IPL 2024સ્પોર્ટસ

IPL-2024 : હાર્દિક (Hardik Pandya) આવતી સીઝનની પ્રથમ મૅચ નહીં રમી શકે, અત્યારથી જ મુકાયો પ્રતિબંધ: 30 લાખ રૂપિયાનો દંડ પણ કરાયો

મુંબઈ: હાર્દિક પંડ્યા 2021ની સાલ સુધી મુંબઈ ઇન્ડિયન્સમાં હતો અને ત્યાર બાદ 2022માં ગુજરાત ટાઇટન્સ (GT)માં જોડાયો હતો. તે જીટીનો કૅપ્ટન બન્યો અને એને એ જ પ્રથમ વર્ષમાં ચૅમ્પિયન અને 2023ના બીજા વર્ષમાં રનર-અપ બનાવ્યા બાદ 2024માં પાછો મુંબઈ ઇન્ડિયન્સમાં આવીને કૅપ્ટન બની ગયો. હવે 2025ની આઇપીએલ માટે મેગા ઑક્શન થવાનું છે એટલે તે કઈ ટીમમાં હશે એ તો ખબર નથી, પરંતુ એ સીઝનની પહેલી મૅચ તે નહીં રમી શકે.

આઇપીએલની શુક્રવારની વાનખેડેની મૅચના મૅચ-રેફરી પંકજ ધરમાણીએ આઇપીએલના નિયમને અનુસરીને તેના પર સ્લો ઓવર-રેટ બદલ એક મૅચનો પ્રતિબંધ લાગુ કરી દીધો છે. મુંબઈની ટીમ હવે તો આ સીઝનની બહાર થઈ ગઈ છે એટલે હાર્દિકની આ વખતે એકેય મૅચ બાકી નથી, પણ આવતી સીઝનમાં તે પોતાની પહેલી જ મૅચ ગુમાવશે.

આ પણ વાંચો : MI vs LSG: મુંબઈ (MI)ની ત્રણ સીઝનમાં બીજી વાર 10મા નંબર સાથે વિદાય

શુક્રવારે લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની ઇનિંગ્સમાં નિર્ધારિત સમયમાં પોતાની ટીમ પાસે 20 ઓવર પૂરી ન કરાવી શકવા બદલ હાર્દિકને ફરી સ્લો ઓવર-રેટના ઉલ્લંઘનને લગતો નિયમ લાગુ પડ્યો છે. આ સીઝનમાં તેનાથી આવો ત્રીજી વાર ભંગ થયો છે. તે ટીમનો કૅપ્ટન હોવા બદલ સૌથી વધુ કડક પગલાં તેની સામે લેવામાં આવ્યા છે. તે એક મૅચ નહીં રમી શકે તેમ જ તેની મૅચ-ફીમાંથી 30 લાખ રૂપિયા કાપી પણ લેવામાં આવ્યા છે. મુંબઈની ટીમના બાકીના દરેક ખેલાડીને (ઇમ્પૅક્ટ પ્લેયર સહિત) 12 લાખ રૂપિયા (અથવા 50 ટકા, જે ઓછા હોય એ)નો દંડ કરવામાં આવ્યો છે.

હાર્દિકના સુકાનમાં મુંબઈની ટીમથી સીઝનમાં પહેલી વાર સ્લો ઓવર-રેટના નિયમનો ભંગ કરાયો હતો ત્યારે હાર્દિકને 12 લાખ રૂપિયાનો અને બીજા ભંગ વખતના ભંગ બદલ 24 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.

હાર્દિક અને તેના ચાહકોએ તેની આ સીઝનને બને એટલી વહેલી ભૂલવી પડશે. તેને મુંબઈનો કૅપ્ટન બનાવાતાં અનેકના ભવાં ઊંચા થઈ ગયા હતા. જોકે તેનો પર્ફોર્મન્સ પણ ધાર્યા કરતાં ઘણો નબળો રહ્યો. મુંબઈ તેની કૅપ્ટન્સીમાં 14માંથી 10 મૅચ હારી ગઈ, ત્રણ સીઝનમાં બીજી વખત મુંબઈએ 10મા ક્રમ (તળિયાના સ્થાન) સાથે ટૂર્નામેન્ટમાંથી વિદાય લીધી, હાર્દિકે 14 મૅચમાં માત્ર 18.00ની સરેરાશે માત્ર 218 રન બનાવ્યા અને 10.75ના ઇકોનોમી રેટ સાથે ફક્ત 11 વિકેટ લીધી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button