IPL 2024સ્પોર્ટસ

IPL-2024 : હૈદરાબાદ (SRH) રવિવારે ટૉપ-ટૂમાં પહોંચવા મક્કમ, પંજાબ (PBKS)ની કૅપ્ટન્સીની જવાબદારી જિતેશ શર્માના શિરે

બીજો મુકાબલો કોલકાતા અને નંબર-ટૂ બનવા તત્પર રાજસ્થાન વચ્ચે થશે

હૈદરાબાદ: બિગ-હિટર્સવાળી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ રવિવારે પોતાની છેલ્લી લીગ મૅચ (બપોરે 3.30 વાગ્યાથી) જીતીને પૉઇન્ટ્સ-ટેબલમાં બીજા નંબર પર રહેવાની પેરવીમાં છે. પૅટ કમિન્સની ટીમના ખાતે 15 પૉઇન્ટ અને +0.406નો રનરેટ છે અને આ ટીમ પંજાબ સામે જીતીને કંઈ પણ કરીને 17 પૉઇન્ટ સાથે બીજા નંબરે આવવા દૃઢ છે. કોલકાતા 19 પૉઇન્ટ સાથે મોખરે છે અને એની અંતિમ લીગ મૅચ રવિવારે (સાંજે 7.30 વાગ્યાથી) ગુવાહાટીમાં રાજસ્થાન સામે રમાશે. જો રાજસ્થાન જીતી જશે તો એ જ નંબર-ટૂ થઈ જશે, કારણકે એના 16 પૉઇન્ટ છે અને વિજય મળતાં 18 પૉઇન્ટ થઈ જશે. રવિવારની હૈદરાબાદની હરીફ ટીમ પંજાબનું સુકાન વિકેટકીપર-બૅટર જિતેશ શર્માને સોંપાયું છે.શિખર ધવન હજી પણ ઈજાગ્રસ્ત છે અને સૅમ કૅરેન ઇંગ્લૅન્ડ પાછો જતો રહ્યો છે હોવાથી જિતેશને કૅપ્ટન્સી સોંપાઈ છે. જોકે તેની પાસે માત્ર બે વિદેશી ખેલાડી (રાઇલી રોસોઉ અને નૅથન એલિસ) છે.હૈદરાબાદ પાસે ખુદ કૅપ્ટન પૅટ કમિન્સ ઉપરાંત ટ્રેવિસ હેડ અને હિન્રિચ ક્લાસેન છે. જોકે ક્લાસેનને પંજાબના હર્ષલ પટેલ સામે ખતરો છે, કારણકે હર્ષલ તેને 30 બૉલમાં ત્રણ વખત આઉટ કરી ચૂક્યો છે અને તેની બોલિંગમાં ક્લાસેન માત્ર 38 રન બનાવી શક્યો છે.હર્ષલ આ સીઝનમાં સૌથી વધુ બાવીસ વિકેટ સાથે પર્પલ કૅપ ધરાવે છે.હૈદરાબાદની ટીમ છેલ્લી ત્રણેય સીઝનમાં નીચલા સ્થાને રહીને સ્પર્ધાની બહાર થઈ હતી, પણ આ વખતે ટાઇટલ માટેની ફેવરિટ ટીમો રાજસ્થાન તથા કોલકાતા સાથે તેનું પણ નામ બોલાય છે.હેડ-ટૂ-હેડ મુકાબલામાં હૈદરાબાદનો હાથ ઉપર છે. કુલ બાવીસ મુકાબલામાંથી હૈદરાબાદે પંદર મૅચમાં અને પંજાબે સાત મૅચમાં વિજય મેળવ્યો છે.બન્ને ટીમની સંભવિત ઇલેવન:હૈદરાબાદ: પૅટ કમિન્સ (કૅપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, મયંક અગરવાલ/રાહુલ ત્રિપાઠી, નીતિશ કુમાર રેડ્ડી, હિન્રિચ ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સામદ, શાહબાઝ અહમદ, ભુવનેશ્ર્વર કુમાર, જયદેવ ઉનડકટ અને વિજયકાંત. 12મો પ્લેયર: ટી. નટરાજન.પંજાબ: જિતેશ શર્મા (કૅપ્ટન, વિકેટકીપર), પ્રભસિમરન સિંહ, અથર્વ ટૈડ, રાઇલી રોસોઉ, શશાંક સિંહ, આશુતોષ શર્મા, રિશી ધવન, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, નૅથન એલિસ અને રાહુલ ચાહર. 12મો પ્લેયર: અર્શદીપ સિંહ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button