરવા 67 રનની અને ડેવિડ મિલરને 76 રનની જરૂર છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-ઇલેવન
હૈદરાબાદ: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, મયંક અગરવાલ, નીતિશ કુમાર રેડ્ડી, હિન્રિચ ક્લાસેન (વિકેટકીપર), માર્કો યેનસેન/ગ્લેન ફિલિપ્સ, અબ્દુલ સામદ, શાહબાઝ અહમદ, પૅટ કમિન્સ (કૅપ્ટન), ભુવનેશ્ર્વર કુમાર અને ટી. નટરાજન. 12મો પ્લેયર: ઉમરાન મલિક/જયદેવ ઉનડકટ
ગુજરાત: શુભમન ગિલ (કૅપ્ટન), વૃદ્ધિમાન સાહા (વિકેટકીપર), સાંઇ સુદર્શન, એમ. શાહરુખ ખાન, ડેવિડ મિલર, વિજય શંકર, રાહુલ તેવાટિયા, રાશીદ ખાન, મોહિત શર્મા, નૂર અહમદ અને જૉશ લિટલ/અઝમતુલ્લા ઓમરઝાઇ. 12મો પ્લેયર: સાંઇ કિશોર/સંદીપ વૉરિયર.