
અમદાવાદ: ગુજરાત ટાઇટન્સે અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ સામે પ્રથમ બૅટિંગ મળ્યા પછી ખરાબ શરૂઆત કર્યા બાદ છેવટે બરાબર 200 રનનું ટોટલ જોયું હતું. શુભમન ગિલની ટીમે આ 200 રન ફક્ત ત્રણ વિકેટના ભોગે બનાવ્યા હતા.
ચેન્નઈથી રમવા આવેલા બાવીસ વર્ષના લેફ્ટ-ઍન્ડ બૅટર સાંઇ સુદર્શન (84 અણનમ, 49 બૉલ, ચાર સિક્સર, આઠ ફોર) 16 રન માટે સેન્ચુરી ચૂકી ગયો હતો, પરંતુ તેની આ સતત બીજી હાફ સેન્ચુરી ગુજરાત માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ હતી. તેની અને એમ. શાહરુખ ખાન (58 રન, 30 બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 86 રનની ભાગીદારી થઈ હતી. બૅટિંગ-ઑર્ડરમાં પ્રમોટ કરવામાં આવેલા શાહરુખ ખાનની આ પહેલી જ હાફ સેન્ચુરી હતી. સુદર્શને ચાર દિવસ પહેલાં દિલ્હીમાં દિલ્હી કૅપિટલ્સ સામે 65 રન બનાવ્યા હતા. જોકે તેનો એ પર્ફોર્મન્સ પાણીમાં ગયો હતો, કારણકે છેલ્લી ઓવરના થ્રિલરમાં દિલ્હીએ ફક્ત ચાર રનથી વિજય મેળવ્યો હતો. ઓપનિંગમાં વૃદ્ધિમાન સાહા (પાંચ રન) ફરી એકવાર અને કૅપ્ટન શુભમન ગિલ (19 બૉલમાં 16 રન) સતત ચોથી મૅચમાં સારું પર્ફોર્મ કરવામાં નિષ્ફળ ગયો હતો. ગિલની વિકેટ કમબૅકમૅન ગ્લેન મૅક્સવેલે લીધી હતી.
આ પણ વાંચો: યુગાન્ડાના ત્રણ ગુજરાતી ક્રિકેટરો ટી-20 વર્લ્ડ કપ માટે તૈયાર
રવિવારની મૅચમાં ડેવિડ મિલરે (26 અણનમ, 19 બૉલ, એક સિક્સર, બે ફોર) સુદર્શન સાથે ચોથી વિકેટ માટે 69 રનની અતૂટ પાર્ટનરશિપ કરી હતી. મૅક્સવેલ ઉપરાંત મોહમ્મદ સિરાજ અને સ્વપ્નિલ સિંહે પણ એક-એક વિકેટ લીધી હતી.
બેન્ગલૂરુના કૅપ્ટન ફાફ ડુ પ્લેસીએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. બેન્ગલૂરુનો ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ માનસિક અને શારીરિક રીતે અત્યંત થાક અનુભવ્યા બાદ બે અઠવાડિયાના બ્રેક પર ઉતરી ગયો હતો, પરંતુ ગુજરાત સામેની આ મૅચથી પાછો રમવા આવી ગયો હતો. ગુજરાતે અગાઉની મૅચની જ પ્લેઇંગ-ઇલેવન જાળવી રાખી હતી.
બેન્ગલૂરુની ઇનિંગ્સ શરૂ થતાં બેસ્ટ બૅટર સુદર્શનના સ્થાને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે પેસ બોલર સંદીપ વૉરિયરને ટીમમાં સમાવાયો હતો.